09 May, 2026 01:02 PM IST | Patna | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે પટનામાં તૂટી પડેલા વૃક્ષની નીચે દબાઈ ગયેલી રિક્ષા.
બિહારની રાજધાની પટનામાં શુક્રવારે બપોર પછી બગડેલી મોસમે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું. સાંજે અડધા કલાક માટે આવેલા તોફાની વરસાદે શહેરમાં તબાહી મચાવી દીધી હતી. વાવાઝોડાને કારણે ઠેર-ઠેર વૃક્ષો પડી ગયાં હતાં અને કાચાં ઘરો અને દુકાનોનાં છાપરાં ઊડી ગયાં હતાં. ડઝનેક ગાડીઓ વૃક્ષ નીચે દબાઈ ગઈ હતી. એક ચાલતી રિક્ષા પર વૃક્ષ પડવાથી ૩ લોકો મૃત્યુ પામ્યા હતા. એક ઘર પર વૃક્ષ તૂટી પડતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. ઇસ્કૉન મંદિર પાસે લાગેલા મેળામાં વાવાઝોડાને કારણે બધું અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. એક વટવૃક્ષ પડી જવાને કારણે એક શિવમંદિર તૂટી ગયું હતું. એની આસપાસનાં ૩ ઘરને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. વીજળીના તાર તૂટી જવાને કારણે અનેક વિસ્તારોમાં પાવર-સપ્લાય થોડા કલાકો માટે ખોરવાઈ ગઈ હતી.