UPI ટ્રાન્ઝૅક્શન વધુ ઝડપી અને સિક્યૉર બનાવવાની તૈયારી

06 February, 2026 01:09 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

ટ્રાન્ઝૅક્શનનો વિન્ડો-પિરિયડ હવે ૩૦ને બદલે ૧૦ સેકન્ડનો અને કન્ફર્મેશન પ્રોમ્પ્ટ્સ વધુ સિક્યૉર બનશે

પ્રતીકાત્મક તસવીર

ટૂંક સમયમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરરફેસ (UPI) માટે નવા નિયમો અમલમાં આવશે. UPI પેમેન્ટ્સને લગતા આ ફેરફારો ટ્રાન્ઝૅક્શન સ્પીડ, વેરિફિકેશન સ્ટાન્ડર્ડ અને યુઝર પ્રોટેક્શન બાબતે ખૂબ મહત્ત્વના રહેશે.  ડિજિટલ ચુકવણી માટે UPI પર આધાર રાખતા યુઝર્સ માટે રિયલ-ટાઇમ પ્રોસેસિંગ સુધારવા, સિક્યૉરિટી કન્ટ્રોલને સઘન બનાવવા અને પારદર્શિતા વધારવાને પ્રાથમિકતા આપવામાં આવી છે.

છે નવા નિયમો

UPI ટ્રાન્ઝૅક્શન અને એનો ઍપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ (API) રિસ્પૉન્સ ૧૦ સેકન્ડની વિન્ડોમાં પૂરો થવા જોઈએ. આ વિન્ડો-પિરિયડ અત્યારે ૩૦ સેકન્ડનો છે. આ અપડેટને પગલે પેમેન્ટ્સ ઝડપી બનશે. API એ એક ડિજિટલ બ્રિજ છે જે બે ઍપ્લિકેશન અથવા સિસ્ટમને એકબીજા સાથે કમ્યુનિકેટ કરાવે છે. એટલે બૅન્કમાં બૅલૅન્સ છે કે નહીં એની ખાતરી કરતું કમ્યુનિકેશન ઝડપી બનશે.

UPI સિસ્ટમ્સમાં ડેઇલી ટ્રાન્ઝૅક્શન અત્યારે રેકૉર્ડબ્રેક વૉલ્યુમે પહોંચી ગયું છે. રિયલ-ટાઇમ સ્પીડમાં વધારો થતાં Google Pay, PhonePe અને Paytm જેવાં પ્લૅટફૉર્મ્સ પર હાઈ-ટ્રાફિક કલાકો દરમ્યાન ટ્રાન્ઝૅક્શન અટવાશે નહીં.

સિક્યૉરિટી અને યુઝર પ્રોટેક્શન માટે પેમેન્ટ થાય એ પહેલાં કન્ફર્મેશન પ્રોમ્પ્ટ્સ તેમ જ રિકરિંગ અને ઑટોમેટેડ ડિડક્શન કૅન્સલ કરવાની સુવિધાને વધુ સિક્યૉર બનાવવામાં આવી છે.

નિષ્ક્રિય થઈ ગયેલા UPI ID પર યુઝર રી-વેરિફાય ન કરે ત્યાં સુધી ટેમ્પરરી રિસ્ટ્રિક્શન રાખવામાં આવશે.

નવા નિયમો હેઠળ બૅન્કો અને UPI ઍપ્લિકેશનોને બાકી રહેલાં અથવા અટકેલાં ટ્રાન્ઝૅક્શનો કલાકની અંદર ઉકેલવાં પડશે.

અન્ય યુઝર્સ પાસેથી પૈસા મેળવવા માટેના ઇન્વિટેશનને કારણે થતા સ્પૅમને રોકવા માટે કડક મર્યાદાઓ લાગુ કરવામાં આવશે. ડેઇલી ઇન્વિટેશનની સંખ્યા નક્કી કરવામાં આવશે.

national news india cyber crime tech news indian government