28 March, 2025 11:03 AM IST | Jaipur | Gujarati Mid-day Correspondent
૧૨ બાય ૧૫ ઇંચની ૬૪ ધાતુની પ્લેટ પર બનાવ્યું અનોખું રામાયણ, પેઇન્ટિંગનું વજન ૪૦૦ કિલો છે
૩૦ માર્ચ રાજસ્થાનનો સ્થાપના દિવસ છે. રાજ્યની સ્થાપનાનો આ ખાસ દિવસ દર વર્ષે ખૂબ ધામધૂમથી અને ભવ્ય કાર્યક્રમો દ્વારા ઊજવાય છે. કેટલાક કલાકારો આ દિવસને રાજસ્થાન પર્યટન દિવસના ઉત્સવ તરીકે પર ઊજવે છે. આ દિવસ નિમિત્તે જયપુરના જવાહર કલા કેન્દ્રમાં અલંકાર આર્ટ ગૅલરીમાં છ દિવસનું પેઇન્ટિંગ એક્ઝિબિશન યોજાયું છે. એમાં એક-એકથી ચડિયાતી કલાકૃતિઓ રજૂ થઈ છે. એમાં ભગવાન શ્રીરામ અને ભગવાન વિષ્ણુના જીવનના ચિત્રણનાં અનોખાં પેઇન્ટિંગ્સ પ્રદર્શિત થયાં છે. એમાં ૪૦૦ કિલો વજન ધરાવતું રામાયણનું પેઇન્ટિંગ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ પેઇન્ટિંગ નાની-નાની ધાતુની પ્લેટ્સ પર બનાવ્યું છે. ૧૨ બાય ૧૫ ઇંચની ૬૪ પ્લેટને એક કરીને આખું રામાયણ એમાં ચિત્રિત થયેલું છે. એમાં ભગવાન રામના બાળસ્વરૂપથી લઈને રાજા દશરથને મળેલા શ્રાપથી લઈને રામના રાજ્યાભિષેક સુધીની આખી કથા ચિત્રરૂપે અંકાયેલી છે. આ પેઇન્ટિંગની કિંમત હજારોમાં નહીં, લાખોમાં છે. હિન્દુ મહાકાવ્ય રામાયણને એક ચિત્રકથારૂપે વર્ણવતા આ પેઇન્ટિંગની કિંમત ૧૨ લાખ રૂપિયા છે.