તમે નક્કી કરો સમય, જગ્યા, ટાર્ગેટ

01 May, 2025 06:42 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

હાઈ લેવલ મીટિંગ પછી નરેન્દ્ર મોદીએ આર્મીને આપ્યો છુટ્ટો દોર

ગઈ કાલે પોતાના ઘરે યોજાયેલી મીટિંગમાં ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહ, નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર અજિત ડોભાલ, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, ચીફ ઑફ ધ ઍર સ્ટાફ ઍર ચીફ માર્શલ એ.પી. સિંહ, નેવી ચીફ ઍડ્‍મિરલ દિનેશ કુમાર ત્રિપાઠી અને ચીફ ઑફ ધ આર્મી સ્ટાફ જનરલ ઉપેન્દ્ર ​િદ્વવેદી સાથે નરેન્દ્ર મોદી.

પહલગામ આતંકવાદી હુમલા પછી પાકિસ્તાન સાથેના તનાવ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે તેમના નિવાસસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ, નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર (NSA) અજિત ડોભાલ, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ અને તમામ સશસ્ત્ર દળોના વડાઓ હાજર રહ્યા હતા. આ બેઠક વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં કૅબિનેટ કમિટી ઑન સિક્યૉરિટી (CCS)ની બેઠકના એક દિવસ પહેલાં થઈ છે.

આ હાઈ લેવલ મીટિંગ બાદ નરેન્દ્ર મોદીએ એવું જણાવ્યું હોવાનું જાણવા મળે છે કે સમય, જગ્યા અને ટાર્ગેટ સેના નક્કી કરે, ખુલ્લી છૂટ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે સરહદપારના આતંકવાદ વિરુદ્ધ દેશની આ સૌથી મોટી કાર્યવાહીમાં ટર્નિંગ પૉઇન્ટ સાબિત થઈ શકે એમ છે. એવો ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે કે વહેલી તકે પાકિસ્તાન આધારિત આતંકવાદી નેટવર્કના વિરોધમાં નિર્ણાયક કાર્યવાહી થઈ શકે છે. આ બેઠકને ઇમર્જન્સી અને અસાધારણ ગણાવવામાં આવી હતી.

national news india Pahalgam Terror Attack indian government indian army indian air force