ખામેનેઈના મૃત્યુ પર ભારતમાં વિરોધ-પ્રદર્શન લખનઉથી શ્રીનગર સુધી પ્રદર્શન, શિયા સમુદાય રસ્તા પર ઊતર્યો

02 March, 2026 12:25 PM IST  |  Iran | Gujarati Mid-day Correspondent

ખામેનેઈની હત્યાના વિરોધમાં ગઈ કાલે ચોકમાં એકઠા થયેલા વિશાળ ટોળા સાથે વેપારીઓ પણ જોડાયા હતા

શ્રીનગર (ડાબે), અમેરિકાએ ઈરાના પર કરેલા હુમલાના વિરોધમાં કલકત્તામાં પ્રદર્શનકારીઓએ ડોનલ્ડ ટ્રમ્પનાં પોસ્ટરો બાળ્યાં હતાં.

રાજસ્થાન ને હૈદરાબાદમાં પ્રદર્શન, લખનઉમાં કાળાં કપડાં પહેરીને વિરોધ, ત્રણ દિવસનો શોક : રાજસ્થાનમાં શિયા ઈદ નહીં મનાવે : કાશ્મીરમાં બે દિવસ સ્કૂલો-કૉલેજો બંધ

અમેરિકા અને ઇઝરાયલી હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લા અલી ખામેનેઈની હત્યાથી ભારતમાં શિયા સમુદાયમાં ખૂબ જ ગુસ્સો છે. ભારતમાં લખનઉ, કાશ્મીર, રાજસ્થાન અને હૈદરાબાદમાં ખામેનેઈના મોતના વિરોધમાં શિયા સમુદાયના લોકોએ રસ્તા પર ઊતરીને પ્રદર્શન કર્યું હતું. ઑલ ઇન્ડિયા શિયા પર્સનલ લૉ બોર્ડે ૩ દિવસના શોકની જાહેરાત કરી હતી.

આ મુદ્દે શિયા ધાર્મિક નેતા મૌલાના યાસુબ અબ્બાસે શિયા સમુદાયને અપીલ કરતાં કહ્યું હતું કે ‘આપણે બધાએ ખામેનેઈની હત્યાના વિરોધમાં ૩ દિવસ કાળાં કપડાં પહેરવાં જોઈએ. આપણે આપણાં ઘરો પર કાળાં બૅનરો લગાવવાં જોઈએ. આપણે ફાતિહા વાંચવી જોઈએ અને ઈરાનના સર્વોચ્ચ નેતાની નઝર અદા કરવી જોઈએ. આપણે અમેરિકા અને ઇઝરાયલનાં પગલાંનો પણ સખત વિરોધ કરવો જોઈએ.’

ખામેનેઈની હત્યાના વિરોધમાં ગઈ કાલે ચોકમાં એકઠા થયેલા વિશાળ ટોળા સાથે વેપારીઓ પણ જોડાયા હતા. દરગાહ-હઝરત અબ્બાસ રોડ સહિત અનેક શેરીઓ સૂમસામ રહી હતી, દુકાનદારોએ તેમની દુકાનો ખોલી નહોતી, કરિયાણું ખરીદવા આવેલા લોકોએ પાછા ફરવું પડ્યું હતું.

આસિફી મસ્જિદના જુમા ઇમામ મૌલાના કલ્બે જાવદે કહ્યું હતું કે ‘ખામેનેઈની હત્યા માનવતાની હત્યા હતી. લોકોએ એની સામે સંગઠિત થવું જોઈએ. દેશભરના મુસ્લિમ સમુદાયના સભ્યોએ સાથે મળીને વિરોધ કરવો જોઈએ. અન્ય માનવતાવાદીઓએ પણ એમાં જોડાવું જોઈએ.’

રાજસ્થાનમાં શિયા ઈદ નહીં મનાવે

ખામેનેઈના મૃત્યુના કારણે રાજસ્થાનનાં વિવિધ શિયા મુસ્લિમ સંગઠનોએ આ વર્ષે ઈદ ન મનાવવાનો નિર્ણય લીધો છે. ઈદના તહેવાર પર નવાં કપડાં પહેરવામાં આવશે નહીં અને ઘરોમાં સેવૈયા પણ બનાવવામાં નહીં આવે. કોઈ ઉજવણી કરવામાં આવશે નહીં. ઈદની નમાજ કાળી પટ્ટી પહેરીને પ્રતીકાત્મક રીતે અદા કરવામાં આવશે. શુક્રવારની નમાજ પણ કાળી પટ્ટી પહેરીને અદા કરવામાં આવશે.

હૈદરાબાદમાં કાળાં કપડાં પહેરીને વિરોધ

ખામેનેઈના મૃત્યુનો શોક વ્યક્ત કરવા માટે હૈદરાબાદના જૂના શહેરમાં કાળો પોશાક પહેરેલાં સેંકડો પુરુષો, સ્ત્રીઓ અને બાળકો જમા થયાં હતાં. ઇબ્ને ખાતૂનની કબર પાસે ભાવનાત્મક દૃશ્યો ઊભરી આવ્યાં હતાં. વક્તાઓ ભીડને સંબોધિત કરી રહ્યા હતા અને અમેરિકાવિરોધી સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. લોકોનો આ મેળાવડો ઈરાન સાથે હૈદરાબાદના લાંબા સમયથી ચાલતા સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધોને પ્રતિબિંબિત કરે છે, જે સોળમી સદીમાં ઈરાની પ્રભાવ હેઠળ શહેરની સ્થાપનાથી શરૂ થાય છે.

કાશ્મીરમાં બે દિવસ સ્કૂલો-કૉલેજો બંધ

ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈના મૃત્યુ બાદ જમ્મુ અને કાશ્મીરમાં વિરોધ-પ્રદર્શનો થયાં હતાં અને લોકોએ અમેરિકા અને ઇઝરાયલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો. શ્રીનગરમાં કાશ્મીરી શિયા મુસ્લિમોએ ખામેનેઈની હત્યાના વિરોધમાં લાલ ચોક ખાતે પ્રદર્શન કર્યું હતું. કારગિલમાં પણ વિરોધ-પ્રદર્શન થઈ રહ્યાં છે. સાવચેતીના પગલા તરીકે પ્રશાસને કાશ્મીરમાં બે દિવસ માટે તમામ સ્કૂલો અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

અમેઠીમાં ૪૦ દિવસનો શોક

ઉત્તર પ્રદેશના અમેઠીમાં ખામેનેઈના મૃત્યુ પર શિયા સમુદાયના સભ્યો રસ્તા પર ઊતરી આવ્યા હતા. શિયા ધર્મગુરુ મૌલાના ઝિશાન હૈદર અલીએ શિયા સમુદાય વતી ૪૦ દિવસના શોકનો સત્તાવાર સંદેશ જાહેર કર્યો હતો. શોકના ચિહન તરીકે આગામી ૪૦ દિવસ સુધી કોઈ તહેવાર ઊજવવામાં આવશે નહીં. સ્થાનિક રહેવાસીઓએ તેમની દુકાનો અને દૈનિક પ્રવૃત્તિઓનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે.

national news india jammu and kashmir rajasthan hyderabad amethi iran israel united states of america srinagar