17 September, 2025 07:36 AM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આજે ૭૫મી વર્ષગાંઠ છે અને તેઓ આજે મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના ભૈંસોલામાં PM MITRA ટેક્સટાઇલ પાર્કનું ભૂમિપૂજન કરવાના છે. આ પ્રોજેક્ટ હેઠળ ૨૦,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ થવાનું છે. આ પ્રોજેક્ટથી માલવા અને નિમારમાં સહિયારી ઔદ્યોગિક ક્રાન્તિની શરૂઆત થશે. આ પાર્ક ભારતના કાપડ ઉદ્યોગને નવી ઊંચાઈઓ પર લઈ જશે એટલું જ નહીં, કપાસ-ઉત્પાદક ખેડૂતો, યુવાનો, મહિલાઓ અને કામદારો માટે રોજગારના નવા દરવાજા પણ ખોલશે.
મુખ્ય પ્રધાન ડૉ. મોહન યાદવના નેતૃત્વમાં આ પ્રોજેક્ટને નક્કર આકાર આપવા માટે છેલ્લાં બે વર્ષથી જોરશોરથી કામ ચાલી રહ્યું છે. આ પાર્ક ‘ફાર્મ ટુ ફાઇબર, ફૅક્ટરી ટુ ફૅશન અને ફૉરેન’ની વિભાવનાને સાકાર કરશે. એનાથી મધ્ય પ્રદેશ વૈશ્વિક ટેક્સટાઇલ હબ તરીકે ઊભરી આવશે.
આ પાર્ક પ્રધાનમંત્રી મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રીજન ઍન્ડ અપૅરલ (PM MITRA) યોજનાનો એક ભાગ છે. એનો ઉદ્દેશ ભારતને કાપડઉદ્યોગમાં વૈશ્વિક લીડર બનાવવાનો છે. લગભગ ૨૦૦૦ એકરમાં ફેલાયેલો આ પાર્ક માલવા અને નિમારની સાંસ્કૃતિક, કૃષિ અને ઔદ્યોગિક શક્તિઓને એક પ્લૅટફૉર્મ પર લાવશે.