Puri Rath Yatra Stampede: જગન્નાથ રથયાત્રા દરમિયાન નાસભાગ- ૩નાં મોત- ૫૦ ગંભીર રીતે ઘાયલ

30 June, 2025 06:54 AM IST  |  Odisha | Gujarati Mid-day Online Correspondent

Puri Rath Yatra Stampede: ભગવાનના રથને સ્પર્શ કરવા માટે શ્રદ્ધાળુઓમાં નાસભાગ જેવી સ્થિતિ નિર્માણ થઈ હતી. આ નાસભાગમાં ૩ લોકોના મોત થયા છે.

રથયાત્રાની ફાઇલ તસવીર

ઓડિશાના પુરીમાં આવેલા શ્રીગુંડિચા મંદિરમાં નાસભાગ (Puri Rath Yatra Stampede) થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. અહીં ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં ભગવાનના રથને સ્પર્શ કરવા માટે શ્રદ્ધાળુઓમાં નાસભાગ જેવી સ્થિતિ નિર્માણ થઈ હતી. આ નાસભાગમાં ૩ લોકોના મોત થયા છે. અને અનેક લોકો ઘાયલ થયા છે.

હાલમાં આ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આજે રવિવારે વહેલી સવારે 4થી 5 વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો. ઘટના સ્થળે કોઈ એમ્બ્યુલન્સ હાજર નહોતી. લોકોએ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. જોકે, હવે સ્થિતિ સામાન્ય હોવાનું જાણવા મળી રહ્યું છે. 

પુરીના જિલ્લા કલેક્ટર સિદ્ધાર્થ એસ. સ્વાઇને જણાવ્યું હતું કે નાસભાગ (Puri Rath Yatra Stampede) જેવી સ્થિતિ સર્જાયા બાદ અનેક લોકો ઘાયલ થયા હતા. તે તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાંથી છની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. 

ત્રણ શ્રદ્ધાળુઓએ તો જીવ ગુમાવ્યા છે. મૃતકોમાં બસંતી સાહુ, પ્રેમકાંત મોહંતી અને પ્રવતી દાસ આ નામ સામે આવ્યા છે. અત્યારે આ ત્રણેયની ડેડબૉડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવેલ છે. અત્યારે આ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. ભીડને કાબૂમાં લેવા અને ઘાયલોને રાહત આપવા માટે વધારાના સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા છે.

આજે સવારે જે આ નાસભાગની ઘટના (Puri Rath Yatra Stampede) બની છે તે મંદિરની સામે જ બની છે. જ્યાં ભગવાન જગન્નાથનો રથ મૂકવામાં આવ્યો હતો. લોકો દર્શન માટે ઉમટ્યા હતા. દર્શન કરવાની હોડમાં  ભીડ અનિયંત્રિત થઈ ગઈ હતી અને અંધાધૂંધીમાં ઘણા લોકો નીચે પડી ગયાં હતા. જેમાં ઘણા લોકો કચડાઈ પણ ગયાં હતા. સત્તાવાળાઓએ ઘટનાના કારણની તપાસ શરૂ કરી છે. એક અધિકારીએ કહ્યું, "અમે તપાસ કરી રહ્યા છીએ કે ભીડ શા માટે શરૂ થઈ અને ભીડ નિયંત્રણમાં કોઈ ખામી હતી કે કેમ. તેની તપાસ ચાલી રહી છે”

આ અગાઉ શનિવારે રથયાત્રા દરમિયાન 600થી વધુ ભાવિકો બીમાર પડ્યા હતા. ત્યારબાદ તેઓને પુરીની વિવિધ હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી હતી. તે દરમિયાન થયેલી નાસભાગ (Puri Rath Yatra Stampede)માં પણ ઘણા લોકો ઘાયલ થયા હતા. 200થી વધુ લોકો બેભાન થઈ ગયા હતા.

તમને જણાવી દઈએ કે ભગવાન બળભદ્ર, દેવી સુભદ્રા અને ભગવાન જગન્નાથના રથ શનિવારે તેમના ગંતવ્ય સ્થાન એટલે કે ગુંડિચા મંદિરમાં પહોંચ્યા હતા. ગુંડિચા મંદિર એ ભગવાનનું મોસાળ માનવામાં આવે છે. દર વર્ષે ભગવાન પુરીના જગન્નાથ મંદિરથી તેમના મોસાળે જાય છે. ગુંડિચા મંદિર જગન્નાથ મંદિરથી 2.6 કિમી દૂર આવેલું છે. હાલ આ રથ ગુંડિચા મંદિરમાં આવી ગયાં છે. તેમને મંદિરની બહાર મૂકવામાં આવ્યા છે. ઔપચારિક વિધિઓ પતિ જશે ત્યારબાદ રથોને રવિવારે મંદિરની અંદર લઈ જવામાં આવશે. મંદિરમાં ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. દરેક વ્યક્તિ ભગવાન જગન્નાથની એક ઝલક મેળવવા માટે આતુર છે.

odisha jagannath puri Rathyatra national news india religious places