રાજીવ ગાંધી હત્યા કેસ: સુપ્રીમ કોર્ટે દોષી પેરારીવલનને મુક્ત કરવાનો આદેશ આપ્યો

18 May, 2022 01:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

છેલ્લી સુનાવણીમાં જ સુપ્રીમ કોર્ટે સરકારના સ્ટેન્ડને `વિચિત્ર` ગણાવ્યું હતું

ફાઇલ તસવીર

રાજીવ ગાંધી હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા એજી પેરારીવલનને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. પેરારીવલન 30 વર્ષથી વધુ સમયથી જેલમાં છે. સુપ્રીમ કોર્ટે છેલ્લી સુનાવણીમાં જ કહ્યું હતું કે જો સરકાર કોઈ નિર્ણય નહીં લે તો અમે તેને છોડી દઈશું.

છેલ્લી સુનાવણીમાં જ સુપ્રીમ કોર્ટે સરકારના સ્ટેન્ડને `વિચિત્ર` ગણાવ્યું હતું. વાસ્તવમાં કેન્દ્રએ જવાબ આપ્યો કે તમિલનાડુના રાજ્યપાલે દોષિતને મુક્ત કરવાના રાજ્ય કેબિનેટના નિર્ણયને રાષ્ટ્રપતિને મોકલી દીધો છે, જે દયાની અરજી પર નિર્ણય લેવા માટે સક્ષમ અધિકારી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે “જ્યારે જેલમાં ટૂંકી સજા કાપી રહેલા લોકોને મુક્ત કરવામાં આવી રહ્યા છે તો કેન્દ્ર શા માટે તેને મુક્ત કરવા માટે સંમત નથી થઈ શકતું.”

સુપ્રીમ કોર્ટે કહ્યું કે “પ્રથમ દૃષ્ટિએ એવું લાગે છે કે રાજ્યપાલનો નિર્ણય ખોટો અને બંધારણની વિરુદ્ધ છે કારણ કે તેઓ રાજ્ય કેબિનેટની સલાહથી બંધાયેલા છે અને તેમનો નિર્ણય બંધારણના સંઘીય માળખા પર પ્રહાર કરે છે. જસ્ટિસ એલએન રાવ અને બીઆર ગવઈની ખંડપીઠે કેન્દ્ર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ કેએમ નટરાજાને એક સપ્તાહમાં યોગ્ય દિશાનિર્દેશો મેળવવા કહ્યું હતું, નહીં તો તે પેરારીવલનની અરજી સ્વીકારશે અને આ કોર્ટના અગાઉના ચુકાદા મુજબ તેમને મુક્ત કરશે.”

સુપ્રીમ કોર્ટે કલમ 142 હેઠળ આપવામાં આવેલા વિશેષાધિકારો દ્વારા પેરારીવલનને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. પેરારીવલન કેસમાં દયાની અરજી રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ વચ્ચે પેન્ડિંગ છે ત્યારે સુપ્રીમ કોર્ટે આ મોટું પગલું ભર્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે “રાજ્ય કેબિનેટનો નિર્ણય રાજ્યપાલને બંધનકર્તા છે અને તમામ દોષિતોની મુક્તિનો માર્ગ ખુલ્લો છે.”

બેન્ચે કહ્યું કે “રાજ્ય કેબિનેટે સંબંધિત ચર્ચાના આધારે નિર્ણય લીધો. કલમ 142નો ઉપયોગ કરીને દોષિતોને મુક્ત કરવા યોગ્ય રહેશે. બંધારણની કલમ 142 સર્વોચ્ચ અદાલતને વિશેષાધિકાર આપે છે, જેના હેઠળ તેનો નિર્ણય સર્વોપરી છે સિવાય કે આ મામલે અન્ય કોઈ કાયદો લાગુ કરવામાં આવે.”

national news supreme court rajiv gandhi