27 April, 2026 04:04 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાઘવ ચઢ્ઢા - તસવીર સૌજન્ય ઇન્સ્ટાગ્રામ
આમ આદમી પાર્ટી (AAP)ના સ્થાપક સભ્ય અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ `આપ` સાથેનો પંદર વર્ષ જૂનો છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાવાની સત્તાવાર જાહેરાત કરી અને તેમની સાથે અન્ય ૬ સાંસદો પણ ભાજપમાં જોડાયા, જેના કારણે રાજ્યસભામાં `આપ` ના બે-તૃતીયાંશ સભ્યો હવે ભાજપમાં ભળી ગયા છે. ભાજપામાં જોડાયા પછી રાઘવ ચઢ્ઢાએ પહેલો વીડિયો સોશ્યલ મીડિયા પર મૂક્યો છે. આ વીડિયોમાં તેણે આમ આદમી પાર્ટી છોડવાના કારણો જણાવ્યા છે.
AAPનો માહોલ ટોક્સિક હતો એટલે કે પક્ષમાં ટોક્સિક વર્ક કલ્ચર હતું એવો રાઘવ ચઢ્ઢાનો આક્ષેપ છે કે, "AAP હવે એ પાર્ટી નથી રહી જેને મેં મારા લોહી પરસેવાથી સીંચી હતી." તેમણે આક્ષેપ કર્યો કે પક્ષમાં તેમને કામ કરતા અને સંસદમાં જનતાના મુદ્દાઓ પર બોલતા સતત રોકવામાં આવતા હતા. તેમણે એક ઉદાહરણ આપતા કહ્યું કે, જો કોઈ ઑફિસમાં વાતાવરણ ઝેરી બની જાય અને તમારી મહેનતને દબાવવામાં આવે, ત્યારે ત્યાંથી નીકળી જવું જ યોગ્ય નિર્ણય હોય છે.
તેમણે ગંભીર આરોપ લગાવ્યો કે જે પક્ષને તેમણે ૧૫ વર્ષ આપ્યા, તે હવે પહેલાં જેવી પાર્ટી રહી નથી. AAP હવે એવા `ભ્રષ્ટ અને સમાધાનકારી` લોકોના હાથમાં ફસાઈ ગઈ છે જેઓ દેશના હિતને બદલે માત્ર પોતાના અંગત ફાયદા માટે જ કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું, "હું ખોટી પાર્ટીમાં જોડાયેલો સાચો માણસ હતો." વળી રાઘવે સાત જણાની ભાજપામાં જોડવાની વાત કરતા કહ્યું કે એક વ્યક્તિ ખોટી હોઈ શકે પણ સાત સાંસદો એક સાથે પક્ષ છોડે ત્યારે તેમણે આત્મ નિરક્ષણ કરવાની જરૂર છે. પક્ષ છોડનારા બધા જ લોકો ગદ્દાર કે ખોટા હોઈ શકે ખરા? પક્ષ છોડ્યા બાદ પંજાબની AAP સરકારે રાઘવ ચઢ્ઢાની Z+ સુરક્ષા અને હરભજન સિંહની Y કેટેગરીની સુરક્ષા પાછી ખેંચી લીધી હતી. જોકે, કેન્દ્ર સરકાર દ્વારા તરત જ તેમને CRPF અને કેન્દ્રીય સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે.
તેમણે સમર્થકોને ખાતરી આપી છે કે ભાજપમાં જોડાયા પછી પણ તેઓ લોકોના પ્રશ્નો ઉઠાવતા રહેશે અને હવે કેન્દ્રમાં સત્તાધારી પક્ષનો ભાગ હોવાથી તે સમસ્યાઓના ઉકેલ વધુ ઝડપથી લાવી શકશે. બીજી તરફ, પંજાબમાં AAP કાર્યકર્તાઓ દ્વારા પક્ષ છોડનારા સાંસદોના ઘરની બહાર `ગદ્દાર` લખીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, જ્યારે મુખ્યમંત્રી ભગવંત માન આ સાંસદો વિરુદ્ધ `રાઈટ ટુ રિકોલ`ની માંગ સાથે રાષ્ટ્રપતિને મળવાની તૈયારી કરી રહ્યા છે.
રાઘવ ચઢ્ઢાએ 24 એપ્રિલે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને AAP છોડવાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે AAPના 10માંથી 7 સાંસદો પાર્ટી છોડી રહ્યા છે. એ જ દિવસે સાંજે રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ ભાજપમાં જોડાઈ ગયા. તેના બીજા દિવસે પંજાબના CM ભગવંત માને 7 AAP સાંસદોના પાર્ટી છોડવા અંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાતનો સમય માંગ્યો હતો.