સિનિયર IPS ઑફિસરના નેતૃત્ત્વમાં નવી SIT બનાવો

21 July, 2026 08:39 AM IST  |  Ayodhya | Gujarati Mid-day Correspondent

રામ મંદિરની દાનચોરી વિશેની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું... સિનિયર IPS ઑફિસરના નેતૃત્ત્વમાં નવી SIT બનાવો

અયોધ્યા રામ મંદિર

અયોધ્યામાં રામ મંદિરમાં થયેલી દાનચોરીની તપાસ કરી રહેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)માં સુધારો કરવાનો આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સંકેત આપ્યો છે કે તપાસનું નેતૃત્વ વરિષ્ઠ ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS) અધિકારી દ્વારા કરવામાં આવે.

સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી જસ્ટિસ જૉયમલ્લા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની ત્રણ સભ્યોની બેન્ચ સમક્ષ ગઈ કાલે સુનાવણી થઈ હતી. સરકાર વતી સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે આ કેસમાં સ્ટેટસ-રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે, ૮ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

બેન્ચે તુષાર મહેતાને પૂછ્યું હતું કે આ કેસમાં કોણ તપાસ કરી રહ્યું છે ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે સત્ય જાણવા માટે SITની રચના કરવામાં આવી હતી અને પોલીસ પણ તપાસ કરી રહી છે. 

આ મુદ્દે ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે ‘અમે ૩-૪ દિવસ બાદ આ મામલે સુનાવણી કરીશું અને તપાસની તમામ બાબત પર નજર કરીશું. અમને એ જણાવો કે શું તપાસ માટે ફરીથી SIT બનાવી શકાય છે કે નહીં.’

આ મુદ્દે તુષાર મહેતાએ કહ્યું હતું કે એ બનાવી શકાશે અને અમે એને રેકૉર્ડ પર રાખીશું.

આ મુદ્દે હવે ૨૭ જુલાઈએ સુનાવણી કરવામાં આવશે.

national news india ram mandir ayodhya religious places supreme court