૨૮૪ વખત ચૂંટણી હારવાનો અનોખો રેકૉર્ડ ધરાવતા બિહારના ધરતીપકડનું અવસાન

04 September, 2026 03:03 PM IST  |  Bihar | Gujarati Mid-day Correspondent

વારંવાર ડિપોઝિટ જપ્ત થવા છતાં નાગરમલ બાજોરિયાએ રાષ્ટ્રપતિપદ સુધીની ચૂંટણીઓમાં ઉમેદવારી કરવાનું ચાલુ રાખ્યું હતું, ૯૭ વર્ષની ઉંમરે વિદાય

ધરતીપકડ

બિહારના ભાગલપુરના રહેવાસી અને ‘ધરતીપકડ’ના હુલામણા નામથી જાણીતા નાગરમલ બાજોરિયાનું ગુરુવારે પટનામાં ૯૭ વર્ષની ઉંમરે નિધન થયું હતું. તેઓ દુનિયાના એકમાત્ર એવા માણસ હતા જેમણે ૨૮૪ વખત ચૂંટણીમેદાનમાં ઝંપલાવ્યું હતું અને દર વખતે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. સતત હાર અને વારંવાર ડિપોઝિટ જપ્ત થવા છતાં તેમનો ચૂંટણી લડવાનો ઉત્સાહ ક્યારેય ઓછો થયો નહોતો.
નાગરમલ બાજોરિયાએ ગ્રામપંચાયતથી લઈને રાષ્ટ્રપતિપદ માટેની ચૂંટણીમાં પણ અનેક વાર ઉમેદવારી નોંધાવીને ભારે ચર્ચા જગાવી હતી. સોશ્યલ મીડિયાના જમાના પહેલાં પણ આખા દેશના મીડિયામાં તેમના નામની ભારે બોલબાલા રહેતી હતી. તેમણે ક્યારેય પોતાની મર્યાદા કે જપ્ત થતી ડિપોઝિટની રકમની ચિંતા કરી નહોતી. જ્યાં પણ ભારતીય નાગરિક ફૉર્મ ભરી શકે એવી આંતરરાષ્ટ્રીય ચૂંટણીઓમાં પણ તેઓ અચૂક ઉમેદવારી કરતા હતા.

national news india bihar indian politics political news