જગતના યંગસ્ટર્સ ભારતની જેન-ઝી પાસેથી પ્રેરણા લે

28 November, 2025 06:54 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

ભારતના યુવાનોને ભડકાવવાનો પ્રયાસ કરનાર લોકોને નરેન્દ્ર મોદીએ આપ્યો સણસણતો જવાબ

નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે સ્પેસ સ્ટાર્ટઅપ સ્કાયરૂટના હૈદરાબાદમાં આવેલા ઇન્ફિનિટી કૅમ્પસનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે વિડિયો-કૉન્ફરન્સિંગથી તેમણે આપેલા સંબોધનમાં જેન-ઝીને કેન્દ્રમાં રાખીને તેમણે ઘણી વાતો કરી હતી. આ વાતો ઘણી સૂચક હતી, કારણ કે રાહુલ ગાંધી સહિતના વિરોધ પક્ષો દ્વારા ભારતમાં પણ જેન-ઝી હિંસક આંદોલન કરીને સરકારને હચમચાવી શકે છે એવી વાતો કરવામાં આવી છે. નોંધનીય છે કે પાછલા થોડા સમયમાં આપણા પાડોશી બંગલાદેશ અને નેપાલ ઉપરાંત મેક્સિકો, મૉરોક્કો અને પેરુ જેવા દેશોમાં જેન-ઝી આંદોલનોએ હિંસક રૂપ ધારણ કર્યું હતું.

શું કહ્યું નરેન્દ્ર મોદીએ?
* ભારતના યુવાનો રાષ્ટ્રીય હિતને સર્વોપરી રાખે છે. તેઓ દરેક અવસરનો સાચો ઉપયોગ કરે છે. જ્યારે સરકારે સ્પેસ સેક્ટર ઓપન કર્યું ત્યારે દેશના યુવાનો, ખાસ કરીને આપણા જેન-ઝી યુવાનો એનો સંપૂર્ણ લાભ લેવા માટે આગળ આવ્યા.
* આજે ભારતના આ જેન-ઝી એન્જિનિયરો, જેન-ઝી ડિઝાઇનર્સ, જેન-ઝી કોડર્સ અને જેન-ઝી વૈજ્ઞાનિકો નવી ટેક્નૉલૉજી બનાવી રહ્યા છે. કમ્પોઝિટ મટીરિયલ્સ હોય, રૉકેટ સ્ટેજ હોય ​​કે સૅટેલાઇટ પ્લૅટફૉર્મ હોય; ભારતના યુવાનો એવાં સેક્ટર્સમાં કામ કરી રહ્યા છે જેની થોડાં વર્ષો પહેલાં કલ્પના પણ નહોતી.
* છેલ્લા દાયકામાં અનેક સેક્ટર્સમાં સ્ટાર્ટઅપ્સનો એક નવો યુગ આવ્યો છે. ફિનટેક હોય, ઍગ્રીટેક હોય, હેલ્થટેક હોય, ક્લાઇમેટટેક હોય, એજ્યુટેક હોય કે ડિફેન્સટેક હોય; દરેક સેક્ટરમાં ભારતના યુવાનો, આપણા જેન-ઝી સૉલ્યુશન્સ પૂરાં પાડી રહ્યા છે.
* આજે હું વિશ્વના જેન-ઝીને આત્મવિશ્વાસપૂર્વક કહી શકું છું કે જો જેન-ઝીને સાચા અર્થમાં ક્યાંયથી પ્રેરણા મળી શકે એમ છે તો એ ભારતના જેન-ઝીમાંથી છે. ભારતના જેન ઝીની ક્રીએટિવિટી, પૉઝિટિવ માઇન્ડસેટ અને કૅપિસિટી બિલ્ડિંગ વિશ્વભરના જેન-ઝી માટે આદર્શ બની શકે છે.
* આજે ભારત ફક્ત ઍપ્લિકેશન્સ અને સર્વિસ સુધી મર્યાદિત નથી. આપણે હવે ઝડપથી ડીપ-ટેક, મૅન્યુફૅક્ચરિંગ અને હાર્ડવેર ઇનોવેશન તરફ આગળ વધી રહ્યા છીએ. થૅન્ક્સ ટુ જેન-ઝી.
* હું ભારતની દરેક યુવાન વ્યક્તિને; દરેક સ્ટાર્ટઅપ, વૈજ્ઞાનિક, એન્જિનિયર અને ઉદ્યોગ સાહસિકને અને મારા યુવા મિત્રોને ખાતરી આપું છું કે સરકાર દરેક પગલે તમારી સાથે ઊભી છે.

national news india narendra modi indian government hyderabad