26 March, 2025 12:32 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent
ઇમરાન મસૂદ
દિલ્હીમાં રમઝાન ઈદ અને ચૈત્રી નવરાત્રિ પહેલાં માંસની દુકાનોને લઈને રાજનીતિક ગરમાગરમી વધી ગઈ છે. એક તરફ ભારતીય જનતા પાર્ટી (BJP)એ મુસ્લિમોને માંસની જગ્યાએ મીઠી સેવઇયાં ખાવાની સલાહ આપીને મટન વેચતી દુકાનો બંધ રાખવાની માગણી કરી છે ત્યારે બીજી તરફ કૉન્ગ્રેસના ઉત્તર પ્રદેશના સહારનપુરના સંસદસભ્ય ઇમરાન મસૂદે પણ એન્ટ્રી કરી છે અને મુસ્લિમોને કહ્યું છે કે ૧૦ દિવસ મટન નહીં ખાઈએ તો ઘસાઈ નહીં જઈએ, આપણે તમામ ધર્મો અને પર્વોનું સન્માન કરવું જોઈએ.
૩૦ માર્ચથી ચૈત્રી નવરાત્રિ શરૂ થાય છે અને પહેલી એપ્રિલે રમઝાન ઈદ છે. દિલ્હીમાં ૨૭ વર્ષ બાદ BJPની સરકાર આવી છે એથી એના ઘણા વિધાનસભ્યોએ મટનની દુકાનો બંધ રાખવાની માગણી કરી છે. BJPના વિધાનસભ્ય નીરજ વસોયાએ કહ્યું હતું કે ‘નવરાત્રિમાં મટનની દુકાનો બંધ રાખવી જોઈએ અને મુસ્લિમોએ ઈદના મોકા પર મીઠી સેવઇયાં ખાવી જોઈએ. રહેવાસી વિસ્તારોમાં માંસની તમામ દુકાનો બંધ રાખવામાં આવે એ માટે કલેક્ટરને પત્ર લખવામાં આવશે, કારણ કે માંસના વેપારીઓ ગુંડાગર્દી કરવા પર ઊતરી આવે છે.’
દિલ્હીમાં પટપડગંજ વિસ્તારના BJPના વિધાનસભ્ય રવિંદર નેગીએ આ મુદ્દો ઉઠાવતાં કહ્યું હતું કે ‘દિલ્હીમાં ઘણાં મંદિરોની સામે માંસની દુકાનો છે. નવરાત્રિ હિન્દુઓનું પર્વ છે અને માંસની દુકાનો જોઈને અમારી આસ્થાને ઠેસ પહોંચે છે. આ મીઠી ઈદ છે, એમાં બકરા કાપવાની જરૂર નથી, મીઠી સેવઇયાં ખાવી જોઈએ.’
આ મુદ્દે કૉન્ગ્રેસના ઇમરાન મસૂદે કહ્યું હતું કે ‘હું તો માંસ ખાતો નથી, પણ એક દિવસ માંસ નહીં ખાવામાં તકલીફ શું છે? અરે ૧૦ દિવસ મટન નહીં ખાઓ તો ઘસાઈ નથી જવાના. આપણે એકબીજાના ધર્મ અને પર્વનું સન્માન કરવું જોઈએ. આ પણ ભારતીય સંસ્કૃતિનો હિસ્સો છે. આપણે પણ સન્માન કરવું જોઈએ, જો બીજાને ખુશી મળે તો તેમને ખુશી આપવામાં વાંધો શું છે?’