27 August, 2025 07:48 AM IST | Pune | Gujarati Mid-day Correspondent
મુસ્લિમ મૂર્તિકાર પાસેથી મૂર્તિ ખરીદતો અથર્વ સુદામે.
પુણેના એક ઇન્ફ્લુએન્સર અથર્વ સુદામેએ ગણપતિની મૂર્તિ એક મુસ્લિમ મૂર્તિકાર પાસેથી ખરીદતી પોસ્ટ મૂકી હતી. શરૂઆતમાં તો લોકોએ ધાર્મિક એકતા અને ભાઈચારો દર્શાવતી આ પોસ્ટને લાઇક કરી હતી, પણ ધીમે-ધીમે અમુક લોકોએ આ પોસ્ટને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. આ પોસ્ટને લીધે ધાર્મિક લાગણી દુભાતી હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું જેને કારણે છેવટે અથર્વએ આ પોસ્ટ ડિલીટ કરી હતી.
પુણે માટેની રીલ બનાવવા માટે જાણીતા અથર્વ સુદામેએ ગણેશોત્સવ માટે મૂકેલી આ રીલને ધર્મ અને જાતિવાદી વળાંક આપીને અખિલ ભારતીય બ્રાહ્મણ મહાસંઘે એનો વિરોધ કર્યો હતો. એક ફેસબુક યુઝરે અથર્વને ધમકી પણ આપી હતી. તેથી અથર્વએ એ પોસ્ટ ડિલીટ કરીને પોતે કોઈની ધાર્મિક લાગણી દુભાવવા માગતો ન હોવાનું જણાવીને માફી માગતી નવી પોસ્ટ મૂકી હતી.
જોકે મોટા ભાગના રાજકીય પક્ષો અને પુણેકરોએ અથર્વને ટેકો આપ્યો હતો અને આવી સારી પોસ્ટ મૂકતા રહેવાનું સૂચન પણ કર્યું હતું.
જ્ઞાતિ, ધર્મ કે ભાષાના નામે ખોટો વિવાદ ઊભો ન કરવો જોઈએ : આશિષ શેલાર
આ બનાવના પ્રતિસાદરૂપે BJPના વરિષ્ઠ નેતા આશિષ શેલારે કહ્યું હતું કે ‘બધા જ સમુદાયના લોકો ગણપતિની મૂર્તિ બનાવવા માટે યોગદાન આપે છે. મૂર્તિ ખરીદનાર તેની પસંદ પ્રમાણે કોઈની પણ પાસેથી મૂર્તિ ખરીદી શકે છે. આમાં જ્ઞાતિ, ધર્મ કે ભાષાના નામે ખોટો વિવાદ ઊભો કરવો ન જોઈએ.’