રામ મંદિરમાંથી સોના-ચાંદી, હીરા-જવેરાત સાથેની ૧૨૫૦ શ્રીરામ શિલાઓ પણ ગાયબ?

18 June, 2026 08:38 AM IST  |  Ayodhya | Gujarati Mid-day Correspondent

ધર્મસેના સંસ્થાપકનો છે આ દાવો : પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરી, પણ કેસ નોંધવામાં આવ્યો નથી : ટ્રસ્ટે આરોપોનો જવાબ ન આપ્યો

અયોધ્યા રામ મંદિર

અયોધ્યાના રામ મંદિરમાં દાનમાં થયેલી ગેરરીતિનો મામલો ચર્ચાઈ રહ્યો છે એ વચ્ચે ધર્મસેનાના સ્થાપક અને શ્રી રામ મંદિર ચળવળના સભ્ય સંતોષ દુબેએ દાવો કર્યો છે કે ભારત અને વિદેશમાં પૂજા કર્યા પછી અયોધ્યા લાવવામાં આવેલી સોના, ચાંદી, હીરા અને અષ્ટધાતુથી બનેલી ૧૨૫૦ શ્રીરામ શિલા ગાયબ થઈ ગઈ છે. સંતોષે પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં ટ્રસ્ટના અધિકારીઓ અને કર્મચારીઓ પર આ ગેરરીતિનો આરોપ લગાવવામાં આવ્યો છે. સંતોષે રામ મંદિરના મહાસચિવ ચંપત રાય પર સીધો આરોપ લગાવ્યો હતો.

આ મુદ્દે સંતોષે જણાવ્યું હતું કે ‘આ શિલાઓ અઢી દાયકા પહેલાં સુધી કારસેવકપુરમમાં હતી. તેમની બાજુમાં માટીની શિલાઓ પણ મૂકવામાં આવી હતી. હવે ફક્ત માટીની શિલાઓ જ બચી છે, જ્યારે કીમતી શિલાઓ ગુમ છે. સોના, ચાંદી, હીરા અને અષ્ટધાતુ શિલાની જાળવણી માટે ટ્રસ્ટના મહાસચિવ જવાબદાર હતા. પ્રશ્ન એ ઊભો થાય છે કે જવાબદારી સોંપાયા પછી પણ આ શિલાઓ ક્યાં ગાયબ થઈ ગઈ?’

૧૯૮૯માં શ્રી રામ મંદિર ચળવળ દરમ્યાન દાન એકઠું કરવા માટે ઘરે-ઘરે જઈને ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. પૂજવામાં આવેલી શિલાઓ માટે પણ વિનંતી કરવામાં આવી હતી. એ સમયે કહેવામાં આવ્યું હતું કે આ શિલાઓનો ઉપયોગ મંદિરના નિર્માણમાં કરવામાં આવશે. એ સમયે સૌથી મૂલ્યવાન શિલા મૉરિશ્યસથી આવી હતી. ઘણા વેપારીઓએ સોના અને હીરા જડેલી શિલાઓનું દાન પણ કર્યું હતું.

સંતોષના આરોપોની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ ફક્ત મૌખિક આરોપો છે. હવે પોલીસ તેમની ફરિયાદ પર કાર્યવાહી કરે છે કે નહીં એ જોવાનું બાકી છે.

સમાજવાદી પાર્ટીની માગણી : સુપ્રીમ કોર્ટ તપાસ કરે

સમાજવાદી પાર્ટીએ રામ મંદિર ચડાવા ચોરી કેસમાં સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા તપાસને નકારી કાઢી છે અને સુપ્રીમ કોર્ટને તપાસ માટે અપીલ કરી છે. પાર્ટીના નેતા તેજ નારાયણ પાંડે ઉર્ફે પવન પાંડેએ પ્રશ્ન કર્યો હતો કે જે અધિકારીઓ પોતે તપાસ હેઠળ છે તેઓ કેવી રીતે તપાસ કરશે. રાજ્ય સરકારે લખનઉ મંડળના કમિશનર વિજય વિશ્વાસ પંતના નેતૃત્વમાં લખનઉ રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ કિરણ એસ. અને નાણાં વિભાગના વિશેષ સેક્રેટરી નીલ રતનની ૩ સભ્યોની તપાસ સમિતિ બનાવી છે. એક પ્રેસ-કૉન્ફરન્સમાં પવન પાંડેએ કહ્યું હતું કે ‘તપાસ સમિતિના સભ્યો સામે જ વિભિન્ન કેસમાં સરકારી તપાસ ચાલી રહી છે એટલે તેમની પાસેથી નિષ્પક્ષ તપાસની આશા રાખી શકાય એમ નથી. આ કેસમાં સુપ્રીમ કોર્ટે જાતે સંજ્ઞાન લઈને તપાસ કરાવવી જોઈએ. રામ મંદિર ટ્રસ્ટને ભંગ કરીને તેમના મંદિર-પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવો જોઈએ.’

યોગી આદિત્યનાથ આવતી કાલે અયોધ્યા આવશે

રામ મંદિરમાં દાન અને ચડાવા સંબંધિત કથિત ગેરરીતિઓની ચાલી રહેલી તપાસ વચ્ચે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ આવતી કાલે અયોધ્યાની મુલાકાત લે એવી શક્યતા છે. તેઓ શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસના જન્મદિવસની ઉજવણીમાં હાજરી આપી શકે છે. જન્મદિવસ નિમિત્તે અયોધ્યામાં ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સંતો અને ધાર્મિક નેતાઓ અને વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો હાજરી આપે એવી અપેક્ષા છે. સૂત્રો સૂચવે છે કે યોગી આદિત્યનાથ જન્મદિવસની ઉજવણીમાં હાજરી આપવા ઉપરાંત શહેરમાં ચાલી રહેલાં વિવિધ વિકાસકાર્યો અને વ્યવસ્થાઓની પણ સમીક્ષા કરી શકે છે.

national news india ram mandir ayodhya Crime News religious places uttar pradesh