આ વર્ષની છેલ્લી મન કી બાતમાં નરેન્દ્ર મોદીએ ૨૦૨૫ની ઉપલબ્ધિઓ ગણાવી

29 December, 2025 01:54 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

રાષ્ટ્રીય સુરક્ષા, રમતગમત અને વૈજ્ઞાનિક ઇનોવેશનની દુનિયામાં ભારતે કાઠું કાઢ્યું એની વાતો ઉપરાંત આવનારા વર્ષના પડકારો, સંભાવનાઓ વિશે પણ વાત કરી

‘મન કી બાત’ કાર્યક્રમ સાથે રિલીઝ કરવામાં આવેલી આ તસવીરમાં બારામુલ્લાની આ સાઇટ પર ૨૦૦૦ વર્ષ જૂના બૌદ્ધના અવશેષો જોવા મળ્યા છે.

ગઈ કાલે ‘મન કી બાત’ના ૧૨૯માં એપિસોડમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૨૫માં છેલ્લી વાર જનતા સાથે સંવાદ સાધ્યો હતો. તેમણે ૨૦૨૫ના વર્ષને ભારત માટે ગર્વ લઈ શકાય એવું યાદગાર વર્ષ ગણાવતાં આપણી ઉપલબ્ધિઓને વાગોળતાં કહ્યું હતું કે ‘પુરુષ ક્રિકેટ ટીમે ICC ચૅમ્પિયન્સ ટ્રૉફી જીતી, મહિલા ક્રિકેટ ટીમે પહેલી વાર વિશ્વ કપ દેશને જિતાડ્યો, ભારતની દીકરીઓએ વિમેન્સ બ્લાઇન્ડ T20 વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચી દીધો, એશિયા કપ T20માં પણ તિરંગાની શાન લહેરાઈ, શુભાંશુ શુક્લા ઇન્ટરનૅશનલ 
સ્પેસ-સ્ટેશન પહોંચનારા પહેલા ભારતીય બન્યા, ભારતમાં ચિત્તાઓની સંખ્યા હવે ૩૦થી વધુ થઈ ગઈ, ૨૦૨૫ આસ્થા, સંસ્કૃતિ અને ભારતની અદ્વિતીય વિરાસત બધું જ એકસાથે જોવા મળ્યું પ્રયાગરાજમાં, પૂરી દુનિયા દંગ રહી જાય એવા મહાકુંભનું પ્રયાગરાજમાં આયોજન થયું, સ્વદેશીને લઈને લોકોએ ખૂબ ઉત્સાહ બતાવ્યો. આજે હવે આપણે ગર્વથી કહી શકીએ કે ૨૦૨૫ના વર્ષે ભારતને વધુ આત્મવિશ્વાસથી સભર કરી દીધું છે. હા, આપણને પ્રાકૃતિક આપદાઓ સહન કરવી પડી, પરંતુ હવે દેશ આવનારા વર્ષમાં નવી આશાઓ, નવા સંકલ્પો સાથે આગળ વધવા તૈયાર છે.’
બીજું શું-શું ખાસ કહ્યું? 
૧. ઍન્ટિબાયોટિક બાબતે સભાનતાઃ ન્યુમોનિયા અને યુરિનરી ટ્રૅક્ટ ઇન્ફેક્શન જેવી બીમારીઓમાં હવે ઍન્ટિબાયોટિક નબળી પડી રહી છે. એનું કારણ છે આપણે સમજ્યા વિના ઍન્ટિબાયોટિક્સનું સેવન કરીએ છીએ. હું અપીલ કરું છું કે જાતે પોતાની રીતે દવાઓનું સેવન કરવાથી બચો. ડૉક્ટરની સલાહ લો. 
૨. ૨૦૦૦ વર્ષ જૂનો કાશ્મીરનો ઇતિહાસઃ જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં જે ઊંચાં શિખર છે એ પ્રાકૃતિક નહીં માણસોએ બનાવેલાં છે એવું પુરાતત્ત્વવિદોના અધ્યયનમાં ખબર પડી છે. ફ્રાન્સના મ્યુઝિયમના એક જૂના અને ધૂંધળા ચિત્રમાં જોવા મળ્યું છે કે બારામુલ્લામાં ૩ બૌદ્ધ સ્તૂપ છે. કાશ્મીરનો બે હજાર વર્ષથી જૂનો ગૌરવશાળી અતીત આપણી સામે આવ્યો છે. 
૩. મણિપુરમાં સોલર સૉલ્યુશન : મણિપુરમાં એક યુવાન મોઇરાંગથેમએ વીજળીની સમસ્યાથી છુટકારો મેળવવા માટે સોલર પૅનલ લગાવવાનું અભિયાના ચલાવ્યું હતું અને આ અભિયાનના કારણે આજે તેમના વિસ્તારમાં સેંકડો ઘરો સોલર પાવરથી સંચાલિત થઈ ગયાં છે. મણિપુરના અંતરિયાળ વિસ્તારોમાં વીજળીની ખૂબ મોટી સમસ્યા હતી. એનું લોકલ સૉલ્યુશન સોલર પાવરમાં મળ્યું. 
૪. દુબઈમાં કન્નડ અને ફિજીમાં તામિલ ભાષાઃ એક કન્નડ પરિવારે દુબઈમાં કન્નડ પાઠશાળા શરૂ કરી છે. એક એવો પ્રયાસ જેમાં બાળકોને કન્નડ ભાષા લખતાં અને બોલતાં શીખવાય છે. આજે એક હજારથી વધુ બાળકો આ ભાષા શીખે છે. એવી જ રીતે ગયા મહિને ફિજીમાં એક સ્કૂલમાં પહેલી વાર તામિલ દિવસ મનાવાયો હતો. 
૫. સ્માર્ટ યુથ સૉલ્યુશન્સઃ સ્માર્ટ ઇન્ડિયા હૅકેથૉન ૨૦૨૫માં ૮૦થી વધુ સરકારી વિભાગોમાં રિયલ લાઇફ પડકારો સાથે સંકળાયેલી ૨૭૦થી વધુ સમસ્યાઓ પર સ્ટુડન્ટ્સે સૉલ્યુશન આપવાનું કામ કર્યું હતું. યુવાનોએ સેંકડો સમસ્યાના સટિક ઉકેલો પણ આપ્યા હતા. આ બતાવે છે કે ભારતની યુવા પ્રતિભા પ્રૉમિસિંગ છે. 

narendra modi mann ki baat jammu and kashmir kashmir national news