11 April, 2025 06:56 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે મીડિયાને સંબોધન કરતા RBIના ગવર્નર સંજય મલ્હોત્રા.
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)ના ગવર્નર સંજય મલ્હોત્રાએ ગઈ કાલે મૉનિટરી પૉલિસી કમિટી (MPC)ની બેઠક બાદ રેપો રેટમાં ૦.૨૫ બેસિસ પૉઇન્ટનો ઘટાડો કરીને ૬ ટકા કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. RBIએ સતત બીજી વાર રેપો રેટમાં ઘટાડો કર્યો છે. ફેબ્રુઆરીમાં રેપો રેટ ૦.૨૫ ઘટાડીને ૬.૨૫ ટકા કરવામાં આવ્યો હતો, જે મે ૨૦૨૦ પછી પહેલો ઘટાડો હતો. અર્થશાસ્ત્રીઓ માને છે કે RBI રેપો રેટ ૫.૫ ટકા સુધી ઘટાડે એવી શક્યતા છે. આ નિર્ણયના પગલે લોન સસ્તી થશે અને EMIમાં ઘટાડો થશે.
હું સંજય છું, પણ મહાભારતનો નહીં
રેપો રેટ ક્યાં સુધી ઘટાડવામાં આવશે એ મુદ્દે જવાબ આપતાં RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે ‘મને લાગે છે કે તમે હાલમાં બજેટ જોયું હશે. એમાં ઘણા ઉપાય કરવામાં આવ્યા છે. કૅપેક્સ વધારવામાં આવ્યું છે, પર્સનલ ઇન્કમ-ટૅક્સમાં ઘણી છૂટછાટ આપવામાં આવી છે. હવે અમે રેપો રેટ ઓછા કર્યા છે જેનો મતલબ એ છે કે પૉલિસી રેપો રેટની દિશા નીચેની તરફ છે, પણ એ ક્યાં સુધી પહોંચશે એ જાણતો નથી. હું સંજય છું, પણ મહાભારતનો સંજય નથી જે એટલે દૂર સુધીનું જોઈ શકે. મારી પાસે એ દિવ્ય દૃષ્ટિ નથી જે તેમની પાસે હતી.’