02 January, 2026 02:18 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent
૩૧ ડિસેમ્બરે હડતાળ પર ઊતરેલા ડિલિવરી-બૉય્ઝ સાથે દિલ્હીમાં રાઘવ ચઢ્ઢા, થોડા દિવસ પહેલાં હિમાંશુ નામના એક ડિલિવરી-બૉયને રાઘવ ચઢ્ઢાએ પોતાના ઘરે લંચ પર બોલાવ્યો હતો.
આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સંસદસભ્ય રાઘવ ચઢ્ઢાએ સંસદના શિયાળુ સત્ર દરમ્યાન રાજ્યસભામાં ઑનલાઇન પ્લૅટફૉર્મ્સના ડિલિવરી-બૉય્ઝને થતી મુશ્કેલીઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. ગિગ વર્કર્સ તરીકે ઓળખાતા આ ડિલિવરી-બૉય્ઝને ખાસ તો ૧૦ મિનિટમાં ડિલિવરી કરવાની જે ફરજ પાડવામાં આવે છે એ વાત રાઘવ ચઢ્ઢાએ હાઇલાઇટ કરી હતી. ૧૦ મિનિટમાં ડિલિવરી કરવાની ઉતાવળમાં આ ગિગ વર્કર્સ બાઇક ફાસ્ટ ચલાવે છે, સિગ્નલ તોડે છે અને એમ કરીને પોતાનો તથા બીજાનો જીવ જોખમમાં મૂકે છે એ વાત રાઘવ ચઢ્ઢાએ હાઇલાઇટ કરી હતી. આ ગિગ વર્કર્સે પોતાની સમસ્યાઓને જગત સમક્ષ મૂકવા અને કંપનીઓ પાસેથી ન્યાય મેળવવા ૩૧ ડિસેમ્બરે દેશવ્યાપી હડતાળનું એલાન કર્યું ત્યારે રાઘવ ચઢ્ઢાને પોતે રાજ્યસભામાં ઉપાડેલો મુદ્દો યથાર્થ લાગ્યો હશે. રાઘવ ચઢ્ઢા ૩૧ ડિસેમ્બરે દિલ્હીમાં હડતાળ પર ઊતરેલા કેટલાક ડિલિવરી-બૉય્ઝને મળ્યા પણ હતા. ડિલિવરી-બૉય્ઝ આ મુલાકાતથી ખુશ થઈ ગયા હતા અને તેમણે રાઘવ ચઢ્ઢા સાથે સેલ્ફી પણ લીધા હતા. આમ રાઘવ ચઢ્ઢા આ ડિલિવરી-બૉય્ઝના જાણે ફેવરિટ બની ગયા છે. એ મુલાકાતની તસવીરો રાઘવ ચઢ્ઢાએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું હતું કે યોગ્ય પેમેન્ટ, માનવીય વર્કિંગ કન્ડિશન્સ, કામના સ્થળે આદર અને સોશ્યલ સિક્યૉરિટીની તેમની માગણીઓ વાજબી છે.
તાજેતરમાં જ રાઘવ ચઢ્ઢાએ એક ડિલિવરી-બૉયને પોતાના ઘરે લંચ પર પણ બોલાવ્યો હતો. એ વખતે હિમાંશુ નામના એ ડિલિવરી-બૉયે રાઘવ ચઢ્ઢા સાથે પોતાના અનુભવો શૅર કર્યા હતા. રાઘવ ચઢ્ઢાએ હિમાંશુને લંચ પર બોલાવ્યો એનું કારણ હિમાંશુએ સોશ્યલ મીડિયા પર મૂકેલી એક પોસ્ટ હતી. એ પોસ્ટમાં હિમાંશુએ કહ્યું હતું કે તે ૧૫ કલાકમાં ૨૮ ડિલિવરી કરીને માત્ર ૭૬૩ રૂપિયા કમાયો હતો. આ પોસ્ટ રાઘવ ચઢ્ઢાએ જોઈ. રાજ્યસભામાં તેઓ આ મુદ્દો ઉઠાવી ચૂક્યા હતા એટલે તેમને હિમાંશુ પ્રત્યે ખૂબ હમદર્દી થઈ અને તેને જમવા બોલાવ્યો.
આ લંચ-મુલાકાતમાં હિમાંશુએ રાઘવ ચઢ્ઢા સામે બીજી પણ ઘણી સમસ્યાઓ વર્ણવી. હિમાંશુએ કહ્યું કે ૧૦ મિનિટમાં ડિલિવરી આપવાનું પ્રેશર ખૂબ હોય છે અને એમાં ઇન્સેન્ટિવ મળવાને બદલે નુકસાન થાય છે, કારણ કે ઘણી વાર લોકેશન પર પહોંચ્યા પછીયે કસ્ટમર અડધો કલાક ફોન ન ઉપાડે અને ટાઇમ વેસ્ટ થઈ જાય. ક્યારેક કોઈ બિલ્ડિંગમાં સર્વિસ લિફ્ટ ચાલુ ન હોય તો દસ-દસ માળ ચડીને પણ જવું પડે, કારણ કે રહેવાસીઓ માટેની લિફ્ટમાં જવા ન દે. હિમાંશુએ રાઘવ ચઢ્ઢાને કહ્યું, ‘અમને કોઈ રિસ્પેક્ટ નથી મળતો, બધા અમને મજૂર જ ગણે છે. રાત્રે ઍક્સિડન્ટ થાય છે; અમારા લોકોની હત્યા થઈ જાય છે, અમે જે વસ્તુ લઈ જતા હોઈએ એ લૂંટાઈ જાય છે... પણ કંપની કંઈ નથી કરતી.’