અમૂલ બેબીઝને જોવાને બદલે કાઝીરંગા નૅશનલ પાર્કમાં ગેંડા જોવા વધુ ફાયદાકારક

18 April, 2024 08:37 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વ સરમાએ રાજ્યમાં પ્રચાર માટે આવેલાં કૉન્ગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધીની સરખામણી ‘અમૂલ બેબી’ સાથે કરી હતી

હિમંતા બિસ્વ સરમા

આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વ સરમાએ રાજ્યમાં પ્રચાર માટે આવેલાં કૉન્ગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધીની સરખામણી ‘અમૂલ બેબી’ સાથે કરી હતી. પ્રિયંકા ગાંધી વાડ્રાએ મંગળવારે આસામના જોરહાટમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો જેને લઈને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાએ કટાક્ષ કર્યો હતો કે અમૂલ બેબીને જોવા કરતાં લોકોએ કાઝીરંગામાં ગેંડા જોવાને પ્રાથમિકતા આપવી જોઈએ.

આસામના મુખ્ય પ્રધાને કહ્યું કે ‘ગાંધી પરિવારને જોવાનો શું ફાયદો? તેઓ અમૂલ કૅમ્પેન માટે યોગ્ય છે એટલે તેઓ અમૂલ બેબીઝ છે. અમૂલ બેબીઝની ઝલક જોવા કરતાં કાઝીરંગામાં ગેંડા જોવા વધુ ફાયદાકારક છે.’

BJPના નેતાએ કહ્યું કે ‘કૉન્ગ્રેસ નેતાની રૅલીમાં લગભગ ૨૦૦૦-૩૦૦૦ લોકો હતા જે નોંધપાત્ર ન કહેવાય. પ્રિયંકા ગાંધીને જોવા કોણ આવશે? એના બદલે નૅશનલ પાર્કમાં વાઘ, ગેંડા જોવામાં સમયનો સદુપયોગ થશે.’

પ્રિયંકા ગાંધીએ જોરહાટ મતવિસ્તારમાં કૉન્ગ્રેસના ઉમેદવાર ગૌરવ ગોગોઈના સમર્થનમાં બે કિલોમીટર લાંબો રોડ-શો કર્યો હતો. ગૌરવ ગોગોઈ કાલિયાબોર મતવિસ્તારના કૉન્ગ્રેસના વર્તમાન સંસદસભ્ય છે, જેઓ આ વખતે જોરહાટમાં BJPના સીટિંગ સંસદસભ્ય તોપોન કુમાર ગોગોઈને ટક્કર આપશે.                       

assam congress bharatiya janata party india national news Lok Sabha Election 2024