07 June, 2026 10:46 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
વંદે ભારત
ભારતીય રેલવેએ વંદે ભારત ટ્રેનો વિશે સોશ્યલ મીડિયામાં ફેલાવવામાં આવી રહેલી ભ્રામક પોસ્ટ સામે કડક કાર્યવાહી કરીને આવી અજાણી વ્યક્તિઓ સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કર્યો છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. રેલવેએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે સરકારી સંસ્થાઓને બદનામ કરનારા અને મુસાફરોને ગેરમાર્ગે દોરનારાઓને બક્ષવામાં નહીં આવે.
કેટલાક લોકો વંદે ભારત ટ્રેનો વિશે સોશ્યલ મીડિયામાં જૂઠાણું ફેલાવતા હતા અને વંદે ભારત ટ્રેનોમાં ભોજન અને મુસાફરીના અનુભવ અંગે એકસરખી નકારાત્મક ફરિયાદો પોસ્ટ કરતા હતા. આ લોકો વિવિધ રૂટ પરની ટ્રેનો માટે એકસરખા ફોટોગ્રાફ અને એકસરખી ભાષાનો ઉપયોગ કરતા હતા. ફક્ત ટ્રેનનું નામ અને રૂટ બદલતા હતા. જ્યારે રેલવેએ આ કેસની તપાસ કરી ત્યારે તેમને શંકા ગઈ કે આ કોઈ સામાન્ય ફરિયાદ નથી પણ એ વંદે ભારત અને ભારતીય રેલવેની ઇમેજ ખરાબ કરવા માટે એક ઇરાદાપૂર્વક, સુનિયોજિત ઝુંબેશ હતી. રેલવેએ જણાવ્યું હતું કે આવી ખોટી પોસ્ટ મુસાફરોમાં ભય અને મૂંઝવણ પેદા કરે છે, સોશ્યલ મીડિયા પર ખોટી પોસ્ટ પોસ્ટ કરનારાઓને કોઈ દયા આપવામાં આવશે નહીં.