જ્યાં સુધી ટ્રેલ-ડીલ નહીં ત્યાં સુધી મીટિંગ નહીં

27 October, 2025 11:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમેરિકાના પ્રેશર-પૉલિટિક્સને રોકવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મલેશિયા જવાનું કૅન્સલ કર્યું

નરેન્દ્ર મોદી

વિદેશ મંત્રાલય નથી ઇચ્છતું કે ટ્રેડ-ડીલ ફાઇનલ થાય એ પહેલાં નરેન્દ્ર મોદી મીડિયા સામે ડોનલ્ડ ટ્રમ્પને મળે

હજી ૨૦ ઑક્ટોબર સુધી વડા પ્રધાન નરેન્દ્ર મોદી મલેશિયામાં થનારા અસોસિએશન ઑફ સાઉથઈસ્ટ એશિયન નેશન્સ (ASEAN)ના  શિખર-સંમેલનમાં જવાના હતા. જોકે દિવાળીના દિવસે અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે દિવાળીની શુભકામનાનો ફોન કર્યો એ પછીથી જ નરેન્દ્ર મોદીએ શિખર સંમેલનમાં ન જવાનું નક્કી કર્યું હતું. એ દિવસે જે વાત થઈ એ વિશે વડા પ્રધાને વિદેશ મંત્રાલયના ઑફિસરોને પણ અવગત કર્યા હતા. તેમણે વિદેશ મંત્રાલય સાથે લાંબી ચર્ચા કર્યા પછી નક્કી કર્યું કે તેઓ ASEAN શિખર સંમેલન માટે ક્વાલા લમ્પુર નહીં જાય. બસ, તેમણે મલેશિયા સંદેશ મોકલાવી દીધો કે ભારતમાં દિવાળી-પર્વ ચાલી રહ્યું છે એટલે આવવાનું સંભવ નથી. વિદેશ મંત્રાલયના એક સિનિયર અધિકારીના કહેવા મુજબ વડા પ્રધાનનું ન જવાનું કારણ દિવાળી નહીં પરંતુ ટ્રેડ-ડીલ ઍગ્રીમેન્ટ છે. વિદેશ મંત્રાલય નથી ઇચ્છતું કે ટ્રેડ-ડીલ ફાઇનલ થતાં પહેલાં વડા પ્રધાન મીડિયા સામે ટ્રમ્પને મળે. ભારતનો પક્ષ સાફ છે - પહેલાં ડીલ, પછી સાર્વજનિક મુલાકાત. ટ્રમ્પ સાથે ફોન પર થયેલી વાતચીત પછી એ વાતની આશંકા હતી કે કદાચ ટ્રમ્પ મીડિયા દ્વારા પ્રેશર કરવાની કોશિશ કરશે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ આ જ કારણોસર સમિટમાં હાજર નથી રહેવાના.  

ટ્રમ્પ સામે આમનેસામને થવાના બે મોકા ટાળ્યા 
૨૭ સપ્ટેમ્બરે ન્યુ યૉર્કમાં યુનાઇટેડ નેશન્સ જનરલ ઍસેમ્બલીના ૮૦મા વાર્ષિક અધિવેશનમાં વડા પ્રધાન યુનાઇટેડ નેશન્સને સંબોધન કરવાના હતા, પરંતુ છેલ્લી ઘડીએ તેમણે જવાનું ટાળ્યું એટલે ભારત વતી વિદેશપ્રધાન એસ. જયશંકરે સંબોધન કર્યું હતું. ૧૦ ઑક્ટોબરે ગાઝા પીસ પ્લાન માટે ઇજિપ્તના શર્મ અલ-શેખમાં ભારતને પણ આમંત્રિત કરવામાં આવ્યું હતું. જોકે અહીં પણ વડા પ્રધાન ન ગયા અને વિદેશ મંત્રાલયના રાજ્યપ્રધાન કીર્તિવર્ધન સિંહને મોકલવામાં આવ્યા. 

ટ્રેડ-ડીલ પર આ‍ૅલમોસ્ટ સહમતી બની ચૂકી છે 
ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર-કરાર માટે પાંચ તબક્કાની વાતચીત થઈ ચૂકી છે. હવે ચર્ચા અંતિમ ચરણમાં છે. બન્ને પક્ષો મોટા ભાગના મુદ્દાઓ પર સહમતી બનાવી ચૂક્યા છે. હવે ટ્રેડ-ડીલની શરતો અને કાનૂની દૃષ્ટિકોણો પર કામ ચાલી રહ્યું છે. હવે માત્ર ભારત પર લગાવવામાં આવેલી ૨૫ ટકા પૅનલ્ટી ટૅરિફ પર વાત અટકી છે.  

વર્ચ્યુઅલ ASEAN સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી શું બોલ્યા? એકવીસમી સદી ભારત અને ASEANની સદી છે 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ASEANના શિખર સંમેલનને વિડિયો-કૉન્ફરન્સથી સંબોધતાં કહ્યું હતું કે એકવીસમી સદી ભારત અને ASEANની સદી છે, ‘ASEAN વિઝન ૨૦૪૫’ અને ‘વિકસિત ભારત ૨૦૪૭’નું લક્ષ્ય પૂરી દુનિયા માટે બહેતર ભવિષ્ય બનાવવાનું છે. આ વર્ષની સમિટની થીમ ઇન્ક્લુઝિવિટી ઍન્ડ સસ્ટેનેબિલિટી છે એ વિશે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘આ થીમ આપણાં સહિયારાં કામોમાં દેખાઈ રહી છે. જેમ કે ડિજિટલ સુવિધાઓ સૌ સુધી પહોંચાડવાની, ફૂડ-સિક્યૉરિટી અને લૉજિસ્ટિક સપ્લાય મજબૂત કરવી. ભારત આનું પૂરું સમર્થન કરે છે અને આ દિશામાં કામ કરવા તૈયાર છે. એકવીસમી સદી ભારત અને ASEANની છે. મને ભરોસો છે કે ‘ASEAN વિઝન’ ૨૦૨૫ અને ‘વિકસિત ભારત ૨૦૪૭’નું લક્ષ્ય આખી દુનિયા માટે વધુ સારું ભવિષ્ય બનાવવાનું છે. ભારત દરેક મુશ્કેલ સમયમાં સાઉથઈસ્ટ એશિયન દેશોની સાથે ઊભું છે.’

national news india donald trump narendra modi international news world news malaysia