02 August, 2026 10:01 AM IST | Haryana | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
શુક્રવારે આંધ્ર પ્રદેશ અને હરિયાણામાં ડ્રાફ્ટ મતદારયાદીની જાહેરાત સાથે સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ના ત્રીજા તબક્કામાં મતદારયાદીમાંથી કૅન્સલ કરવામાં આવેલા લોકોની સંખ્યા એર કરોડને પાર કરી ગઈ છે. પાંચમી જુલાઈથી અત્યાર સુધીમાં ૧૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ડ્રાફ્ટ મતદારયાદી જાહેર કરવામાં આવી હતી જેમાં ૧૦.૮૯ કરોડ મતદારોમાંથી ૧.૧૩ કરોડ (૧૦.૩૯ ટકા) લોકોનાં નામ મૃત્યુ, સ્થળાંતર અને એક કરતાં વધુ સ્થળે નોંધણી જેવાં કારણોસર દૂર કરવામાં આવ્યાં છે.
હજી અન્ય ૯ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ડ્રાફ્ટ-યાદી પાંચમી ઑગસ્ટથી ૨૧ ઑક્ટોબર વચ્ચે જાહેર થવાની છે. આ પહેલાં બિહારથી શરૂ થયેલા આ મિશન હેઠળ ૧૩ રાજ્યોમાં મતદારયાદીમાંથી ૫.૮૩ કરોડ નામો કૅન્સલ કરવામાં આવ્યાં છે.
રાજ્યવાર આંકડા જોઈએ તો આંધ્ર પ્રદેશમાં સૌથી વધુ ૪૪.૮૯ લાખ (૧૦.૭૮ ટકા) નામ રદ થતાં મતદારોની સંખ્યા ૪.૧૬ કરોડથી ઘટીને ૩.૭૧ કરોડ થઈ છે. હરિયાણામાં ૩૩.૮૩ લાખ (૧૬.૩૮ ટકા) નામ દૂર કરવામાં આવ્યાં છે. ટકાવારીની દૃષ્ટિએ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવમાં સૌથી વધુ ૨૯.૬૪ ટકા નામ કમી થયાં છે. ઇલેક્શન કમિશન ઑફ ઇન્ડિયા (ECI) દ્વારા નવા ઉમેરા અને વાંધા-અરજીઓ માટે સમય આપવામાં આવશે એટલે આ આંકડાઓમાં ફેરફાર શક્ય છે.
આંકડાબાજી
રાજ્ય રદ્દ થયેેલા મતદારો
આંધ્ર પ્રદેશ 44,89,512 (10.78%)
હરિયાણા 33,83,302 (16.38%)
ઓડિશા 20,12,557 (6.02%)
ઉત્તરાખંડ 8,26,977 (10.39%)
અરુણાચલ પ્રદેશ 1,69,459 (19.09%)
મણિપુર 1,58,677 (7.5%)
દાદરા અને નગર હવેલી & દીવ-દમણ 1,26,894 (29.64%)
છત્તીસગઢ 66,181 (12.8%)
મિઝોરમ 46,162 (5.2%)
સિક્કિમ 37,724 (8%)
TOTAL 1,13,17,445 (10.39%)