તમારી સાથે હિન્દીમાં વાત કરું કે મરાઠીમાં? PM મોદીએ ઉજ્જવલ નિકમને ફોન પર પૂછ્યું

14 July, 2025 06:57 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

નિકમે વધુમાં કહ્યું, `પીએમ મોદીએ મને પૂછ્યું કે તેમણે હિન્દીમાં વાત કરવી જોઈએ કે મરાઠીમાં, અમે બન્ને આ સાંભળીને હસવા લાગ્યા. પછી પીએમ મોદીએ મારી સાથે મરાઠીમાં વાત કરી અને મને કહ્યું કે રાષ્ટ્રપતિ મને જવાબદારી આપવા માગે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉજ્જવલ નિકમ (તસવીર: મિડ-ડે)

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભૂતપૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા, મુંબઈ હુમલા કેસના સરકારી વકીલ ઉજ્જવલ નિકમ, શિક્ષણવિદ સી. સદાનંદન માસ્ટર અને દિલ્હીના ઇતિહાસકાર મીનાક્ષી જૈનને રાજ્યસભા માટે નામાંકિત કર્યા છે. શનિવારે મોડી રાત્રે જાહેર કરાયેલા એક જાહેરનામામાં, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિએ રાજ્યસભા માટે નામાંકિત થયેલા ચારેય સભ્યોને અભિનંદન આપ્યા છે.

પીએમ મોદીએ આઓયા અભિનંદન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભા માટે નામાંકિત થયેલા ચારેય સભ્યોને અભિનંદન પાઠવ્યા છે. ઉજ્જવલ નિકમના કાયદાકીય ક્ષેત્ર અને બંધારણ પ્રત્યેના સમર્પણને અનુકરણીય ગણાવતા, તેમણે X પર પોસ્ટ કરીને કહ્યું કે તેઓ માત્ર એક સફળ વકીલ જ નથી રહ્યા પરંતુ મહત્ત્વપૂર્ણ કેસોમાં ન્યાય મેળવવામાં પણ મોખરે રહ્યા છે. પીએમ મોદીએ X પર કહ્યું, `તેમના સમગ્ર કાનૂની કારકિર્દી દરમિયાન, તેમણે હંમેશા બંધારણીય મૂલ્યોને મજબૂત કરવા અને સામાન્ય નાગરિકો સાથે હંમેશા આદરપૂર્વક વ્યવહાર કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે કામ કર્યું છે. ભારતના રાષ્ટ્રપતિએ તેમને રાજ્યસભા માટે નામાંકિત કર્યા છે તે આનંદની વાત છે. તેમના સંસદીય કાર્યકાળ માટે મારી શુભકામનાઓ.`

રાજ્યસભા માટે નામાંકિત થવા પર પીએમ મોદીએ નિકમ સાથે ફોન પર પણ વાત કરી છે. આ અંગે માહિતી આપતાં વરિષ્ઠ વકીલે કહ્યું, `મને નોમિનેટ કરવા બદલ હું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો આભાર માનું છું. લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન જ્યારે હું પીએમ નરેન્દ્ર મોદીને મળ્યો ત્યારે તેમણે મારામાં વિશ્વાસ વ્યક્ત કર્યો. ગઈ કાલે પીએમ નરેન્દ્ર મોદીએ મને મારા નોમિનેશન વિશે માહિતી આપવા માટે ફોન કર્યો.`

નિકમ સાથે મરાઠીમાં વાતચીત

નિકમે વધુમાં કહ્યું, `પીએમ મોદીએ મને પૂછ્યું કે તેમણે હિન્દીમાં વાત કરવી જોઈએ કે મરાઠીમાં, અમે બન્ને આ સાંભળીને હસવા લાગ્યા. પછી પીએમ મોદીએ મારી સાથે મરાઠીમાં વાત કરી અને મને કહ્યું કે રાષ્ટ્રપતિ મને જવાબદારી આપવા માગે છે, ત્યારબાદ તેમણે મને રાષ્ટ્રપતિના નિર્ણય વિશે જણાવ્યું. મેં તરત જ હા પાડી, હું પાર્ટી નેતૃત્વનો આભાર માનું છું.` ઉજ્જવલ નિકમ એક પ્રખ્યાત વકીલ છે અને મુંબઈ આતંકવાદી હુમલા કેસમાં સરકારી વકીલ તરીકે કામ કર્યું હતું. ભાજપે તેમને 2024ની લોકસભા ચૂંટણી માટે મુંબઈ ઉત્તર મધ્ય બેઠક પરથી પાર્ટી ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ કૉંગ્રેસના ઉમેદવાર વર્ષા ગાયકવાડે તેમને ચૂંટણીમાં હરાવ્યા.

ઉજ્જવલ નિકમ કોણ છે?

મહારાષ્ટ્રના જળગાંવમાં જન્મેલા ઉજ્જવલ નિકમ દેશના જાણીતા વકીલ છે અને તેમણે હાઈપ્રોફાઈલ કેસ લડીને પોતાની એક ખાસ ઓળખ બનાવી છે. નિકમે 26/11ના મુંબઈ હુમલાના આતંકવાદી અજમલ કસાબને ફાંસી અપાવવામાં સરકારી વકીલ તરીકે સૌથી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત, તેઓ 1993ના મુંબઈ બૉમ્બ બ્લાસ્ટ કેસમાં પણ સરકારી વકીલ રહી ચૂક્યા છે. બૉલિવૂડના પ્રખ્યાત મ્યુઝિક પ્રોડ્યુસર ગુલશન કુમાર હત્યા કેસ અને પ્રમોદ મહાજન હત્યા કેસમાં સરકારી વકીલ તરીકે કામ કરી ચૂકેલા નિકમની ગણતરી દેશના સૌથી પ્રતિષ્ઠિત વકીલોમાં થાય છે. કાયદાકીય ક્ષેત્રમાં તેમના યોગદાન માટે, ઉજ્જવલ નિકમને વર્ષ 2016 માં ભારત સરકાર દ્વારા ચોથા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ujjwal nikam narendra modi Rajya Sabha droupadi murmu national news