08 June, 2026 09:56 AM IST | West Bengal | Gujarati Mid-day Correspondent
સંન્યાસી માનન્ના, બ્રહ્માનંદ ચક્રવર્તી, બપ્પાદિત્ય દાસગુપ્તા
પશ્ચિમ બંગાળમાં સત્તા જતાંની સાથે જ તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC)ના નેતાઓના ખરાબ દિવસો શરૂ થઈ ગયા છે. દાદાગીરી કરીને લોકો પાસેથી પડાવેલા પૈસાનો હિસાબ હવે લોકો પોતે જ લઈ રહ્યા છે. અલગ-અલગ ૩ ઘટનામાં ટોળાએ જ TMCના ૩ નેતાનો હિસાબ લઈ નાખ્યો હતો.
કલકત્તામાં રવિવારે TMCના કાઉન્સિલર બપ્પાદિત્ય દાસગુપ્તાની ખંડણીના ગંભીર આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. વકીલ પરમિતા ડે પાસે ઑફિસ બનાવવા માટે ૨૦ લાખ રૂપિયા માગવાના અને તોડફોડ કરવાના આરોપમાં તેમને પકડવામાં આવ્યા છે. પોલીસ-સ્ટેશનની બહાર ઉગ્ર પ્રદર્શનકારીઓએ તેમને ચોર કહીને તેમના પર ઈંડાં-ટમેટાં ફેંક્યાં હતાં.
શ્યામપુર વિસ્તારમાં મહાત્મા ગાંધી નૅશનલ રૂરલ એમ્પ્લૉયમેન્ટ ગૅરન્ટી ઍક્ટ (મનરેગા-MGNREGA) યોજનામાં ભ્રષ્ટાચાર અને પબ્લિકના પૈસા ચાંઉ કરી જવાના આરોપમાં સ્થાનિક TMC નેતા સંન્યાસી માનન્નાને લોકોના ભારે રોષનો સામનો કરવો પડ્યો હતો. ગુસ્સે ભરાયેલા લોકોએ તેમને ઘેરી લીધા હતા, માથું મૂંડાવી દીધું હતું, ગળામાં જૂતાંનો હાર પહેરાવ્યો હતો અને કમરે દોરડું બાંધીને આખા વિસ્તારમાં ફેરવ્યા હતા. બાદમાં પોલીસે તેમને મહામહેનતે ભીડમાંથી છોડાવ્યા હતા.
આ દરમ્યાન હાવડામાં આવાસ યોજનાના લાભાર્થીઓ પાસેથી કટ મની ખાવાના આરોપમાં ઘેરાયેલા TMC નેતા બ્રહ્માનંદ ચક્રવર્તી પોલીસથી બચવા એક દુકાનમાં સાડીઓના ઢગલા નીચે સંતાઈ ગયા હતા, જ્યાં સર્ચ-ઑપરેશન કરીને તેમને ઝડપી લેવાયા હતા.
માથાભાંગાના કાઉન્સિલર કાકલી ઘોષે પબ્લિક પાસેથી પડાવેલા રૂપિયામાંથી એક લાખ રૂપિયા પાછા આપીને બાકીના પૈસા હપ્તે-હપ્તે ચૂકવવાની ખાતરી આપી છે.