18 February, 2026 09:14 AM IST | Punjab | Gujarati Mid-day Correspondent
ભગવંત માન
પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત સિંહ માનને સોમવારે મોહાલીની ફોર્ટિસ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ ગઈ કાલે હૉસ્પિટલને બૉમ્બની ધમકીની ઈ-મેઇલ મળી હતી અને એના પછી હાઈ-અલર્ટ જાહેર કરવામાં આવી છે. સોમવારે મોગામાં એક રૅલીમાંથી પાછા ફર્યા બાદ ભગવંત માનને બીજી વખત હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ઈ-મેઇલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભગવંત માનને ભાઈ દિલાવર સિંહના વારસદારો દ્વારા પોલોનિયમ નામનું ઝેર અપાયું છે. એમાં વધુમાં ચેતવણી આપવામાં આવી હતી કે જો તેઓ બચી ગયા તો તેમને બિયંત જેવું જ પરિણામ મળશે, ફોર્ટિસ હૉસ્પિટલમાંથી ફક્ત મુખ્ય પ્રધાનનો મૃતદેહ જ બહાર આવશે.
પંજાબના ભૂતપૂર્વ પોલીસ-કૉન્સ્ટેબલ દિલાવર સિંહે પોતાની કમર પર વિસ્ફોટકોનો પટ્ટો બાંધ્યો હતો, એના કારણે ઑગસ્ટ ૧૯૯૫માં વિસ્ફોટ થયો હતો જેમાં તત્કાલીન મુખ્ય પ્રધાન બિયંત સિંહ અને અન્ય ૧૬ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ધમકીમાં ઉલ્લેખિત પોલોનિયમ એક દુર્લભ કિરણોત્સર્ગી પદાર્થ છે જે એની અત્યંત ઝેરી અસર માટે જાણીતો છે.
પોલીસ-અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે ભગવંત માનને અન્યત્ર ખસેડવાની કોઈ યોજના નથી અને મોહાલી પોલીસ અને મુખ્ય પ્રધાનની સુરક્ષા-ટીમ બન્ને સંપૂર્ણપણે સતર્ક છે. અધિકારીઓએ એ પણ નોંધ્યું હતું કે ૧૧ ફેબ્રુઆરીએ મળેલી આ પ્રકારની ઈ-મેઇલ પાછળથી બનાવટી જાહેર કરવામાં આવી હતી. જોકે કોઈ પણ જોખમ ન લેતાં સુરક્ષા-એજન્સીઓ તમામ સલામતી પ્રોટોકૉલનો કડક રીતે અમલ કરી રહી છે.