20 November, 2025 08:20 AM IST | West Bengal | Gujarati Mid-day Correspondent
SIR વિશે કેરલાના કોઝિકોડમાં બનાવવામાં આવેલા રેતશિલ્પનો ફોટો પાડતી એક વ્યક્તિ.
પશ્ચિમ બંગાળમાં મતદારયાદીઓની સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા ચાલુ છે ત્યારે નૉર્થ ૨૪ પરગણા જિલ્લાના સ્વરૂપનગર નજીક હકીમપુર ચેકપોસ્ટ પર આશરે ૫૦૦ બંગલાદેશીઓએ ભારત છોડી દીધું હતું. બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF)ના જવાનોએ આ બંગલાદેશી નાગરિકોને અટકાવ્યા અને તેમની પૂછપરછ કરી ત્યારે ચોંકાવનારી વિગતો જાણવા
મળી હતી. આ પુરુષો, સ્ત્રીઓ અને બાળકો પાસે કોઈ દસ્તાવેજ નહોતા અને તેઓ ઘૂસણખોર હતા. પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી SIR પ્રક્રિયાને કારણે તેમની ચિંતા વધી હતી અને તેમને ડર હતો કે તેમને પકડવામાં આવશે તો જેલમાં પૂરી દેવામાં આવશે એટલે તેઓ ભારત છોડીને જઈ રહ્યા હતા. આ ગેરકાયદે બંગલાદેશી નાગરિકો ઘણાં વર્ષો પહેલાં ભારતમાં ઘૂસી ગયા હતા.
BSFની ૧૪૩મી બટૅલ્યનના કર્મચારીઓએ સરહદના નદીકિનારાના વિસ્તારનું નિરીક્ષણ કરતી વખતે ૫૦૦ જેટલા લોકોને જોયા હતા અને તેમની અટકાયત કરી હતી. આ વર્ષે પકડાયેલા શંકાસ્પદ બિનદસ્તાવેજીકૃત બંગલાદેશી નાગરિકોનું આ સૌથી મોટું જૂથ હતું.
કોઈ દસ્તાવેજો મળ્યા નથી
નૉર્થ ૨૪ પરગણા જિલ્લામાં બંગલાદેશ સાથેની સરહદમાં કેટલાક પૉઇન્ટ એવા છે જ્યાંથી ઘૂસણખોરી થાય છે. આ મુદ્દે BSFના અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘મંગળવારે બપોર સુધીમાં હકીમપુર સરહદ પર ફસાયેલા બંગલાદેશીઓની સંખ્યા ૫૦૦થી વધુ થઈ ગઈ હતી. અટકાયતીઓએ કબૂલાત કરી હતી કે તેઓ ગેરકાયદે રીતે ભારતમાં પ્રવેશ કરીને રહ્યા હતા અને માન્ય દસ્તાવેજો વિના કલકત્તાનાં ઉપનગરોમાં કામ કરી રહ્યા હતા. કોઈ પાસે પાસપોર્ટ, વીઝા કે ઓળખ કાર્ડ નહોતાં. આ લોકોની પૂછપરછ બાદ તેમની ફિંગરપ્રિન્ટ્સ અને ફોટોગ્રાફ્સ સહિતની મૂળભૂત માહિતી એકત્રિત કરવામાં આવી હતી અને પછી જવા દેવામાં આવ્યા હતા.’
મોટે ભાગે મજૂરો અને ઘરેલુ કામદારો
આ ઘૂસણખોરો વર્ષોથી કલકત્તાના બિરાટી, મધ્યમગ્રામ, રાજારહાટ, ન્યુ ટાઉન અને સૉલ્ટ લેકમાં ગેરકાયદે રીતે રહેતા હતા. તેઓ મુખ્યત્વે ઘરેલુ કામદારો, દૈનિક વેતન મજૂરો અથવા બાંધકામ કામદારો તરીકે કામ કરતા હતા. આ મહિનાની શરૂઆતમાં BSFએ હકીમપુર હેઠળ તારલી સરહદ પાર કરવાનો પ્રયાસ કરતા ૯૪ વધુ બંગલાદેશીઓને અટકાવ્યા હતા.
કેરલામાં બૂથ લેવલ ઑફિસરોએ ૫૧,૦૦૦ અનટ્રેસેબલ મતદારોને ઓળખી કાઢ્યા
કેરલાના મુખ્ય ચૂંટણી-અધિકારી રતન યુ. કેલકરે રાજ્યમાં મતદારયાદીના સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) વખતે સ્થળાંતરિત, મૃત અથવા ડુપ્લિકેટ થયેલા ૫૧,૦૦૦થી વધુ અનટ્રેસેબલ મતદારોને ઓળખી કાઢવા બદલ બૂથ લેવલ ઑફિસરો (BLO)ની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે રાજ્યની મતદારયાદીની ચોકસાઈ અને વિશ્વસનીયતા જાળવવા માટે BLOsના ક્ષેત્રસ્તરીય પ્રયાસો મહત્ત્વપૂર્ણ છે. તેમણે BLOને ચોકસાઈ સુનિશ્ચિત કરવા માટે રાજકીય પક્ષના એજન્ટોને મળવા વિનંતી કરી હતી. આ કવાયત ૪ ડિસેમ્બર સુધી ચાલશે.
પશ્ચિમ બંગાળમાં સ્કૅમર્સ SIRના નામે OTP માગે છે, ચૂંટણીપંચે મતદારોને સાવધ કર્યા
પશ્ચિમ બંગાળમાં સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ચૂંટણીપંચે SIRના નામનો ઉપયોગ કરીને વન-ટાઇમ પાસવર્ડ (OTP) માગીને લોકોની સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કરી રહેલા સ્કૅમર્સ વિશે ચેતવણી જાહેર કરી છે. પશ્ચિમ બંગાળના ઍડિશનલ ચીફ ઇલેક્ટોરલ ઑફિસર દ્વારા સહી કરાયેલી એક ચેતવણી જાહેર કરવામાં આવી છે, જેમાં જણાવાયું છે કે મુખ્ય ચૂંટણી-અધિકારીની કચેરી અથવા રાષ્ટ્રીય ચૂંટણીપંચ તરફથી SIR માટે કોઈ OTP માગવામાં આવતો નથી. એટલું જ નહીં, મતદારયાદીમાં સુધારા માટે કોઈ OTP માગવામાં આવતો નથી. તાજેતરમાં એવી ફરિયાદો આવી હતી કે ચૂંટણીપંચના નામે ઘણા લોકોને OTP મોકલવામાં આવી રહ્યા છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે SIR પ્રક્રિયા માટે OTP જરૂરી છે. ઘણા લોકોએ કમિશનને ફરિયાદ કરી છે કે તેઓ છેતરપિંડી કરનારાઓ દ્વારા છેતરાયા હતા અને OTP નંબર જાહેર કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર એક ગૅન્ગ અપ્રામાણિક માધ્યમથી પૈસા કમાવા માટે આવું કરી રહી છે. પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી-અધિકારીએ ચેતવણી આપી છે કે ‘તમામ સંબંધિતોની જાણકારી માટે જણાવવામાં આવે છે કે ભારતનું ચૂંટણીપંચ અથવા પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી-અધિકારીના કાર્યાલય તરફથી કોઈ OTP માગવામાં આવી રહ્યો નથી. SIR અથવા મતદારયાદી સુધારણા સંબંધિત કોઈ પણ કાર્ય માટે કોઈ પણ મોબાઇલ-નંબર પર કોઈ OTP માગવામાં આવશે નહીં.’