પેટ્રોલ-ડીઝલમાં એક દિવસના બ્રેક બાદ ફરી મોટો જમ્પ: ભાવ આસમાને

12 June, 2021 10:38 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પેટ્રોલમાં લિટરદીઠ ૨૯ પૈસાનો અને ડીઝલમાં ૨૮ પૈસાનો વધારો : દેશના ૧૩૫ જિલ્લામાં પેટ્રોલ ૧૦૦ રૂપિયાને પાર : જૂનના ૧૧ દિવસમાં ૬ વખત ભાવ વધ્યા, મુંબઈમાં પેટ્રોલનો ભાવ ૧૦૨ની પણ ઉપર પહોંચ્યો, ડીઝલ ૯૪ રૂપિયા

પ્રતીકાત્મક તસવીર

દેશમાં કોરોનાનાં કેસ હવે ઝડપથી ઘટી રહ્યા છે, પરંતુ બીજી તરફ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક દિવસના બ્રેક બાદ ફરી વધારો કરાયો છે. પેટ્રોલનો ભાવ આકાશને સ્પર્શે એટલો થઈ ગયો છે. એક દિવસના વિરામ બાદ ડીઝલ-પેટ્રોલના ભાવ ફરી વધ્યા છે. ગઈ કાલે પેટ્રોલના દરમાં ૨૯ પૈસાનો અને ડીઝલના દરમાં ૨૮ પૈસાનો વધારો થયો હતો.

ગુરુવારે ક્રૂડ ઑઇલના ભાવમાં નરમાશ જોવા મળી હતી, જે પછી ગઈ કાલે એટલે કે ૧૧ જૂને પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, ગઈ કાલે દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૯૫.૮૫ રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ હતી, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટર ૮૬.૭૫ રૂપિયા પર પહોંચી ગઈ હતી.

મુંબઈમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ૧૦૨ રૂપિયાને પાર થઈ ગયો છે, જ્યારે ડીઝલ ૯૪ ઉપર છે. આ વર્ષે પેટ્રોલની કિંમતમાં લગભગ ૧૪ ટકાનો વધારો થયો છે. વળી પેટ્રોલના ભાવમાં ૨૫-૨૯ પૈસા પ્રતિ લિટર અને ડીઝલમાં ૨૭-૩૦ પૈસા પ્રતિ લિટરનો વધારો થયો છે.

બીજી મેના વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો બાદ ચાર મેથી કિંમત વધવાની શરૂ થઈ ગઈ. મેમાં કુલ ૧૬ વખત પેટ્રોલની કિંમતમાં વધારો થયો હતો. જ્યારે જૂનમાં અત્યાર સુધીમાં ૬ વખત પેટ્રોલની કિંમત વધી છે. જૂનમાં પેટ્રોલ ૧.૬૬ રૂપિયા જ્યારે ડીઝલ ૧.૬ રૂપિયા મોંઘું થયું છે. વર્ષ ૨૦૨૧માં અત્યાર સુધી કિંમત ૪૮ વખત વધી છે. આ દરમિયાન પેટ્રોલ ૧૨.૧૪ રૂપિયા મોંઘું થયું છે.

વર્ષ ૨૦૧૪-૧૫માં પેટ્રોલ ૬૬ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ ૫૦ રૂપિયા પ્રતિ લિટર હતું. આજે ૨૦૨૧માં પેટ્રોલ પ્રતિ લિટર ૧૦૦ રૂપિયાથી પણ વધુ અને ડીઝલ ૯૪ રૂપિયા પર પહોંચી ગયું છે. ભારતના કેટલાક જિલ્લામાં તો પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂપિયાને પાર કરી ગયો છે.

national news