05 April, 2025 10:53 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી
વક્ફ સંશોધન બિલ લોકસભા બાદ રાજ્યસભામાં પસાર થઈ ચૂક્યું છે. વિદેશપ્રવાસે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે વક્ફ સંશોધન બિલ પસાર થવાને ઐતિહાસિક ક્ષણ જણાવી હતી. તેમણે કહ્યું હતું કે ‘આ બિલ પસાર થવું આપણા દેશમાં સામાજિક, આર્થિક ન્યાય, પારદર્શિતા અને સમાવેશી વિકાસ માટે એક ઐતિહાસિક ક્ષણ છે. આ કાયદો વિશેષરૂપે એવા લોકોની મદદ કરશે જેઓ લાંબા સમયથી હાંસિયામાં ધકેલાઈ ગયા છે, જેમને અનેક પ્રકારે પોતાનો અવાજ ઉઠાવવા અને સમાનતાના અધિકારથી વંચિત રાખવામાં આવ્યા છે.’
સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ‘ઍક્સ’ પર પોસ્ટ કરીને નરેન્દ્ર મોદીએ સંસદના એવા સાથીઓનો આભાર માન્યો જેમણે આ સંદર્ભે પોતાનો વિચાર વ્યક્ત કર્યો અને કાયદાને મજબૂત બનાવવા માટે પોતાનું યોગદાન આપ્યું. નરેન્દ્ર મોદીએ લખ્યું હતું કે ‘એ તમામ લોકોનો આભાર જેમણે સંસદીય સમિતિમાં પોતાની બહુમૂલ્ય સલાહ મોકલી. સંસદના છેલ્લા બે દિવસોમાં આપણે જોયું કે વ્યાપક દલીલ અને સંવાદનું શું મહત્ત્વ છે.’
વડા પ્રધાને વક્ફ સંશોધન બિલના મહત્ત્વ વિશે જણાવતાં લખ્યું કે ‘દાયકાઓથી વક્ફપ્રણાલી પારદર્શિતા અને જવાબદેહીના અભાવનો પર્યાય બનીને રહી છે. ખાસ કરીને મુસ્લિમ મહિલાઓ, ગરીબ મુસ્લિમોના હિતને નુકસાન પહોંચાડ્યું છે. સંસદ દ્વારા જે કાયદો પસાર કરવામાં આવ્યો છે એ વક્ફમાં પારદર્શિતા વધારશે એટલું જ નહીં, લોકોના અધિકારોની પણ રક્ષા કરશે. હવે આપણે એવા યુગમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ જ્યાં બોર્ડનું માળખું વધુ આધુનિક અને સામાજિક ન્યાય પ્રતિ સંવેદનશીલ હશે. વ્યાપકરૂપે અમે પ્રત્યેક નાગરિકની ગરિમાને પ્રાથમિકતા આપવા માટે પ્રતિબદ્ધ છીએ. આ પ્રકારે અમે એક મજબૂત, વધારે સમાવેશી અને વધુ દયાળુ ભારતનું નિર્માણ પણ કરી શકીએ છીએ.’
લોકસભા બાદ રાજ્યસભામાં પણ મધરાત પછી વક્ફ સંશોધન બિલ પસાર, હવે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ બનશે કાયદો
વક્ફ સંશોધન બિલ – ‘યુનિફાઇડ વક્ફ મૅનેજમેન્ટ એમ્પાવરમેન્ટ એફિશ્યન્સી ઍન્ડ ડેવલપમેન્ટ’ પર ૧૩ કલાક લાંબી ચર્ચા બાદ ગુરુવાર મધરાત પછી ૨.૩૦ વાગ્યે રાજ્યસભામાં પસાર થયું હતું. રાજ્યસભામાં બિલની તરફેણમાં ૧૨૮ મત અને વિરોધમાં ૯૫ મત પડ્યા હતા. આ પહેલાં બુધવારની મધરાત પછી આશરે ૧.૫૬ વાગ્યે લોકસભામાં વક્ફ સંશોધન બિલ બહુમતથી પસાર કરવામાં આવ્યું હતું. લોકસભામાં બિલના પક્ષમાં ૨૮૮ અને વિરોધમાં ૨૩૨ મત પડ્યા હતા. લોકસભામાં બિલ પર ૧૨ કલાકથી વધુ સમય સુધી ચર્ચા થઈ હતી. બિલ હવે અંતિમ હસ્તાક્ષર માટે રાષ્ટ્રપતિ પાસે જશે અને સરકાર તરફથી જાહેરાત બાદ એ કાયદો બની જશે.