PM મોદીએ રાજ્યસભામાં કહ્યુંઃ "રોજ બે કિલો ગાળો ખાઉં છું એટલે..." કોંગ્રેસને સપાટમાં લીધી

05 February, 2026 08:19 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

રાજ્યસભામાં પીએમ મોદીએ `મોહબ્બતની દુકાન` અને કોંગ્રેસની દાયકાઓ જૂની કાર્યશૈલી પર આકરા પ્રહાર કર્યા. વાંચો પીએમ મોદીના ભાષણના સૌથી ધારદાર અને વાયરલ અંશો.

રાજ્યસભામાં ભાષણ દરમિયાન નરેન્દ્ર મોદી - તસવીર વીડિયો ગ્રેબ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવનો જવાબ આપતા વિપક્ષ અને ખાસ કરીને કોંગ્રેસના `શાહી પરિવાર` પર આકરા પ્રહારો કર્યા હતા. 1 કલાક અને 27 મિનિટના સંબોધનમાં પીએમએ સ્પષ્ટ કર્યું કે દેશની જનતાનો ભરોસો જ તેમનું સૌથી મોટું રક્ષાકવચ છે.


"પરિવાર માટે દેશને દાવ પર લગાવ્યો"

કોંગ્રેસના નેતૃત્વ પર સીધો હુમલો કરતા વડાપ્રધાને કહ્યું કે, "દેશની જનતાએ કોંગ્રેસના શાહી પરિવારને દાયકાઓ સુધી તક આપી. દેશે પોતાનું ભવિષ્ય તમારા હાથમાં સોંપ્યું હતું, પરંતુ તમે માત્ર તમારા પરિવારના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે આખા દેશને દાવ પર લગાવી દીધો." પીએમએ ઉમેર્યું કે કોંગ્રેસના નેતાઓ એ પચાવી શકતા નથી કે એક સામાન્ય પૃષ્ઠભૂમિ ધરાવતો વ્યક્તિ વડાપ્રધાન પદ સુધી કેવી રીતે પહોંચ્યો, કારણ કે તેઓ આ પદને પોતાની `જાગીર` માની બેઠા હતા.

મોહબ્બતની દુકાનમાં `કબર ખોદવાની` માનસિકતા

વિપક્ષના `મોહબ્બતની દુકાન` નારા પર પ્રહાર કરતા પીએમએ કહ્યું, "આ કેવી મોહબ્બતની દુકાન છે જેમાં મોદીની કબર ખોદવાની નફરત ભરેલી છે? આ માત્ર એક નારો નથી, પણ તમારી અંદરની માનસિકતાનું પ્રતિબિંબ છે. જેના પર લાખો-કરોડો માતાઓ અને બહેનોના આશીર્વાદનું રક્ષાકવચ હોય, તેની કબર તમે ક્યારેય ખોદી શકશો નહીં."

`અબોધ` બાળક અને ઘરનું સ્ટાર્ટઅપ

રાહુલ ગાંધીનું નામ લીધા વગર કટાક્ષ કરતા પીએમએ કહ્યું કે, "કોંગ્રેસની હાલત એવી છે કે તેઓ પોતાના ઘરના `સ્ટાર્ટઅપ`ને પણ વ્યવસ્થિત સેટ કરી શકતા નથી. અમારી સરકારે 2 લાખથી વધુ સ્ટાર્ટઅપ્સને સફળ બનાવ્યા છે, પણ કોંગ્રેસ હજુ એક `સ્ટાર્ટઅપ` પાછળ જ અટવાયેલી છે." તેમણે ઉમેર્યું કે વિપક્ષના નેતાઓ `અબોધ` (જ્ઞાન વગરના) છે, જેમને એ પણ ખબર નથી કે સેનાના ગુપ્ત મુદ્દાઓ જાહેર જીવનમાં ન લવાય.

`હું રોજ 2 કિલો ગાળો ખાઉં છું`

પોતાના સ્વાસ્થ્ય અંગેના કટાક્ષમાં પીએમ મોદીએ કહ્યું, "ઘણા લોકો પૂછે છે કે મારું સ્વાસ્થ્ય આટલું સારું કેમ છે? મેં તેમને કહ્યું કે હું રોજ 2 કિલો ગાળો ખાઉં છું. આ લોકો મોદીની કબર ખોદવા માંગે છે કારણ કે અમે કલમ 370 દૂર કરી, આતંકવાદનો સફાયો કર્યો અને ભ્રષ્ટાચારના રસ્તા બંધ કર્યા."

કોંગ્રેસની `લટકાવવાની` નીતિ અને ઇન્દિરા ગાંધીનો કિસ્સો

પીએમ મોદીએ કોંગ્રેસની કાર્યશૈલી પર નિશાન સાધતા ભૂતકાળના કિસ્સાઓ યાદ અપાવ્યા:

ખચ્ચર અને જીપનો કિસ્સો: પીએમએ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનું એક ભાષણ ટાંક્યું જેમાં તેમણે યોજના આયોગના જડ નિયમો પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો (કે પહાડી વિસ્તારોમાં જીપ કામ ન આવે છતાં આયોગ ખચ્ચર માટે પૈસા આપવા તૈયાર નહોતું).

સરદાર સરોવર ડેમ: "નર્મદા ડેમ માટે મારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 3 દિવસ ધરણા પર બેસવું પડ્યું હતું, ત્યારે જઈને કોંગ્રેસ સરકારે મંજૂરી આપી હતી."

BSNL અને PSU: "એક સમયે BSNL ટુચકાઓનું સાધન હતું, આજે અમે સ્વદેશી 4G ઊભું કર્યું છે. જે PSU ને કોંગ્રેસ તાળાં મારવાની હતી, તે આજે રેકોર્ડ નફો કરી રહ્યા છે."

રિમોટ કંટ્રોલ અને ખડગે પર કટાક્ષ

કોંગ્રેસના નેતૃત્વ પર પ્રહાર કરતા પીએમએ કહ્યું, "પહેલાની સરકારો રિમોટ કંટ્રોલથી ચાલતી હતી, પરંતુ મારી સરકારનું રિમોટ 140 કરોડ દેશવાસીઓના હાથમાં છે." સંબોધન દરમિયાન સૂત્રોચ્ચાર કરનારા વિપક્ષ પર પીએમએ કટાક્ષ કર્યો કે, "ખડગેજીની ઉંમર જોતા તેમને બેસીને સૂત્રોચ્ચાર કરવાની પરવાનગી આપવી જોઈએ."

 

લોકસભાની ગંભીર સ્થિતિ

લોકસભામાં ગઈકાલે બનેલી ઘટના અંગે સ્પીકર ઓમ બિરલાએ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે વિપક્ષની મહિલા સાંસદો જે પ્રકારે પીએમની ખુરશી સુધી પહોંચી ગઈ હતી, તેનાથી સદનમાં કોઈ અણધારી ઘટના ઘટી શકી હોત. આ જ હોબાળાને કારણે વર્ષ 2004 પછી પ્રથમવાર વડાપ્રધાનના જવાબ વગર જ રાષ્ટ્રપતિના અભિભાષણ પરનો આભાર પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે.

narendra modi Rajya Sabha new delhi rahul gandhi indira gandhi mallikarjun kharge congress bhartiya janta party bjp political news