ત્રીજા દિવસે પણ સંસદની કાર્યવાહી વેડફાઈ, વિપક્ષી સંસદસભ્યો કાળા પોશાકમાં આવ્યા

23 July, 2026 12:25 PM IST  |  Delhi | Geeta Manek

સંસદના મૉન્સૂન સત્રનો ત્રીજો દિવસ પણ વિપક્ષોના ભારે હોબાળા વચ્ચે પહેલા બે દિવસની જેમ વેડફાઈ ગયો હતો

વિપક્ષોએ હંગામો ચાલુ રાખ્યો હતો

સંસદના મૉન્સૂન સત્રનો ત્રીજો દિવસ પણ વિપક્ષોના ભારે હોબાળા વચ્ચે પહેલા બે દિવસની જેમ વેડફાઈ ગયો હતો. વિપક્ષ અયોધ્યામાં રામ મંદિરની દાનચોરી, CJPના વિરોધ-આંદોલનમાં પોલીસ-કાર્યવાહી અને પરીક્ષામાં પેપર-લીકના મુદ્દા પર ચર્ચાની માગણી કરી રહ્યા છે.

ગઈ કાલે વિપક્ષના સાંસદો કાળા પોશાક પહેરીને સંસદસંકુલમાં પહોંચ્યા હતા અને કેન્દ્ર સરકાર સામે વિરોધ-પ્રદર્શન કર્યું હતું. લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ, કૉન્ગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી અને અન્ય ઘણા સાંસદોએ વિરોધ-પ્રદર્શનમાં ભાગ લીધો હતો. વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે પ્રદર્શનો દરમ્યાન પોલીસોએ વિદ્યાર્થીઓ અને સાંસદો સાથે દુર્વ્યવહાર કર્યો હતો.

સરકાર ચર્ચા માટે તૈયાર: કિરેન રિજિજુ
લોકસભામાં વિપક્ષ તરફથી હંગામાના પગલે સવારે ગૃહ મુલતવી રાખ્યા પછી બપોરે બે વાગ્યે કાર્યવાહી ફરી શરૂ થઈ ત્યારે ફરી વિપક્ષોએ હંગામો ચાલુ રાખ્યો હતો. ગૃહમાં બોલતાં કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ કહ્યું હતું કે ‘સરકાર તમામ પ્રકારની ચર્ચા માટે તૈયાર છે. કૃપા કરીને અમને જણાવો કે તમે ક્યારે ચર્ચા કરવા માંગો છો. ગૃહમાં ચર્ચા નિયમો અનુસાર કરવામાં આવશે. ગૃહનું કામકાજ ખોરવવું ખોટું છે.’ 

national news india parliament indian government Lok Sabha kiren rijiju