18 September, 2025 07:10 AM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે મધ્ય પ્રદેશના ધારમાં ભેટમાં મળેલા તીર-કામઠા સાથે નરેન્દ્ર મોદી.
ડોનલ્ડ ટ્રમ્પે ફોન કરીને ભલે શુભેચ્છા આપી, પણ ૭૫મી વર્ષગાંઠે નરેન્દ્ર મોદીએ તેમને જ આપ્યો જડબાતોડ જવાબ
મધ્ય પ્રદેશના ધારમાં વૈશ્વિક સ્તરના ટેક્સટાઇલ હબ PM MITRA પાર્કનો શિલાન્યાસ કરીને વડા પ્રધાને નવા ભારતના નિર્માણ માટે જનતાને સ્વદેશી મંત્ર અપનાવવાની હાકલ કરી
બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે મધ્ય પ્રદેશના ધાર પાસેના ભેંસોલા ગામમાં ૨૦,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા PM મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રીજન ઍન્ડ ઍપરલ (MITRA) પાર્કનો શિલાન્યાસ કર્યો હતો. એ પછી તેમણે જનતાને સંબોધીને ટેક્સટાઇલ હબના પાંચ Fવાળા વિઝનની વાત કરી હતી. આ પાંચ F એટલે ફાર્મ, ફાઇબર, ફૅક્ટરી, ફૅશન અને ફૉરેન. ફાર્મ એટલે કપાસ-ઉત્પાદકો ખેતરમાંથી સીધું કપાસ કંપનીઓને વેચી શકશે. ફાઇબર એટલે કપાસનું જિનિંગ, સાફસફાઈ અને યાર્ન બનાવવાનું કામ અહીં જ થશે. ફૅક્ટરી એટલે કૉટનનું સ્પિનિંગ, નીટિંગ કરીને કપડું અહીં બનશે. ફૅશન એટલે કપડાંનું ડિઝાઇનિંગ અને ગાર્મેન્ટ બનાવવાને લગતું જૉબવર્ક પણ અહીં જ થશે. ફૉરેન એટલે ફૅક્ટરીમાં તૈયાર થયેલાં કપડાંને અહીંથી જ સીધાં ફૉરેન એક્સપોર્ટ કરી શકાશે.’
બીજું શું-શું કહ્યું?
આ નવું ભારત છે. એ પરમાણુ-ધમકીથી ડરતું નથી. ઑપરેશન સિંદૂરમાં ભારતે આતંકવાદીઓને તેમના ઘરમાં ઘૂસીને માર્યા હતા અને પાકિસ્તાનને ઘૂંટણિયે લાવી દીધું હતું. આ વાત તેમના જ આતંકવાદીએ રડતાં-રડતાં હમણાં કબૂલી છે. ટૅરિફનો જવાબ સ્વદેશી વિચાર છે. તમે જે કંઈ પણ ખરીદો એ આપણા દેશમાં બનેલું હોવું જોઈએ. દુકાન પર બોર્ડ લગાવો અને ગર્વથી કહો કે આ સ્વદેશી છે.
સ્વાસ્થ્ય શિબિરમાં બાળકોને વહાલ
જ્યાં શિલાન્યાસ થયો એ જ જગ્યાએ સ્વાસ્થ્ય શિબિરનું પણ આયોજન થયું હતું. અહીં એનીમિયા માટે સ્ત્રીઓ અને બાળકોને સ્ક્રીનિંગ કરાવીને દવાઓ આપવામાં આવી હતી. નરેન્દ્ર મોદીએ આ સ્વાસ્થ્ય શિબિરની મુલાકાત લઈને સ્થાનિક ડૉક્ટરો સાથે વાર્તાલાપ કર્યો હતો અને રસી લગાવવા આવેલાં બાળકોને વહાલ કર્યું હતું.