16 December, 2025 08:50 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
સોમવારે દિલ્હીના રામલીલા ગ્રાઉન્ડમાં રેલીમાં જોડાતી વખતે કૉન્ગ્રેસની કાર્યકર્તાઓએ ‘મોદી તેરી કબ્ર ખુદેગી..’ના નારા લગાવ્યા હતા. ગઈ કાલે લોકસભામાં કિરેન રિજિજુએ કૉન્ગ્રેસના આ કારનામાને વખોડ્યું હતું.
રામલીલા મેદાનમાં રવિવારે યોજાયેલી કૉન્ગ્રેસની રૅલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર ‘મોદી તેરી કબ્ર ખુદેગી, આજ નહીં તો કલ ખુદેગી’નો મુદ્દો ગઈ કાલે સંસદમાં ઉઠાવવામાં આવ્યો હતો, જેને કારણે બન્ને ગૃહોની કાર્યવાહી સ્થગિત કરવાની ફરજ પડી હતી.
BJPના નેતા અમિત માલવીયએ સોશ્યલ મીડિયા પર એક વિડિયો પોસ્ટ કર્યો હતો જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યો છે. રાજ્યસભામાં જે. પી. નડ્ડાએ કૉન્ગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધી પાસેથી માફીની માગણી કરી હતી.
શું છે આખો મામલો?
રવિવારે રામલીલા મેદાનમાં યોજાયેલી કૉન્ગ્રેસની રૅલીમાં જયપુરથી આવેલી મહિલા કૉન્ગ્રેસની કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યો હતો અને એમાં તેઓ ‘મોદી તેરી કબ્ર ખુદેગી, આજ નહીં તો કલ ખુદેગી’ એવું બોલી હતી.
અમિત માલવીયએ પોસ્ટમાં શું લખ્યું?
અમિત માલવીયએ પોસ્ટ કરેલા વિડિયોમાં મહિલા કૉન્ગ્રેસની કેટલીક કાર્યકરો આ નારો લગાવતી જોવા મળે છે. તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે ‘આ રાજકીય વિરોધ નથી પરંતુ વ્યક્તિગત અદાવત છે જે ખતરનાક છે. દેશ માટે વિચારો આપવાને બદલે કૉન્ગ્રેસ નફરતભર્યાં સૂત્રોનો પ્રચાર કરી રહી છે. વર્ષો વીતી ગયાં, ચૂંટણીઓ આવી અને ગઈ, પરંતુ એક વાત યથાવત્ રહી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી કૉન્ગ્રેસ પાર્ટીનો એજન્ડા છે. આવાં ઝેરી વાણી-વર્તન રસ્તાઓ પરથી ઉદ્ભવતાં નથી, પરંતુ સીધાં કૉન્ગ્રેસના ટોચના નેતૃત્વમાંથી આવે છે.’
કિરેન રિજિજુએ શું કહ્યું?
સોમવારે સંસદનું સત્ર શરૂ થાય એ પહેલાં એક પત્રકાર-પરિષદમાં સંસદીય પ્રધાન કિરેન રિજિજુએ કહ્યું હતું કે ‘દેશના લોકોએ કૉન્ગ્રેસ પાર્ટીની રૅલીમાં જે કહેવામાં આવ્યું એ સાંભળ્યું છે. લોકશાહીમાં આપણે બધા સાથી છીએ, દુશ્મન નહીં; પરંતુ રૅલીમાં વડા પ્રધાન વિરુદ્ધ વાંધાજનક સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. મારું માનવું છે કે લોકશાહીમાં આટલું નીચું અને શરમજનક સ્તર પહેલાં ક્યારેય જોવા મળ્યું નથી. સંસદનું સત્ર ચાલુ છે અને કૉન્ગ્રેસના પ્રમુખ અને વિપક્ષના નેતાએ દેશના લોકો પાસે માફી માગવી જોઈએ. ૨૦૧૪માં BJPના ભૂતપૂર્વ સંસદસભ્ય નિરંજન જ્યોતિએ વિપક્ષી નેતા માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો ત્યારે વડા પ્રધાન મોદીએ તરત જ તેમને સંસદમાં માફી માગવા કહ્યું હતું અને સંસદસભ્યે માફી માગી હતી. લોકશાહીમાં ભાષાનું સ્તર દરેક વ્યક્તિએ સમજવું જોઈએ.’
લોકસભામાં આ મુદ્દો ઉઠાવતાં કિરણ રિજિજુએ કહ્યું હતું કે ‘રવિવારની કૉન્ગ્રેસની રૅલીમાં વડા પ્રધાનની કબર ખોદવાની વાત કરવામાં આવી હતી. દેશ માટે ખૂબ જ દુઃખદ સમય છે કે કૉન્ગ્રેસ પાર્ટી આવી ભાષાનો ઉપયોગ કરે છે. રૅલીમાં પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓ હાજર હતા છતાં આવો સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો.’
પ્રિયંકા ગાંધીએ શું જવાબ આપ્યો?
સંસદભવનની બહાર કૉન્ગ્રેસના સંસદસભ્ય પ્રિયંકા ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે ‘સંસદીય બાબતોના પ્રધાન પોતે ગૃહમાં ખલેલ પહોંચાડી રહ્યા છે. કોઈ નેતાએ મંચ પરથી કોઈ વાંધાજનક નિવેદન આપ્યું નથી. ભીડમાંથી કોઈએ કંઈક કહ્યું હોવાથી ગૃહમાં કેમ હંગામો કરવામાં આવે છે?’
બીજી તરફ કૉન્ગ્રેસના સંસદસભ્ય કે. સી. વેણુગોપાલે કહ્યું હતું કે BJP રૅલીની સફળતાથી ગભરાઈ છે અને તેથી એ આવો તમાશો કરી રહી છે.
આવી ભાષાનો ઉપયોગ અયોગ્ય
જોકે કૉન્ગ્રેસના ગઠબંધનના સાથી સમાજવાદી પાર્ટીના સંસદસભ્ય રાજીવ રાયે કહ્યું હતું કે રાજકારણમાં આવી ભાષાનો ઉપયોગ અયોગ્ય છે અને એને ટાળવો જોઈએ.
BJPના સંસદસભ્ય દિનેશ શર્માએ કહ્યું હતું કે કૉન્ગ્રેસે પોતાની હારનો સિલસિલો ચાલુ રાખીને પોતાની રાજકીય કબર ખોદી છે.
સૂત્રોચ્ચાર કરનારી મંજુ લતા મીણાએ કહ્યું, હું માફી નહીં માગું
વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરનાર મહિલાનું નામ મંજુ લતા મીણા છે અને તે જયપુર મહિલા કૉન્ગ્રેસની જિલ્લા-પ્રમુખ છે. સૂત્રોચ્ચાર અંગે પૂછવામાં આવતાં મંજુએ કહ્યું હતું કે ‘હું મારા નિવેદન પર હજી પણ અડગ છું. હું માફી નહીં માગું. વોટચોરીના મુદ્દે લોકોમાં ભારે ગુસ્સો છે. ભારતભરના લોકો રામલીલા મેદાનમાં એકઠા થયા છે. જનતાએ સાબિત કરી દીધું છે કે તેઓ વોટચોરીની વિરુદ્ધ છે. ચૂંટણીપંચ પણ સરકારના ઇશારે કાર્ય કરી રહ્યું છે. વડા પ્રધાન રોજગાર વિશે વાત કરતા નથી. તેઓ યુવાનો વિશે વાત કરતા નથી. તેઓ ખેડૂતો વિશે વાત કરતા નથી. તેઓ મહિલાઓ વિશે પણ વાત કરતા નથી. તેઓ લોકોને મુદ્દાઓથી ભટકાવે છે.’