08 January, 2025 09:49 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રિતીશ નંદીની આ તસવીરો અનુપમ ખેરે તેમના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી
કલા જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. કવિ, ચિત્રકાર, પત્રકાર, સંસદસભ્ય, મીડિયા અને ટેલિવિઝન વ્યક્તિત્વ, પ્રાણી કાર્યકર્તા અને ફિલ્મો, ટીવી અને સ્ટ્રીમિંગ સામગ્રીના નિર્માતા પ્રિતીશ નંદીનું 73 (Pritish Nandy Passed Away) વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધનથી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. પ્રિતીશ નંદીના નિધનના સમાચાર બાદ હવે કલા જગતથી જોડાયેલા અનેક મોટા નેતા અને અભિનેતાઓએ પણ તેમને શ્રદ્ધાંજલી આપવા સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી દુઃખ વ્યક્ત કર્યું છે.
બૉલિવૂડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે (Pritish Nandy Passed Away) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (પૂર્વે ટ્વિટર) પર એક ઈમોશનલ પોસ્ટ શૅર કરીને તેમને પ્રિતીશ નંદીને શ્રદ્ધાંજલી આપી છે. અનુપમ ખેરે લખ્યું “મારા સૌથી પ્રિય અને સૌથી નજીકના મિત્ર પ્રિતીશ નંદીના અવસાન વિશે જાણીને ખૂબ જ ઊંડો દુઃખ અને આઘાત લાગ્યો! અદ્ભુત કવિ, લેખક, ફિલ્મ નિર્માતા અને એક બહાદુર અને અનન્ય સંપાદક અને પત્રકાર! મુંબઈમાં મારા શરૂઆતના દિવસોમાં તેઓ મારી સપોર્ટ સિસ્ટમ અને શક્તિનો મોટો સ્ત્રોત હતા. અમે ઘણી બધી વસ્તુઓ સામાન્ય રીતે શૅર કરી છે. તે સૌથી નીડર લોકોમાંના એક હતા જેમને હું મળ્યો હતો. હંમેશા લાર્જર ધેન લાઈફ. હું તેમની પાસેથી ઘણું બધું શીખ્યો. મોડેથી અમે વારંવાર મળતા નથી, પણ એક સમય એવો હતો જ્યારે આપણે અવિભાજ્ય હતા! જ્યારે તેમણે મને ફિલ્મફેરના કવરપેજ પર મૂકીને મને આશ્ચર્યચકિત કર્યા હતા અને સૌથી અગત્યનું #TheIllustratedWeelky ત્યારે હું ક્યારેય ભૂલીશ નહીં. તે યારો કા યારની સાચી વ્યાખ્યા હતી! હું તમને અને અમારા સમયને એક સાથે યાદ કરીશ મારા મિત્ર. રેસ્ટ વેલ.” આ સાથે ખેરે તૂટેલા દિલના ત્રણ એમોજી પણ મૂકી લખ્યું ‘હાર્ટ બ્રોકન’
પ્રિતીશ નંદી (Pritish Nandy Passed Away) કલા જગત સાથે રાજનીતિથી પણ જોડાયેલા હતા. તેઓ મહારાષ્ટ્રમાંથી રાજ્યસભામાં સંસદસભ્ય રહી ચૂક્યા હતા. તેઓ શિવસેનાની ટિકિટ પર ચૂંટાયા હતા. નંદીએ અંગ્રેજી કવિતાની 40 પુસ્તકો લખી હતી અને તેમણે બંગાળી, ઉર્દૂ અને પંજાબીમાંથી અન્ય લેખકોની કવિતાઓ તેમજ ઈશા ઉપનિષદની નવી આવૃત્તિનો અનુવાદ કર્યા હતા. આ ઉપરાંત, તેમણે વાર્તાઓ અને નોન ફિક્શન પુસ્તકો તેમજ સંસ્કૃતમાંથી શાસ્ત્રીય પ્રેમ કવિતાના અનુવાદના ત્રણ પુસ્તકો લખ્યા છે. તેઓ ધ ટાઈમ્સ ઑફ ઈન્ડિયા ગ્રૂપના પ્રકાશન નિર્દેશક અને 1980ના દાયકામાં ધ ઈલસ્ટ્રેટેડ વીકલી ઑફ ઈન્ડિયા, ધ ઈન્ડિપેન્ડન્ટ અને ફિલ્મફેરના એડિટર પણ હતા. તેમણે 1993માં કન્ટેન્ટ કંપની પ્રિતેશ નંદી કોમ્યુનિકેશન્સ લિમિટેડની સ્થાપના કરી હતી. તેમણે પીપલ ફોર એનિમલ્સ, ભારતની પ્રથમ પ્રાણી અધિકાર એનજીઓ પણ સ્થાપી હતી જેને હાલમાં તેના સહ-સ્થાપક મેનકા ગાંધી અધ્યક્ષ તરીકે ચલાવી રહ્યા છે.