18 January, 2026 09:00 AM IST | Haridwar | Gujarati Mid-day Correspondent
પોસ્ટર
સનાતન આસ્થાનાં મુખ્ય તીર્થોમાંનું એક હરિદ્વાર અને એના હર કી પૌડી ઘાટની મર્યાદા જળવાઈ રહે એ માટે શ્રી ગંગા સભાએ સખત વલણ અપનાવ્યું છે. હર કી પૌડીની પવિત્રતા બરકરાર રહે એ માટે આ વિસ્તારનાં ૧૦થી વધુ સ્થળો પર બિનહિન્દુઓના પ્રવેશ પર બૅન લાગ્યો હોવાનાં પોસ્ટર લાગ્યાં છે. સાથે જ સ્પષ્ટ કર્યું છે કે હર કી પૌડી અને માલવીય દ્વીપ ક્ષેત્રમાં ડ્રોન ઉડાડવા પર, ફિલ્મી ગીતો પર રીલ બનાવવા પર કે કોઈ પણ પ્રકારની વિડિયોગ્રાફી કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ નિયમોનું ઉલ્લંઘન કરીને જો કોઈ વિડિયો બનાવશે અને ઇન્ટરનેટ પર વાઇરલ થશે તો સંબંધિત વ્યક્તિ વિરુદ્ધ શ્રી ગંગા સભા તરફથી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
હરિદ્વારમાં શ્રી ગંગા સભા, તીર્થ પુરોહિત, સંત-સંન્યાસીઓ અને ધાર્મિક સંગઠનો તરફથી સરકારને કુંભક્ષેત્રને અમૃત ક્ષેત્ર જાહેર કરવાની માગણી થઈ રહી છે. આ ક્ષેત્રમાં પ્રવેશ કરવા વ્યક્તિ કાં તો શ્રદ્ધાળુ, અધિકારી, પત્રકાર અને સ્વયંસેવક હિન્દુ જ હોય એ જરૂરી છે. એનાથી સનાતન પરંપરાની મર્યાદા જળવાઈ રહેશે.
શ્રી ગંગા સભાના અધ્યક્ષ નીતિન ગૌતમે કહ્યું હતું કે ‘ગુરુવાર રાતે જ હર કી પૌડી અને આસપાસના અસ્થિપ્રવાહ ઘાટોમાં બિનહિન્દુઓના પ્રવેશને નિષેધ કરતાં બોર્ડ લગાવ્યાં છે. એનો ઉદ્દેશ શ્રદ્ધાળુઓને આ ક્ષેત્રના નિયમો અને કાયદાની જાણકારી આપવાનો છે. જો કોઈ શ્રદ્ધાળુ ગંગામાં સ્નાન કરે છે, પ્રસાદ ગ્રહણ કરે છે, ગંગાજળનું આચમન કરે છે તો તેની આસ્થા હિન્દુ ધર્મ અને દેવ પરંપરાઓ તેમ જ સનાતન સંસ્કૃતિ સાથે જોડાયેલી હોવી જરૂરી છે. એ આસ્થાના ભાવથી જ શ્રદ્ધાળુ હર કી પૌડી આવે અને અહીંની પવિત્રતા જાળવી રાખે એમાં સૌનું દાયિત્વ છે.’