07 April, 2025 08:42 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
અસદુદ્દીન ઓવૈસી
સંસદનાં બન્ને ગૃહોમાં લાંબી ચર્ચા બાદ યુનિફાઇડ વક્ફ મૅનેજમેન્ટ એમ્પાવરમેન્ટ, એફિશિયન્સી ઍન્ડ ડેવલપમેન્ટ બિલ (UMEED) ૨૦૨૫ રાષ્ટ્રપતિની મંજૂરી બાદ કાયદો બની ગયો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે મોડી રાત્રે આ બિલને મંજૂરી આપી હતી. લોકસભામાં ૩ એપ્રિલે અને રાજ્યસભામાં ૪ એપ્રિલે આ બિલ પસાર કરવામાં આવ્યું હતું. જોકે હવે ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે (AIMPLB) તમામ ધાર્મિક સમુદાય આધારિત અને સામાજિક સંગઠનો સાથે સમન્વય કરીને વક્ફ (સંશોધન) બિલ સામે એક રાષ્ટ્રવ્યાપી આંદોલન કરવાનું નક્કી કર્યું છે અને એ
આ આંદોલનનું નેતૃત્વ કરશે.
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMPLBનું કહેવું છે કે ‘અમારું આ આંદોલન ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી આ કાયદો સંપૂર્ણ રીતે નિરસ્ત નથી થઈ જતો. અમુક પાર્ટીઓએ BJPના સાંપ્રદાયિક એજન્ડાનું સમર્થન કરી પોતાના કથિત ધર્મનિરપેક્ષતાનો પર્દાફાશ કરી દીધો છે.’
શું છે વક્ફ સંપત્તિ?
વક્ફ એક ઇસ્લામી પરંપરા છે જેમાં કોઈ મુસ્લિમ વ્યક્તિ પોતાની સંપત્તિને ધાર્મિક, સામાજિક અથવા ખાનગી હેતુ માટે સમર્પિત કરે છે. આ સંપત્તિની માલિકી હક અલ્લાહના નામે થાય છે. જોકે એનો લાભ નિર્ધારિત લોકોને મળે છે. આ સંપત્તિના રેકૉર્ડની ભારત સરકાર દ્વારા બનાવવામાં આવેલા વક્ફ ઍસેટ્સ મૅનેજમેન્ટ સિસ્ટમ ઑફ ઇન્ડિયા (WAMSI)માં નોંધણી કરવામાં આવે છે જેમાં સંચાલન, પ્રકાર અને વર્તમાન સ્થિતિની જાણકારી હોય છે.
નવા સુધારાથી શું બદલાશે?
વક્ફ સંશોધન કાયદો વક્ફ સંપત્તિના સંચાલન, રાજ્ય વક્ફ બોર્ડની રચના અને વાદ સમાધાનમાં રાજ્ય સરકારની ભૂમિકાને ફરી વ્યાખ્યાન્કિત કરે છે. એ હેઠળ વક્ફ વિવાદોને ખતમ કરવા માટે જિલ્લા ન્યાયાધીશ અને સંયુક્ત સચિવ સ્તરના અધિકારીઓના વડપણ હેઠળ ટ્રિબ્યુનલ બનાવવામાં આવશે.