27 February, 2026 07:22 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કેન્દ્ર સરકારે પહેલી એપ્રિલથી દેશભરમાં E20 પેટ્રોલનું વેચાણ કરવાનું અનિવાર્ય કરી દીધું છે. પેટ્રોલિયમ મંત્રાલયે આ બાબતે નોટિફિકેશન બહાર પાડ્યું છે. એ અનુસાર હવે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેલ-કંપનીઓએ ૨૦ ટકા ઇથેનૉલ મેળવેલું પેટ્રોલ જ સપ્લાય કરવાનું રહેશે.
આમ તો ભારતમાં ઘણી જગ્યાએ ઑલરેડી ૨૦૨૩થી જ E20 પેટ્રોલની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ એ હજીયે ઑપ્શનલ હતું. સરકારે પહેલાં ઇથેનૉલ બ્લેન્ડિંગનું લક્ષ્ય ૨૦૩૦ રાખ્યું હતું, પરંતુ એ ઘટાડીને ૨૦૨૫-’૨૬માં જ એને સંપૂર્ણપણે લાગુ કરવાનું નક્કી કર્યું છે.
હવે કોઈ પણ પેટ્રોલ-પમ્પ પર ૯૫ રિસર્ચ ઑક્ટેન નંબર (RON)નું E20 પેટ્રોલ જ વેચી શકાશે. એમ થશે તો જ એન્જિનને સુરક્ષિત રાખી શકાશે. RON એ ફ્યુઅલના નૉકિંગને રોકવાની ક્ષમતા દેખાડે છે. નૉકિંગ એટલે એન્જિનની અંદર સમયથી પહેલાં આગ લાગવી. RON એ બતાવે છે કે પેટ્રોલ કેટલું સહનશીલ છે. જે પેટ્રોલનો RON નંબર જેટલો વધુ હોય એટલું જ આસાનીથી એ એન્જિનનું પ્રેશર ઝીલે અને કોઈ અવાજ કર્યા વિના ઝટકાથી યોગ્ય સમયે બળે. એનાથી એન્જિનની લાઇફ વધે છે અને એ સારી રીતે ચાલે છે. અત્યાર સુધી ભારતમાં વેચાતું મોટા ભાગનું પેટ્રોલ ૯૧ RONવાળું હતું અને માત્ર પ્રીમિયમ પેટ્રોલ જ ૯૫ RONવાળું મળતું હતું.
૨૦ ટકા ઇથેનૉલ મિિશ્રત પેટ્રોલને કારણે જૂની ગાડીઓના માઇલેજમાં અસર પડી શકે છે. ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતોનું કહેવું છે કે ૨૦૨૩થી ૨૦૨૫ની વચ્ચે બનેલાં મોટા ભાગનાં વાહનો E20 ફ્યુઅલના હિસાબે ડિઝાઇન કરવામાં આવ્યાં છે એટલે નવાં વાહનોને વાંધો નહીં આવે, પરંતુ બહુ જૂનાં વાહનોમાં તકલીફ થઈ શકે છે. ફ્યુઅલ એફિશ્યન્સીમાં ત્રણથી સાત ટકાનો ફરક જોવા મળી શકે છે અને લાંબા સમયના વપરાશ પછી જૂના એન્જિનના રબર અને પ્લાસ્ટિકના હિસ્સામાં તકલીફ આવી શકે છે.