10 August, 2026 08:50 AM IST | Thailand | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
થાઇલૅન્ડના ફુકેતથી દિલ્હી આવતી ઍર ઇન્ડિયાની ફ્લાઇટના બે પાઇલટમાંથી એક પાઇલટ ડ્રગ-ટેસ્ટમાં નિષ્ફળ ગયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઘટના પછી બન્ને પાઇલટની પોસ્ટ-ફ્લાઇટ ડ્રગ સ્ક્રીનિંગ ટેસ્ટ કરવામાં આવી હતી. એક પાઇલટની ટેસ્ટ પૉઝિટિવ આવી છે. આ ઘટનાની તપાસ પૂરી થાય ત્યાં સુધી બન્ને પાઇલટને ફરજ પરથી હટાવવામાં આવ્યા છે. આ મુદ્દે ઍર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે અમે કોઈ કમેન્ટ કરવાની સ્થિતિમાં નથી, કારણ કે ફ્લાઇટ પછી ડ્રગ સ્ક્રીનિંગનાં તારણો અમારી સાથે શૅર કરવામાં આવ્યાં નથી.
આ ઘટનાની તપાસ ડિરેક્ટર જનરલ ઑફ
સિવિલ એવિયેશન (DGCA) દ્વારા કરવામાં આવી રહી છે. તપાસનાં પરિણામોને ધ્યાનમાં લઈને નક્કી કરવામાં આવશે કે આ મામલાની ઍરક્રાફ્ટ ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા વધુ તપાસની જરૂર છે કે કેમ.
ચોથી ઑગસ્ટે આ ફ્લાઇટ તીવ્ર ટર્બ્યુલન્સમાં ફસાઈ ગઈ હતી અને અચાનક લગભગ ૩૦૦ ફુટ નીચે આવી ગઈ હતી. ફ્લાઇટમાં ૧૩૭ મુસાફરો અને ૮ ક્રૂ સભ્યો હતા. ઍર ટર્બ્યુલન્સમાં ૪ કૅબિન-ક્રૂ સભ્યો સહિત ઓછામાં ઓછા ૧૭ પ્રવાસીઓ ઘાયલ થયા હતા.
ઑસ્ટ્રેલિયાના સિડની ઇન્ટરનૅશનલ ઍરપોર્ટના રનવે ટૅક્સીવે પર ગઈ કાલે સવારે ૭ વાગ્યાની આસપાસ એક મોટી વિમાન-દુર્ઘટના ટાળવામાં આવી હતી. ટેક-ઑફની તૈયારી કરી રહેલા જેટસ્ટારના પૅસેન્જર વિમાન અને કતર ઍરવેઝનું એક વિશાળ બોઇંગ 777 અચાનક એકબીજાની ખૂબ નજીક આવી ગયાં હતાં. ટક્કરની આશંકાથી જેટસ્ટારના પાઇલટને જમીન પર ઇમર્જન્સી બ્રેક લગાવવી પડી હતી, જેને કારણે એક ક્રૂ-મેમ્બરને ઈજા થઈ હતી. જેટસ્ટાર ફ્લાઇટ JQ402 (એક ઍરબસ A320) ગોલ્ડ કોસ્ટ જવા માટે ટૅક્સીવે પર આગળ વધી રહી હતી. એ જ સમયે કતર ઍરવેઝના બોઇંગ 777 વિમાનને ટગ દ્વારા ક્રૉસિંગ ટૅક્સીવે પર ખેંચીને લઈ જવામાં આવી રહ્યું હતું. બ્રેક મારવાને કારણે જેટસ્ટારના વિમાનમાં એક કૅબિન-ક્રૂ ઘાયલ થયો હતો અને તેને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. સદ્નસીબે, કોઈ મુસાફરોને ઈજા થઈ નહોતી. આ ઘટના વિશે તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.