ન્યૂઝ શોર્ટમાં: આસારામની આજીવન કેદની સજા રાજસ્થાન હાઈ કોર્ટે યથાવત્ રાખી

28 May, 2026 12:20 PM IST  |  Rajasthan | Gujarati Mid-day Correspondent

કોર્ટે દોષી ઠેરવવા સામેની તેમની અપીલ ફગાવી દેતાં તેમને જોધપુર સેન્ટ્રલ જેલ સમક્ષ આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો

આસારામ બાપુ

રાજસ્થાન હાઈ કોર્ટે ૨૦૧૩માં જોધપુર આશ્રમમાં સગીરા પર બળાત્કાર કેસમાં આસારામને ફટકારવામાં આવેલી આજીવન કેદની સજા યથાવત્ રાખી છે. કોર્ટે દોષી ઠેરવવા સામેની તેમની અપીલ ફગાવી દેતાં તેમને જોધપુર સેન્ટ્રલ જેલ સમક્ષ આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો. હાઈ કોર્ટે બે સહઆરોપી શિલ્પી અને શરત ચંદ્રને નિર્દોષ જાહેર કર્યાં હતાં, જેમાં તેમના પર સામૂહિક બળાત્કારના આરોપોને સમર્થન આપવા માટે પૂરતા સીધા પુરાવા નહોતા. જોકે બેન્ચે જાળવી રાખ્યું હતું કે સગીરના આસારામ સામેના આરોપો વિશ્વસનીય હતા અને બળાત્કારનો ગુનો સાબિત થયો હતો.

ફ્રાન્સમાં ૧૦૦થી વધુ સ્કૂલોમાં બાળકોના જાતીય શોષણનું સ્કૅન્ડલ

ફ્રાન્સમાં બહુ મોટા પાયે ચાઇલ્ડ અબ્યુઝ સ્કૅન્ડલ ચાલી રહ્યું છે. પૅરિસની ૧૦૦થી વધુ સ્કૂલો અને ડે-કૅર સેન્ટરોમાં બાળકો સાથે હિંસા, જાતીય શોષણ અને રેપના આરોપોની તપાસ ચાલી રહી છે. આ તમામ ઘટનાઓ છેલ્લા દોઢ મહિનાના અરસામાં જ પ્રકાશમાં આવી છે જેને કારણે સ્થાનિકોમાં આક્રોશ વધ્યો છે. પૅરિસની ૮૫ પ્રી-સ્કૂલ્સ, ૨૦ પ્રાઇમરી સ્કૂલ અને ૧૦ ડે-કૅર સેન્ટરોમાં આ સ્કૅન્ડલની ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે. મોટા ભાગે જાતીય શોષણ સ્કૂલ-મૉનિટર દ્વારા કરવામાં આવ્યું છે. અહીં સ્કૂલ-મૉનિટર બાળકોની દેખભાળ કરવા માટે રાખવામાં આવેલા કર્મચારીઓને કહેવાય છે. પૅરિસમાં #MeTooSchool આંદોલન વેગ પકડી રહ્યું છે. 

અમેરિકા સાથે ડીલનો આરંભ, ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ ખોલશે

ઈરાન-અમેરિકા-ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ઈરાનના સરકારી ટીવીએ અહેવાલ આપ્યો છે કે અમેરિકા સાથે ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા માટે મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટૅન્ડિંગ (MoU)નો પ્રારંભિક અને અનૌપચારિક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ ડ્રાફ્ટ હેઠળ ઈરાન એક મહિનાની અંદર હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા કમર્શિયલ શિપિંગને યુદ્ધ પહેલાંના સ્તરે પુનઃ સ્થાપિત કરવા માટે તૈયાર છે.
ડ્રાફ્ટ મુજબ અમેરિકા એના લશ્કરી સૈનિકો પાછા ખેંચશે અને ઈરાનની આસપાસ નૌકાદળની નાકાબંધીનો અંત લાવશે. જોકે આ પ્રારંભિક કરારમાં લશ્કરી જહાજોનો સમાવેશ થતો નથી. ઈરાન ઓમાનના સહયોગથી હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવરને નિયંત્રિત કરશે. તેહરાને સ્પષ્ટ કર્યું છે કે એ નક્કર ચકાસણી વિના કોઈ પગલાં ઉઠાવશે નહીં. ઈરાની મીડિયાના જણાવ્યા અનુસારના જો ૬૦ દિવસની અંદર અંતિમ કરાર થાય છે તો એને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા બંધનકર્તા ઠરાવ તરીકે મંજૂર કરી શકાય છે. આ MoU ફેબ્રુઆરીમાં શરૂ થયેલા ઈરાન-અમેરિકા યુદ્ધ પછીની પરોક્ષ વાટાઘાટોનું પરિણામ છે. 

હું તો ઠીંગણો છું, એમ કહીને ૧૫ વર્ષના ટીનેજરે નાઇજીરિયામાં ચૂંટણી લડી નાખી 

જે ઉંમરે હજી મત આપવાનો પણ અધિકાર ન મળે એ ઉંમરે નાઇજીરિયામાં એક ટીનેજરે ખોટું બોલીને ચૂંટણી લડી હતી. ઝારિયા શહેરમાં રહેતા મહમૂદ સાદિસ બુબા નામના ભાઈ રાતોરાત સોશ્યલ મીડિયા સ્ટાર બની ગયા છે. લોકો તેને ‘વન્ડર ઑફ ઝારિયા’ તરીકે પર નવાજવા લાગ્યા હતા. જોકે આ ભાઈની પ્રેરણાદાયક કહાણી વિવાદમાં ફેરવાઈ ગઈ છે.  મહમૂદ સાદિસ બુબા ઠીંગણો એટલે કે ડ્વાર્ફિઝમ નામની બીમારી ધરાવે છે. તેણે દાવો કર્યો હતો કે તે ઠીંગણો ભલે હોય, પણ તે જનતાની સેવા કરવા માટે જ જન્મ્યો છે. તેણે પોતાની ઉંમર ૩૦ વર્ષની ગણાવી હતી અને ડ્વાર્ફિઝમને કારણે તે ઠીંગણો રહી ગયો છે એવો દાવો કર્યો હતો, પરંતુ જ્યારે તેના કાયદાકીય દસ્તાવેજો બતાવવાની વાત આવી ત્યારે પોલ ખૂલી ગઈ હતી. તેના પાસપોર્ટ, સ્કૂલ રેકૉર્ડ અને જન્મ વર્ષના પુરાવાઓ મુજબ તેની ઉંમર માત્ર ૧૫ વર્ષની જ છે. 

આસામમાં યુનિફૉર્મ સિવિલ કોડ બિલ પાસ, ઉત્તરાખંડ અને ગુજરાત પછી ત્રીજું રાજ્ય બન્યું

આસામ વિધાનસભામાં ગઈ કાલે બહુચર્ચિત યુનિફૉર્મ સિવિલ કોડ (UCC) બિલ ધ્વનિમતથી પસાર થઈ ગયું હતું. આ સાથે આસામ UCC લાગુ કરનારું ત્રીજું રાજ્ય બની જશે. આ પહેલાં ઉત્તરાખંડ અને ગુજરાતમાં UCC લાગુ થઈ ગયો છે. ગઈ કાલે આસામ વિધાનસભામાં આ વિષય પર લાંબી અને ઉગ્ર ચર્ચા થઈ હતી. એમાં સત્તાપક્ષે એને સામાજિક સુધાર અને મહિલાઓના અધિકારો માટે મહત્ત્વનું પગલું ગણાવ્યું હતું. જ્યારે વિપક્ષોએ આ બિલ બહુ ઉતાવળે લાવવાથી સામાજિક સૌહાર્દ ખોરવાશે એવી ભીતિ વ્યક્ત કરી હતી. UCC એટલે કે સમાન નાગરિક સંહિતાના બિલને હવે મંજૂરી માટે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે. ત્યાંથી મંજૂર થયા પછી જ એે આસામમાં કાયદો લાગુ થઈ શકશે. મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ કહ્યું હતું, ‘હવે આ કાયદો લાગુ કરવામાં કોઈ પરેશાની આવે એવું મને નથી લાગતું. આ કાનૂનથી લગ્ન, છૂટાછેડા, ઉત્તરાધિકાર, દત્તકવિધિ અને લિવ-ઇન રિલેશનશિપ જેવા અંગત કેસોમાં તમામ સમુદાયો માટે એકસમાન કાયદો લાગુ થશે.’

બાયજુસના રવીન્દ્રનની સંપત્તિ હવે શૂન્ય, કોર્ટના તિરસ્કાર બદલ સિંગાપોરમાં ૬ મહિનાની જેલ

ભારતમાં શિક્ષણક્ષેત્રે ૨૦૧૧માં બાયજુસની સ્થાપના કરીને નવો ચીલો ચાતરનારા ભૂતપૂર્વ અબજોપતિ બાયજુ રવીન્દ્રનને કોર્ટના તિરસ્કાર બદલ સિંગાપોરમાં ૬ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. તેમને પોતાને સરેન્ડર કરવા, ૯૦,૦૦૦ સિંગાપોર ડૉલર (આશરે ૬૭.૪૫ લાખ રૂપિયા)નો ખર્ચ ચૂકવવા અને બી. આર. ઇન્વેસ્ટકોની તેમની કાયદેસર માલિકી સાબિત કરતા દસ્તાવેજો રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. બાયજુસના પતન પછી રવીન્દ્રનની સંપત્તિ શૂન્ય થઈ ગઈ છે. એપ્રિલ ૨૦૨૪થી તેમની સંપત્તિ વિશેના મલ્ટિપલ ઑર્ડરનો તિરસ્કાર કરવાના કેસમાં જેલની સજા ફટકારવામાં આવી છે. બી. આર. ઇન્વેસ્ટકો કંપનીમાં બાયજુસ સાથે સંકળાયેલી કંપનીઓના શૅર છે. જેલની સજાનો ભય રવીન્દ્રન માટે નવીનતમ ફટકો છે જે હવે વિશ્વભરના વિદેશી રોકાણકારોના દાવાઓનો સામનો કરી રહ્યા છે. એમાં અમેરિકાનો પણ સમાવેશ થાય છે જ્યાંના રોકાણકારો ૧.૨ અબજ ડૉલરની લોનમાંથી થયેલા નુકસાનને પાછું મેળવવા માટે લડી રહ્યા છે. ગયા વર્ષે અમેરિકાની નાદારી કોર્ટે રવીન્દ્રનને ૧.૦૭ અબજ ડૉલરથી વધુ ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

national news india rajasthan jodhpur asaram bapu sexual crime Protection of Children from Sexual Offences Act POCSO