✕

રાજસ્થાનના પુષ્કર મેળામાં સુરતના ડૉક્ટરે પાળેલા ૨૧ કરોડ રૂપિયાના ગોલ્ડન કિંગ ઘોડાએ જમાવ્યો રંગ

18 November, 2026 07:43 AM IST  |  Pushkar | Gujarati Mid-day Correspondent

વિશ્વમાં એકમાત્ર ગોલ્ડન રંગનો ઘોડો હોવાનો માલિક ડૉ. કેદાર પરીખનો દાવો, સપ્તમંગલ ‘ગોલ્ડન કિંગ’ ઘોડો રોજ પીએ છે ૧૦ લિટર દૂધ અને મિનરલ વૉટર

પુષ્કર મેળામાં ‘ગોલ્ડન કિંગ’ ઘોડો અને એના માલિક ડૉ. કેદાર પરીખ.

રાજસ્થાનના અજમેરમાં યોજાયેલા પુષ્કર મેળામાં આંતરરાષ્ટ્રીય સ્તરનો પશુમેળો શરૂ થયો છે. એમાં દેશ-વિદેશથી સહેલાણીઓનો જમાવડો થઈ રહ્યો છે. ગઈ કાલે આ મેળામાં બાદલ નામના એક ઘોડાની શાનદાર એન્ટ્રીએ સહુનું ધ્યાન ખેંચ્યું હતું. આ વિશ્વપ્રસિદ્ધ મેળામાં સુરતથી આવેલો મારવાડી પ્રજાતિનો ઘોડો એની ત્વચાના રંગ માટે ખૂબ ચર્ચામાં છે. એનું નામ છે ગોલ્ડન કિંગ. સુરતના ડૉક્ટર-કમ –બિઝનેસમૅન ડૉ. કેદાર પરીખે આ ઘોડો પાળ્યો છે. તેમનો દાવો છે કે ભારતમાં આવા રંગનો એકમાત્ર ઘોડો છે. અહીં આ ઘોડાને વેચવા માટે નહીં પણ માત્ર પ્રદર્શન માટે જ લવાયો છે.

ઘોડાના માલિક ડૉ. કેદાર પરીખ ડૉક્ટર હોવા ઉપરાંત કન્સ્ટ્રક્શનનો બિઝનેસ પણ કરે છે. તેમને બાળપણથી જ ઘોડા પાળવાનો શોખ હતો, પણ આ શોખ ખૂબ મોંઘો હોવાથી એ શોખ પૂરો નહોતો કરી શક્યા. બિઝેનસ જામ્યા પછી તેમણે આ ઘોડો દીકરી માટે ખરીદ્યો હતો. એ વિશે ડૉ. કેદારનું કહેવું છે, ‘ઘોડાના પિતા પરમહંસ છે અને એની મા એલિયન છે. હનુમાનગઢથી મેં દીકરીના જન્મદિવસે ભેટ આપવા માટે આ ઘોડો ખરીદ્યો હતો. પાંચ વર્ષનો આ ઘોડો ૬૫ ઈંચ ઊંચો છે. આ એકમાત્ર ઘોડો છે જેની ત્વચા ક્રિમિલો શૅપિયન રંગની છે. આવા હળવા ગોલ્ડન રંગનો ઘોડો વિશ્વમાં એકમાત્ર છે. એની ત્વચા એટલી ચોખ્ખી છે કે શરીરે એક ડૉટ પણ નથી. સામાન્ય રીતે ઘોડા પંચકલ્યાણક હોય છે. એમાં ઘોડાના ચાર પગ, મોં અને પૂછડીનો નીચલો હિસ્સો એક જ રંગનો હોવાથી શુભ હોય છે. જોકે આ ઘોડો સપ્તમંગલ છે. મતલબ કે એના શરીરમાં સાત વિશિષ્ટ લક્ષણ છે. એની આંખો અને વાળ પણ ગોલ્ડન રંગનાં છે અને માથા પર એક માત્ર સફેદ તિલક જેવું સ્પૉટ છે. આ ઘોડાને રોજ ૧૦ લિટર દૂધ, ચારો અને મિનરલ વૉટર આપવામાં આવે છે.’ પુષ્કરના મેળામાં ગોલ્ડન કિંગની એન્ટ્રી થતાં જ પ્રાણીઓના નિષ્ણાતોએ એની અંદાજિત કિંમત ૨૧ કરોડ રૂપિયા આંકી છે, જોકે ડૉ. કેદાર પરીખ એને વેચવા માગતા નથી.

પુષ્કર મેળામાં અન્ય પ્રાણીઓ પણ

આ પશુમેળામાં ૮૦૦ કિલો વજન ધરાવતા પાડાઓનું પણ અલગથી પ્રદર્શન થયું છે અને ૧૪ ઇંચની ટચૂકડી પૂંગનુર ગાયો પણ છે. મેળામાં અત્યાર સુધીમાં ૪૧૫૦ ઘોડા અને ૩૪૧૧ ઊંટ આવ્યા છે અને હજી નવાં પશુઓનું આગમન થઈ રહ્યું છે. રાજસ્થાનના પશુપાલન વિભાગનું કહેવું છે કે પશુમેળામાં લોકોનો રસ વધી રહ્યો હોવાથી આ વખતે અનોખી રોનક જોવા મળી છે. આવનારા દિવસોમાં અહીં ઘોડા અને ઊંટોની રેસ, જાતજાતનાં કરતબો અને સજીધજીને આવેલાં પ્રાણીઓનાં રૅમ્પવૉક જેવાં કાર્યક્રમો થશે.

rajasthan gujarati mid day national news jaipur surat