10 November, 2025 08:55 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
પ્રોફેસર વૈદ્યેશ્વરન રાજારામન
ભારતમાં કમ્પ્યુટર સાયન્સ શિક્ષણના પિતામહ તરીકે જાણીતા ૯૨ વર્ષના પ્રોફેસર વૈદ્યેશ્વરન રાજારામનનું શનિવારે અવસાન થયું હતું. વૃદ્ધાવસ્થા સાથે સંકળાયેલી બીમારીઓને કારણે તેમણે તાતાનગરમાં છેલ્લા શ્વાસ લીધા હતા. પ્રોફેસર રાજારામનના વિદ્યાર્થીઓમાં ઇન્ફોસિસના સ્થાપક એન. આર. નારાયણ મૂર્તિ અને તાતા ગ્રુપની જાણીતી કંપની તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ના પ્રથમ ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) ફકીરચંદ કોહલીનો સમાવેશ થાય છે. નારાયણ મૂર્તિએ કહ્યું હતું કે તેમણે દરેક વિદ્યાર્થીને સાચો રસ્તો બતાવીને માર્ગદર્શન આપ્યું હતું.
ટેક્નૉલૉજિકલ ક્રાન્તિનો પાયો
રાજારામને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT) - કાનપુરમાં કમ્પ્યુટર સાયન્સમાં ભારતના પ્રથમ ઔપચારિક શૈક્ષણિક કાર્યક્રમની સ્થાપનામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે જ દેશની ટેક્નૉલૉજિકલ ક્રાન્તિનો પાયો નાખ્યો હતો. ૧૯૩૩માં જન્મેલા પ્રોફેસરે તેમના જીવનના છ દાયકા કમ્પ્યુટર સાયન્સને સમર્પિત કર્યા હતા. તેમણે ૧૯૮૭માં વડા પ્રધાનની વિજ્ઞાન સલાહકાર પરિષદ દ્વારા રચાયેલી સમિતિની અધ્યક્ષતા પણ કરી હતી. રાષ્ટ્રમાં તેમના યોગદાન માટે રાજારામનને શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર (૧૯૭૬) અને ૧૯૯૮માં પદમભૂષણ પ્રાપ્ત થયા હતા.