દેશમાં ત્રીજી લહેરની શક્યતા નહીંવત્ ,છતાં કોરોનામુક્ત થયાનું કહેવું વહેલું : નિષ્ણાત

24 October, 2021 07:18 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

હરિયાણાની અશોકા યુનિવર્સિટીના વિઝિટિંગ પ્રોફેસર અને વાયરોલૉજિસ્ટ ડૉ. શાહીદ જામીલ જણાવે છે કે ૧૦૦ કરોડ ડોઝ પૂરા થયા એ મહત્ત્વની સિદ્ધિ છે, પણ હજી ઘણું કરવાનું બાકી છે

ફાઈલ તસવીર

નિષ્ણાત તબીબોનું કહેવું છે કે ભારતમાં ફરી મોટી કોરોના લહેર આવવાની શક્યતા નહીંવત્ હોવા છતાં દેશને કોરોનામુક્ત કહી દેવો ઉતાવળિયું છે. હજી પણ કોરોનાનો મૃત્યુદર એટલો જ છે, નવા વેરિઅન્ટની ચિંતા છે અને યુકે જેવા દેશોમાં ફરી કેસની સંખ્યા વધી રહી છે. આ સ્થિતિમાં ભારત એન્ડેમિક સ્ટેટ એટલે કે મહામારીના અંતિમ તબક્કામાં આવી ગયો છે એવું કહેવું વહેલું છે.

હરિયાણાની અશોકા યુનિવર્સિટીના વિઝિટિંગ પ્રોફેસર અને વાયરોલૉજિસ્ટ ડૉ. શાહીદ જામીલ જણાવે છે કે ૧૦૦ કરોડ ડોઝ પૂરા થયા એ મહત્ત્વની સિદ્ધિ છે, પણ હજી ઘણું કરવાનું બાકી છે. આપણે મહામારીના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યા છીએ, પણ હજી ત્યાં પહોંચ્યા નથી.

ભારતમાં છેલ્લા ત્રણ મહિનામાં દરરોજના નવા કોરોના કેસની સંખ્યા ૪૦,૦૦૦થી ઘટીને ૧૫,૦૦૦ સુધી પહોંચી છે. શનિવારે નવા ૧૬,૩૨૬ કેસ આવ્યા છે. મૃત્યુદર હજી ૧.૨ ટકા પર સ્થિર છે. કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે ભારતમાં અમુક વિસ્તારોમાં કોરોના કાબૂમાં આવી ગયો હશે, પણ તે અંતિમ તબક્કામાં ત્યારે જ કહેવાય જ્યારે એનો સંપૂર્ણ પ્રભાવ કાબૂમાં હોય. ભારતમાં એ નક્કી કરવા માટે પૂરતો ડેટા હજી ઉપલબ્ધ નથી. ભારતમાં કોરોના રસી લીધા પછી પણ લોકોને ઇન્ફેક્શન્સ થયા છે, તેનો વિગતવાર ડેટા ઉપલબ્ધ નથી તે તરફ નિષ્ણાત તબીબો ધ્યાન દોરીને કહે છે કે આ બધા વચ્ચે આવનારા ભવિષ્યમાં કોરોનાનું રૂપ કેવું હશે અથવા મહામારીનો અંતિમ તબક્કો કેવો હશે તે કહેવું મુશ્કેલ છે.

national news