19 August, 2026 11:06 AM IST | Jharkhand | Gujarati Mid-day Correspondent
સોમવારે મોડી રાત્રે પોતાના વિજયની ઉજવણી કરતા આંદોલનકારીઓ.
ઝારખંડમાં મુખ્ય પ્રધાન હેમંત સોરેને સોમવારે રાત્રે વિદ્યાર્થીઓની માગણીઓ માની લઈને પ્રાઇવેટ આઉટસોર્સિંગ એજન્સી TSR ડેટા પ્રોસેસિંગ પ્રાઇવેટ લિમિટેડ (TDPL) દ્વારા ૨૦૧૪થી લેવાયેલી ઝારખંડ સ્ટાફ સિલેક્શન કમિશન-કમ્બાઇન્ડ ગ્રૅજ્યુએટ લેવલ (JSSC-CGL) સહિતની તમામ સ્પર્ધાત્મક રિક્રૂટમેન્ટ પરીક્ષાઓ, એનાં પરિણામો અને એને પગલે થયેલા સિલેક્શન રદ કરવાના સરકારના નિર્ણય છતાં પણ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા તપાસની માગણીના મુદ્દે પરીક્ષાઓમાં ગેરરીતિઓનો વિરોધ કરી રહેલા ઉમેદવારોનું પ્રદર્શન ગઈ કાલે પચીસમા દિવસે પણ જયપાલ સિંહ મુંડા સ્ટેડિયમ ખાતે ચાલુ રહ્યું હતું. બીજી તરફ પરીક્ષા રદ કરવાથી JSSC-CGL પરીક્ષા પાસ કરનારા અને સરકારી નોકરી મેળવનારા ઉમેદવારો દ્વારા પ્રતિ-વિરોધની શરૂઆત થઈ છે.
૧૬ દિવસથી ઉપવાસ કરી રહેલા વિદ્યાર્થી નેતા દેવેન્દ્ર મહતો તથા અન્ય બે જણે સોમવારે મધ્યરાત્રિની આસપાસ ભૂખહડતાળનો અંત લાવીને પારણાં કર્યાં હતાં. જોકે બીજા ત્રણ જણે ઉપવાસ ચાલુ રાખ્યા હતા. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી સરકાર CBI તપાસની તેમની માગણી સ્વીકારે નહીં ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
ઝારખંડ સરકારની સ્થિતિ ઊલમાંથી ચૂલમાં પડ્યા જેવી
સરકારી નોકરી મેળવનારા રસ્તા પર ઊતર્યા, બે હજાર જેટલા લોકો નોકરી ગુમાવશે એવો ડર
ઝારખંડ સરકાર માટે ઊલમાંથી ચૂલમાં પડ્યા જેવો ઘાટ સર્જાયો છે. ગેરરીતિના આક્ષેપો અને સતત થઈ રહેલા આંદોલનને શાંત કરવા સરકારે ઝારખંડ સ્ટાફ સિલેક્શન કમિશન-કમ્બાઇન્ડ ગ્રૅજ્યુએટ લેવલ (JSSC-CGL)ની પરીક્ષા, તેનાં પરિણામ અને એને પગલે થયેલાં સિલેક્શન રદ કરવાનો અત્યંત મહત્ત્વનો નિર્ણય લીધો હતો. એક જૂથની માગણી સંતોષીને સરકારે હાશકારો અનુભવ્યો ત્યાં તો પરીક્ષા પાસ કરીને નોકરી મેળવી ચૂકેલા ૨૦૦૦ ઉમેદવારોએ મંગળવારે સચિવાલય બહાર ઉગ્ર આંદોલન શરૂ કરી દીધું હતું.
અહેવાલ મુજબ આ ઉમેદવારો સરકારી નોકરીમાં નિમણૂક પામી ચૂક્યા હતા. એક આંદોલન શાંત કરવા જતાં સરકાર સામે નવો મોરચો મંડાયો છે. રોષે ભરાયેલા ઉમેદવારોએ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા ઝીણવટભરી તપાસની માગણી કરીને જણાવ્યું હતું કે દોષિતોને સજા કરો, પરંતુ નિર્દોષોને હેરાન ન કરો.
કેટલાક ઉમેદવારો કેન્દ્ર સરકારની નોકરી છોડીને અહીં જોડાયા હતા. મુખ્ય પ્રધાન હેમંત સોરેનનો પરીક્ષા રદ કરવાનો નિર્ણય હવે સરકાર માટે ગળાનો ગાળિયો બની ગયો છે, કારણ કે ઉંમરમર્યાદા વટાવી ચૂકેલા ઉમેદવારોએ કાનૂની લડાઈની ચીમકી ઉચ્ચારી છે.
કેન્દ્રીય શિક્ષણપ્રધાન પ્રહ્લાદ જોશીના આદેશ બાદ પરીક્ષાઓમાં થતી ગેરરીતિ અટકાવવા નૅશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા કેટલાક અત્યંત મહત્ત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. એજન્સીના પરીક્ષાવિભાગમાંથી ૬૦૦ જેટલા જૂના નિષ્ણાતોને હટાવીને સંપૂર્ણપણે નવા એક્સપર્ટ્સની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. પ્રશ્નપત્ર તૈયાર કરવાથી લઈને એની સુરક્ષા માટે હવે ૪ સ્તરની નવી કડક સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આ ઉપરાંત એજન્સીના વહીવટી સ્ટાફમાં પણ મોટા ફેરફારો થઈ રહ્યા છે. આગામી ૩ સપ્તાહમાં નવા પચીસ અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે. સુરક્ષાનાં કારણોસર એજન્સીની ઑફિસ નવી જગ્યાએ ખસેડવામાં આવશે અને ત્યાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફોર્સ (CISF)નો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવશે.