✕

રાહુલ ગાંધીનો આરોપ: પેટ્રોલમાં ૨૦ ટકાથી વધારે ઍથનૉલનું મિક્સિંગ

08 November, 2026 02:27 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

જોકે ઑઇલ માર્કેટિંગ કંપનીઓએ નકારી કાઢ્યો આ દાવો

રાહુલ ગાંધી

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઑઇલ માર્કેટિંગ કંપનીઓ પર પેટ્રોલમાં ૨૦ ટકાથી વધુ એથનૉલ ભેળવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. શનિવારે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટમાં રાહુલે દાવો કર્યો કે કર્ણાટકના ૭ જિલ્લામાંથી લેવાયેલા પેટ્રોલનાં ૧૪માંથી ૧૧ સૅમ્પલમાં એથનૉલનું પ્રમાણ ૨૦ ટકાની મર્યાદા કરતાં વધુ જોવા મળ્યું છે.
કેન્દ્રના એથનૉલ-બ્લેન્ડિંગ પ્રોગ્રામ પર નિશાન સાધતાં રાહુલ ગાંધીએ લખ્યું કે E20 turned into 420 - પબ્લિકની કારમાંથી પેટ્રોલની ચોરી. તેમણે જણાવ્યું કે ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન લિમિટેડ (IOCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ (HPCL)ના સૅમ્પલમાં અનુક્રમે ૩૧.૨ ટકા અને ૩૦.૫ ટકા એથનૉલ મળી આવ્યું હતું.
બીજી તરફ IOCL, ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ (BPCL) અને HPCL જેવી સરકારી કંપનીઓએ આ રિપોર્ટને નકારી કાઢ્યો છે. કંપનીઓએ સંયુક્ત નિવેદનમાં સ્પષ્ટતા કરી કે દેશમાં અપાતું E20 પેટ્રોલ બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્‍સના નિયમો મુજબ જ છે. ઑક્ટોબરમાં થયેલી સૅમ્પલિંગ પ્રક્રિયામાં પોતાના પ્રતિનિધિઓ હાજર ન હોવાથી એણે રિપોર્ટની વિશ્વસનીયતા સામે સવાલ ઉઠાવ્યા છે. વધુ પડતા એથનૉલથી વાહનોના પર્ફોર્મન્સ પર થતી નકારાત્મક અસર વિશે ચિંતા ઊભી થઈ છે ત્યારે ઑઇલ કંપનીઓએ એની સ્વતંત્ર લૅબોરેટરીમાં તપાસ કરવાની માગણી કરી છે.

rahul gandhi india political news congress