આપણાં જ રમકડાં વાપરતા થઈ જાઓ : મોદીની હાકલ

25 June, 2021 01:35 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

રમકડાંની ૮૦ ટકા આયાત આપણા અબજો રૂપિયા બહાર તગેડી જાય છે : ‘ટૉયકોનોમી’ની રચના કરવા અનુરોધ

ફાઈલ તસવીર

૧૦૦ અબજ ડૉલર(અંદાજે ૭૪૧૬ અબજ રૂપિયા)નાં વૈશ્વિક રમકડાં બજારમાં ભારતનો હિસ્સો ફક્ત દોઢ અબજ ડૉલર (અંદાજે ૧૧૨ અબજ રૂપિયા)નો હોવાની નોંધ લેતાં ભારતની ગેમિંગ ઍન્ડ ટૉય ઇન્ડસ્ટ્રીને એ ક્ષેત્રમાં મોટી ભૂમિકા ભજવવાનો અનુરોધ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો હતો. ગઈ કાલે ત્રણ દિવસની ટૉયકૅથોનના પહેલા દિવસે સહભાગીઓને સંબોધન કરતાં વડા પ્રધાને અર્થતંત્રમાં રમકડાં ઉદ્યોગનું મહત્ત્વ વધારીને ‘ટૉયકોનોમી’ની રચના કરવાનો અનુરોધ કર્યો હતો.

ટૉયકૅથોન-૨૦૨૧માં સહભાગી થયેલા એ ક્ષેત્રના વેપારીકર્મીઓને વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા સંબોધન કરતાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ‘આજે ભારતમાં રમકડાંની જે માગ છે એના ૮૦ ટકાની આપણે આયાત કરીએ છીએ. એમાં આપણો દેશ અબજો રૂપિયા ગુમાવે છે.  આજે દુનિયા ભારતની હાલની ક્ષમતા જાણવા ઉત્સુક છે. ભારતીય કલા, સંસ્કૃતિ અને સમાજને વધુ સારી રીતે સમજવા ઇચ્છે છે.

એમાં આપણો રમકડાં ઉદ્યોગ-ટૉય્ઝ ઍન્ડ ગેમિંગ ઇન્ડસ્ટ્રી મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.’

national news narendra modi