રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પહોંચ્યાં બૉટ‍્સવાના- ૨૧ તોપની સલામી મળી

13 November, 2025 08:31 AM IST  |  Africa | Gujarati Mid-day Correspondent

ભારતને આ આફ્રિકન દેશમાંથી ૮ ચિત્તા મળશે

ગઈ કાલે બૉટ‍્સવાના પહોંચેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મંગળવારે આફ્રિકન દેશ બૉટ‍્સવાનાની મુલાકાતે પહોંચ્યાં હતાં, જ્યાંથી ભારતને કલહરી રણના ૮ ચિત્તા મળવાના છે. દ્રૌપદી મુર્મુ ચિત્તા મોકલવાના કરારને અંતિમ રૂપ આપશે. તેમની મુલાકાતનો હેતુ ભારત અને બૉટ‍્સવાના વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાનો છે.

રાષ્ટ્રપતિ બૉટ‍્સવાનાની રાજધાની ગેબોરોન પહોંચ્યાં ત્યારે ત્યાંના પ્રેસિડન્ટ ડુમા ગિડીઓન બોકોએ ઍરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. તેમને ૨૧ તોપોની સલામી અને ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવ્યું હતું. કોઈ પણ ભારતીય રાષ્ટ્રપતિની આ દેશની પહેલી મુલાકાત છે.

ભારતમાં ચિત્તા લુપ્ત થઈ ગયા બાદ ભારત સરકારે પ્રોજેક્ટ ચીતા શરૂ કર્યો છે, જેમાં નામિબિયા અને સાઉથ આફ્રિકાથી ચિત્તા ભારતમાં લાવવામાં આવ્યા છે અને એમનું દેશમાં પુનર્વસન કરવામાં આવ્યું છે. હવે ત્રીજા દેશ બૉટ‍્સવાનામાંથી ચિત્તા ભારતમાં લાવવામાં આવશે. આ ચિત્તાઓને કલહરી રણમાં સ્થિત ઘાંઝી શહેરથી લાવવામાં આવશે. ચિત્તાઓને ગેબોરોનથી ૧૦ કિલોમીટર દૂર મોકોલોડી નેચર રિઝર્વમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં રાષ્ટ્રપતિ મુર્મુ અને બોકો ચિત્તાઓને ક્વૉરન્ટાઇન વિસ્તારમાં મુક્ત કરવાના પ્રતીકાત્મક સમારોહનાં સાક્ષી બનશે. આ પહેલ પ્રોજેક્ટ ચિત્તા અને વન્યજીવન સંરક્ષણ સહયોગનો એક ભાગ છે.

national news india droupadi murmu indian government