06 July, 2026 09:04 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
સ્વામી ગોવિંદ દેવ ગિરિ
અયોધ્યાના રામ મંદિરમાં દાનની ચોરી વચ્ચે શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરિએ પહેલી વાર નિવેદન આપ્યું છે. તેમણે રામભક્તોને બે પાનાંનો પત્ર લખીને સમગ્ર ઘટનાને અવિશ્વસનીય, પીડાદાયક અને અત્યંત દુઃખદ ગણાવતાં કહ્યું હતું કે ‘ચોરીથી સમગ્ર સમાજને દુઃખ થયું છે. લાખો ભક્તોની શ્રદ્ધાનું અપમાન થયું છે અને ગુનેગારોને કડક સજા થવી જોઈએ.’
દાનની ગણતરી પ્રક્રિયા અંગે ગોવિંદ દેવ ગિરિએ સ્પષ્ટતા કરી હતી કે તેઓ ક્યારેય આ કાર્યમાં સીધા સામેલ થયા નથી. તેઓ પોતાનો મોટા ભાગનો સમય પુણે અને પ્રવાસમાં વિતાવે છે, જ્યારે દાન સ્થાનિક ટ્રસ્ટીઓ અને નિયુક્ત ટીમ દ્વારા ગણવામાં આવે છે.
ગોવિંદ દેવ ગિરિએ દાવો કર્યો હતો કે ‘મેં ક્યારેય હવાઈ મુસાફરી, અન્ય મુસાફરી અથવા કોઈ પણ વ્યક્તિગત ખર્ચ માટે ટ્રસ્ટ પાસેથી એક રૂપિયો પણ લીધો નથી. મેં ક્યારેય ટ્રસ્ટી કે ખજાનચી બનવાનો પ્રયાસ કર્યો નથી, પરંતુ હું આ પદને ભગવાન શ્રીરામની સેવા કરવાની તક માનતો હતો.’
ગોવિંદ ગિરિએ એ પણ સ્પષ્ટતા કરી હતી કે શરૂઆતથી અત્યાર સુધી ખજાનચી તરીકે એકત્રિત કરાયેલા ભંડોળના સમગ્ર ઑડિટેડ હિસાબ-કિતાબ સુરક્ષિત છે અને અધિકૃત વ્યક્તિઓ દ્વારા ગમે ત્યારે એનું નિરીક્ષણ કરી શકાય છે. તેમણે જણાવ્યું હતું કે તેમની પુણે ઑફિસથી એક ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ દર મહિને અયોધ્યા આવે છે અને આવક અને ખર્ચની સમીક્ષા કરે છે.
કોઈ ભેટ સ્વીકારી નથી
દાન અને ભેટો અંગેના પ્રશ્નો વિશે ગોવિંદ ગિરિએ જણાવ્યું હતું કે ‘ખજાનચી બન્યા પછી મેં કોઈની પાસેથી રોકડ કે વસ્તુમાં કોઈ ભેટ સ્વીકારી નથી. એકમાત્ર અપવાદ મારી સ્વર્ગસ્થ મોટી બહેન તરફથી ૧૧,૦૦૦ રૂપિયાનું દાન અને નીલમ ગોયલ દ્વારા આશરે એક કિલો વજનની ચાંદીની ઈંટ હતી જેની રસીદો તાત્કાલિક જારી કરવામાં આવી હતી. આ ઉપરાંત મેં ચેક સિવાય અન્ય કોઈ ચુકવણી સ્વીકારી નથી.’
ટ્રસ્ટની નાણાકીય વ્યવસ્થા વિશે ગોવિંદ ગિરિએ જણાવ્યું હતું કે બધી ચુકવણી સંપૂર્ણપણે બૅન્કિંગ સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે. પોતાને અધિકૃત સહીકર્તા તરીકે ઓળખાવ્યા વિના તેમણે જણાવ્યું હતું કે મારી પાસે ટ્રસ્ટની ચેકબુક નથી અને બધી ચુકવણી સીધી બૅન્ક ટ્રાન્સફર દ્વારા કરવામાં આવે છે, જેમાં કોઈ રોકડ ચુકવણી નથી. કોઈ ખર્ચ કરવા માટે મારી સહીની જરૂર પણ નહોતી.
દોષીઓને સજાની માગણી
દાનની ગણતરી વિશે ગોવિંદ ગિરિએ જણાવ્યું હતું કે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના સહયોગથી દાનની ગણતરી માટે એક સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર (SOP) વિકસાવવામાં આવી હતી અને ગયા મહિને મને પહેલી વાર આખી પ્રક્રિયા બતાવવામાં આવી હતી. ક્યારે, કેવી રીતે અને કેટલી ચોરી થઈ એની વિગતો તપાસને પાત્ર છે. SIT, પોલીસ અને કોર્ટમાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરતાં તેમણે માગણી કરી હતી કે ‘તપાસ સંપૂર્ણ, નિષ્પક્ષ અને પારદર્શક હોય. ગુનેગાર ગમે એટલો પ્રભાવશાળી કે અગ્રણી હોય, તેને કાયદા અનુસાર સૌથી કડક સજા મળવી જોઈએ.’
ભવિષ્યની વ્યવસ્થાઓ અંગે ગોવિંદ ગિરિએ ટ્રસ્ટમાં એક એવી સિસ્ટમ વિકસાવવાનું સૂચન કર્યું જે દાનની સંપૂર્ણ, સચોટ અને પારદર્શક દેખરેખ સુનિશ્ચિત કરે. તેમણે નિષ્ણાતો સાથે સલાહ લીધા પછી નવી મૅનેજમેન્ટ સિસ્ટમ લાગુ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને ખાતરી આપી કે રામભક્તો દ્વારા કરવામાં આવેલા દાનના દરેક પૈસાનો સુરક્ષિત અને પારદર્શક રીતે હિસાબ કરવામાં આવશે.
આજે અયોધ્યામાં શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસની પહેલી બેઠક થવાની છે. એમાં ટ્રસ્ટના ચીફ સેક્રેટરી ચંપત રાય અને ટ્રસ્ટી ડૉ. અનિલ મિશ્રાનાં રાજીનામાં પર નિર્ણય લેવામાં આવશે.
અખિલેશ યાદવ અને ટિન્નુ યાદવ વચ્ચે ફોનમાં ઘણી વાર વાતચીત થઈ હોવાનો BJPના નેતાનો આરોપ
ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય પ્રવક્તા અજય આલોકે એવો દાવો કર્યો હતો કે રામજન્મભૂમિ મંદિર દાન ચોરી કેસના આરોપીઓમાંના એક રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુ યાદવે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે ફોન પર ઘણી વાર વાત કરી હતી. જેમ-જેમ આ કેસના સ્તરો ખૂલશે એમ-એમ દેશને ખબર પડશે કે આ ચોરી પાછળ કોણ હતું. સમાજવાદી પાર્ટી વિશેનું સત્ય ધીમે-ધીમે બહાર આવી રહ્યું છે. આ કેસમાં હજી ઘણાં વધુ તથ્યો જાહેર થવાનાં બાકી છે. સમાજવાદી પાર્ટી ભૂતકાળમાં સંતો અને મહાત્માઓના ક્રોધનો સામનો કરી શકી નથી અને ભવિષ્યમાં પણ કરી શકશે નહીં.
રામ મંદિર દાનચોરી કેસના આરોપી અવિનાશ શુક્લાએ ગર્લફ્રેન્ડને બે લાખ રૂપિયા અને મોંઘો મોબાઇલ ફોન ગિફ્ટ આપ્યા હતા
રામ મંદિર ચડાવા ચોરી કેસના આરોપી અવિનાશ શુક્લાએ ૧૫ લાખ રૂપિયાથી વધુના વ્યવહારોનો ખુલાસો કર્યો છે. તેણે તેની ગર્લફ્રેન્ડને બે લાખ રૂપિયા રોકડા અને એક મોંઘો મોબાઇલ ફોન ગિફ્ટમાં આપ્યા હતા. પોલીસ હવે તપાસ કરી રહી છે કે તેણે આટલી સંપત્તિ ક્યાંથી મેળવી હતી.ચોરીના આ કેસમાં અવિનાશ શુક્લાના ૧૫ લાખ રૂપિયાથી વધુના વ્યવહારોનો ખુલાસો થયો છે. પોલીસ હવે આ વ્યવહારોની તપાસ કરી રહી છે. બીજી તરફ અવિનાશના ભાઈ અભિષેકે તેને કામ પછી યોગ કેન્દ્રમાં ઘણી વખત રોકડ રકમ લઈને જતો જોયો હોવાનું જણાવ્યું હતું. આ મુદ્દે અવિનાશે સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો. જોકે તેણે બીજા આરોપી અનુકલ્પને પૂછ્યું ત્યારે તેણે કહ્યું હતું કે યજમાનો તેમની ખુશીથી પૈસા આપે છે અને લોકો દર્શન દરમ્યાન મદદના બદલામાં પણ પૈસા આપે છે. તેણે તેને ફરીથી આ વિશે ચર્ચા ન કરવા કહ્યું હતું.
રામ મંદિર ચોરી કેસમાં CCTV કૅમેરાનાં ફુટેજ રિકવર કરવામાં આવ્યાં, ખિસ્સાં અને મોજાંમાં ચલણી નોટો છુપાવતા હતા
અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસની તપાસ પુરજોશમાં ચાલી રહી છે. બે દિવસથી અયોધ્યામાં ધામા નાખેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ દાન ચોરીના ગુમ થયેલા રેકૉર્ડ પણ મેળવ્યા છે. ખાસ સૉફ્ટવેરનો ઉપયોગ કરીને ડિલીટ કરાયેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ મેળવવામાં આવ્યાં છે. રિકવર થયેલાં ફુટેજમાં કેટલાક આરોપીઓ પોતાનાં ખિસ્સાંમાં અથવા મોજાંમાં ચલણી નોટોનાં બંડલ છુપાવતા દેખાય છે. શ્રદ્ધા અને આસ્થાના સ્થાને શરમજનક એવી ઘણી ઘટનાઓ કેદ કરવામાં આવી છે જેનાથી તપાસ-અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા છે. ફુટેજમાં આરોપીઓના ચહેરા ઓળખવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, કારણ કે ચહેરા સ્પષ્ટ દેખાતા નથી. હાઈ-ઝૂમ રેઝોલ્યુશનનો ઉપયોગ કરીને આરોપીઓના ચહેરા ઓળખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આરોપીઓ CCTV કૅમેરા સામે એવી રીતે ઊભા રહેતા હતા કે એમાંથી કોઈનો ચહેરો સ્પષ્ટ દેખાતો નથી. રિકવર થયેલાં CCTV કૅમેરાનાં ફુટેજમાં ઘણાં બ્લાઇન્ડ સ્પૉટ જોવા મળ્યાં છે. વિશિષ્ટ સૉફ્ટવેરનો ઉપયોગ કરીને રિકવર કરવામાં આવેલાં ફુટેજથી ચોરી પાછળના સાચા ગુનેગારોનો ખુલાસો થશે. સુરક્ષામાં ખામીઓ હતી કે પછી શું આ કોઈ સુનિયોજિત કાવતરાનો ભાગ હતો? એવા સવાલોના જવાબ મેળવવા માટે SIT પ્રયાસ કરી રહી છે. CCTV કૅમેરાનાં ફુટેજનું નિરીક્ષણ કરી રહેલા એક જવાબદાર સભ્યને બોલાવીને તેની પૂછપરછ કરવામાં આવી હતી. આ વ્યક્તિને સખત ઠપકો આપવામાં આવ્યો હતો.