22 July, 2026 07:10 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે રાહુલ ગાંધીને અને પ્રિયંકા ગાંધીને નરેન્દ્ર મોદીના ઘરની નજીકથી અટકાયતમાં લેવામાં આવ્યાં હતાં.
રાહુલ અને પ્રિયંકા ગાંધી સહિતના કૉન્ગ્રેસી નેતાઓ તો નરેન્દ્ર મોદીના ઘરની નજીક જ ધરણાં પર બેસી ગયાં: જંતરમંતર પર પહોંચ્યાં શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, અરવિંદ કેજરીવાલ, સુપ્રિયા સુળે, સંજય રાઉત
સોમવારે કૉક્રાૅચ જનતા પાર્ટીની સંસદકૂચ વખતે ધમાલ થયા પછી ગઈ કાલે કૉન્ગ્રેસની આંદોલનમાં ઓચિંતી એન્ટ્રી: નરેન્દ્ર મોદીના ઘરની નજીક રાહુલ, પ્રિયંકાનાં સાડાત્રણ કલાક ધરણાં: સરકારે ચર્ચાની તૈયારી દર્શાવી છતાં શિક્ષણપ્રધાનના રાજીનામાની માગણી પર અડગ રહ્યાં
કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ની સંસદકૂચ દરમ્યાન વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા થયેલા બળપ્રયોગના વિરોધમાં દિલ્હીમાં ગઈ કાલે દિવસભર ભારે રાજકીય હલચલ જોવા મળી હતી. ઘટનાક્રમની શરૂઆતમાં કૉન્ગ્રેસનાં નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ રામ મનોહર લોહિયા હૉસ્પિટલમાં પહોંચીને ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓ અને તેમના પરિજનોની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ કૉન્ગ્રેસપ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને વિવિધ રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે કૉન્ગ્રેસના નેતાઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ૭, લોકકલ્યાણ માર્ગ પર આવેલા નિવાસસ્થાન તરફ કૂચ કરીને ધરણાં શરૂ કર્યાં હતાં.
નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અન્ડરગ્રૅજ્યુએટ
(NEET-UG) પેપર-લીક મુદ્દે વડા પ્રધાન અને શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનાં રાજીનામાંની માગણી સાથે રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર દેશવાસીઓને આ વિરોધમાં જોડાવા આહવાન કર્યું હતું. ટૂંક સમયમાં જ સમાજવાદી પાર્ટી (SP)ના પ્રમુખ અખિલેશ યાદવ અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)નાં નેતા સુપ્રિયા સુળે સહિત વિપક્ષી ગઠબંધનના અનેક સંસદસભ્યો આ વિરોધ-પ્રદર્શનમાં જોડાતાં મામલો ગરમાયો હતો.
સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પ્રાઇમ મિનિસ્ટર્સ ઑફિસ (PMO)ના કેન્દ્રીય રાજ્યપ્રધાન જિતેન્દ્ર સિંહ અને કેન્દ્રીય ગૃહસચિવે ધરણાંના સ્થળે પહોંચીને રાહુલ ગાંધી સાથે વાતચીત કરી હતી. સરકારે સંસદમાં NEET-UG મુદ્દે ચર્ચા કરવાની ખાતરી આપી હતી, પરંતુ રાહુલે શિક્ષણપ્રધાનના રાજીનામાની નવી શરત મૂકતાં જિતેન્દ્ર સિંહે તેમના પર વચનથી ફરી જવાનો આક્ષેપ કર્યો હતો.
હાઈ ડ્રામાના અંતે દિલ્હી પોલીસે બળપ્રયોગ કરીને રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ અને ચરણજિત સિંહ ચન્ની સહિતના વરિષ્ઠ નેતાઓની અટકાયત કરી હતી.
રાતે ૮.૨૦ વાગ્યે - પ્રિયંકા ગાંધી મંદિર માર્ગ પોલીસ-સ્ટેશને : પ્રિયંકા ગાંધી વાડ્રાને અટકાયત બાદ મંદિર માર્ગ પોલીસ-સ્ટેશનમાં લાવવામાં આવ્યાં હતાં. આ માહિતી મળતાં જ કૉન્ગ્રેસના કાર્યકરોએ પોલીસ-સ્ટેશનની બહાર પ્રદર્શન શરૂ કર્યું હતું. આ દરમ્યાન પ્રદર્શન કરી રહેલા સમાજવાદી પાર્ટી (SP)ના કાર્યકરોની પણ પોલીસે અટકાયત કરી હતી.
રાતે ૮.૪૦ વાગ્યે - તમામ નેતાઓને છત્રસાલ સ્ટેડિયમ ખસેડવામાં આવ્યા : વડા પ્રધાનના નિવાસસ્થાનની બહારથી અટકાયતમાં લેવાયેલા રાહુલ ગાંધી સહિતના વિપક્ષી નેતાઓને પોલીસની બસ દ્વારા છત્રસાલ સ્ટેડિયમ લઈ જવામાં આવ્યા હતા.
રાત્રે ૯.૪૫ વાગ્યે - તમામ નેતાઓ મુક્ત : દિલ્હી પોલીસ દ્વારા અટકાયતમાં લેવામાં આવેલાં કૉન્ગ્રેસના સંસદસભ્ય રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત તમામ વિપક્ષી નેતાઓને મોડી રાત્રે છોડી મૂકવામાં આવ્યાં હતાં.
સોનિયા ગાંધી હાઈ ડ્રામા વચ્ચે પોલીસ-સ્ટેશન પહોંચ્યાં : રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાની અટકાયતના સમાચાર મળતાં કૉન્ગ્રેસ પાર્લમેન્ટરી પાર્ટીનાં પ્રમુખ સોનિયા ગાંધી જાતે સ્થિતિની સમીક્ષા કરવા મંદિર માર્ગ પોલીસ-સ્ટેશન પહોંચ્યાં હતાં.
રાહુલ ગાંધીના નાક પર થઈ ઈજા: પ્રદર્શન અને અટકાયત દરમ્યાન વિરોધ વચ્ચે કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીના નાક પર ઈજા થઈ હોવાનું સામે આવ્યું હતું.
રાહુલ ગાંધીનો X પર લલકાર: રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે ‘મોદીજી, તમામ જોર અજમાવી લો, આખી તાકાત લગાવી દો – વિદ્યાર્થીઓના ન્યાયની આ લડાઈ હવે રોકી નહીં રોકાય. સરકાર ગમે એટલું બળ વાપરે પણ આ લડાઈ અટકશે નહીં.’
CJPના આંદોલનને નબળું પાડવા મોદી-રાહુલ વચ્ચે જુગલબંદી : આમ આદમી પાર્ટીનો આક્ષેપ
આમ આદમી પાર્ટી (AAP)એ આક્ષેપ કર્યો છે કે કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના આંદોલનને નબળું પાડવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીને પોતાના નિવાસસ્થાનની બહાર ધરણાં પર બેસાડી દીધા હતા. AAPના રાજ્યસભાના સંસદસભ્ય સંજય સિંહ અને આતિશીએ આને BJP અને કૉન્ગ્રેસ વચ્ચેની જુગલબંદી ગણાવી હતી.
કૉન્ગ્રેસની મુખ્ય માગણીઓ
NEET-UG પેપર-લીક અને વિદ્યાર્થીઓ પર થયેલી કાર્યવાહી વિશે કૉન્ગ્રેસે કેન્દ્ર સરકાર સામે પાંચ મુખ્ય માગણીઓ રજૂ કરી છે. કૉન્ગ્રેસે પ્રથમ માગણી શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની કરી છે. બીજી માગણી છે કે ગૃહપ્રધાન અમિત શાહ સંસદનાં બન્ને ગૃહો (લોકસભા અને રાજ્યસભા)માં સમગ્ર મામલે અધિકૃત નિવેદન આપે અને ચર્ચા કરવામાં આવે. તદુપરાંત, કેન્દ્ર સરકાર વિદ્યાર્થીઓની તમામ સમસ્યાઓ સાંભળીને એના ઉકેલ માટે નક્કર તૈયારીઓ કરે તેમ જ ૨૦ જુલાઈએ કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના પ્રદર્શન પર પોલીસે આચરેલી ક્રૂરતાની નિષ્પક્ષ તપાસ કરીને દોષીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવી માગણી પણ કરવામાં આવી છે.
CJPને સપોર્ટ કરવા દિલ્હી પહોંચ્યા ઉદ્ધવ ઠાકરે, સરકાર પર આકરા પ્રહાર કરતાં કહ્યું... જે લોકો તમને આતંકવાદી કહે છે તેમણે પોતાને પૂછવું જોઈએ કે તેઓ ક્યાંથી આવ્યા છે
શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે ગઈ કાલે રાતે કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના નેતૃત્વ હેઠળના પ્રદર્શનને સમર્થન આપવા દિલ્હીના જંતરમંતર પર પહોંચ્યા હતા. પ્રદર્શનકારીઓ પર
પોલીસ-કાર્યવાહી થતાં તેમણે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. આંદોલનકારીઓને સંબોધતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘હું અહીં પ્રવચન આપવા માટે આવ્યો નથી. હું અહીં યુવાનોની પ્રશંસા કરવા આવ્યો છું.’
પ્રદર્શનકારીઓને દેશનું ભવિષ્ય ગણાવતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘સરકારે પોતાના જ યુવાનો સામે બળનો આશરો લીધો છે. કદાચ સ્વતંત્રતા પછી પહેલી વાર આપણે સરકારને પોતાના ભવિષ્ય સામે લાઠીનો ઉપયોગ કરતી જોઈ રહ્યા છીએ. તમે ફક્ત પ્રદર્શનકારીઓ નથી, તમે આ દેશનું ભવિષ્ય છો. તમે એક ચિનગારી છો અને આ ચિનગારી બુઝાશે નહીં. બ્રિટિશ શાસકોએ જે રીતે સ્વાતંત્ર્યસેનાનીઓને આતંકવાદી ગણાવ્યા હતા એમ આજના આંદોલનકારીઓને પણ એવી જ રીતે લેબલ કરવામાં આવી રહ્યા છે. આજે જે લોકો તમને આતંકવાદી કહે છે તેમણે પોતાને પૂછવું જોઈએ કે તેઓ ક્યાંથી આવ્યા છે. મને લાગે છે કે એ લોકો જ પાકિસ્તાનથી આવ્યા છે.’