સિવાનમાં વિદ્યાર્થી-આંદોલનમાં AK-47થી ફાયરિંગ કરનાર પોલીસ-જવાન સસ્પેન્ડ

28 July, 2026 09:30 AM IST  |  Bihar | Gujarati Mid-day Correspondent

સંસદસભ્ય મનોજકુમાર ઝાએ સુપ્રીમ કોર્ટમાં કરી જાહેર હિતની અરજી, CJIએ તમામ અરજીઓ પર મંગળવારે સુનાવણી કરવાનો આપ્યો આદેશ

બિહારમાં પ્રદર્શનકારીઓ પર AK-47થી ગોળીબાર કરનાર પોલીસ અધિકારી. PIC/X/@yadavtejashwi

નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UG) પેપર-લીકના વિરોધમાં બિહારના સિવાનમાં શનિવારે વિદ્યાર્થીઓના ઉગ્ર આંદોલન દરમ્યાન AK-47 રાઇફલથી હવામાં ફાયરિંગ કરવાનો વિડિયો વાઇરલ થતાં મોટો વિવાદ ઊભો થયો છે. પોલીસ વડા મથકે આ ઘટનાની ગંભીર નોંધ લઈને સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ના જવાન અભિષેક પટેલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરીને તપાસનો આદેશ આપ્યો હતો. 

બિહાર બંધ દરમ્યાન ગાંધી મેદાન અને જે. પી. ચોક પાસે પ્રદર્શનકારીઓએ બૅરિકેડિંગ તોડીને પોલીસ પર ભારે પથ્થરમારો કર્યો હતો. એમાં સિવાનના પોલીસ અધિક્ષક પુરનકુમાર ઝા, કેટલાક પોલીસકર્મીઓ અને પત્રકારો ઘાયલ થયા હતા. ભીડને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કરીને અશ્રુગૅસના ગોળા છોડ્યા હતા. ઉપરાંત એક જવાને હવામાં ફાયરિંગ કર્યું હતું.

આ ઘટના સામે રાજ્યસભાના સંસદસભ્ય મનોજકુમાર ઝાએ સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરીને અતિશય બળપ્રયોગ કરનારા પોલીસકર્મીઓ સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવાની માગણી કરી છે. સુનાવણી દરમ્યાન ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા (CJI)એ દેશભરમાં થતાં પ્રદર્શનો સંદર્ભે સ્પષ્ટ પ્રોટોકૉલ હોવો જરૂરી ગણાવ્યો હતો. સુપ્રીમ કોર્ટ આ તમામ અરજીઓ પર મંગળવારે સુનાવણી કરશે.

national news india neet exam jammu and kashmir cockroach janata party bihar