24 April, 2026 07:20 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બૉમ્બે હાઈ કોર્ટની નાગપુર બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)ને આદેશ આપ્યો છે કે નોટબંધીની જાહેરાત પછી પોલીસે જપ્ત કરેલી બે લાખની જૂની ૫૦૦ રૂપિયાની ચલણી નોટો બદલી આપવામાં આવે. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે જે ભૂલ અરજદારની નથી એની સજા તેને ન મળી શકે.
૨૦૧૬ની ૮ નવેમ્બરે નોટબંધીની જાહેરાત થઈ હતી. અરજદાર ગિરીશ માલાણી ૨૦૧૬ની પહેલી ડિસેમ્બરે બે લાખ રૂપિયાની કૅશ લઈને મુસાફરી કરી રહ્યા હતા ત્યારે કૉર્પોરેશનની ચૂંટણી સંદર્ભે પોલીસ-પૅટ્રોલિંગ ટીમે સાવચેતીના ભાગરૂપે એ રૂપિયા જપ્ત કર્યા હતા. ત્યાર બાદ ઇન્કમ ટૅક્સ વિભાગે તપાસમાં આ નાણાં કાયદેસરનાં હોવાનું સ્વીકાર્યું હતું. જોકે કાયદાકીય પ્રક્રિયાને કારણે આ રકમ અરજદારને ૨૦૧૬ની ૩૧ ડિસેમ્બરે પાછી મળી હતી. એ સમયગાળા દરમ્યાન જૂની નોટો જમા કરાવવાની અંતિમ તારીખ વીતી ગઈ હોવાથી RBIએ નોટો બદલી આપવાનો ઇનકાર કર્યો હતો.
જસ્ટિસ ઊર્મિલા જોશી-ફાળકે અને નિવેદિતા મહેતાની ખંડપીઠે જણાવ્યું હતું કે ચલણી નોટો પોલીસ-કસ્ટડીમાં હોવાથી અરજદાર પાસે એને જમા કરાવવાનો કોઈ વિકલ્પ મળ્યો નહોતો. કોર્ટે RBIની એ દલીલ પણ ફગાવી દીધી હતી કે નોટોના સિરિયલ-નંબર નોંધવામાં આવ્યા નહોતા. કોર્ટે ટાંક્યું હતું કે કાયદાકીય વિલંબને કારણે અરજદારે નુકસાન વેઠવું પડે એ યોગ્ય નથી.
હાઈ કોર્ટે ગિરીશ માલાણીને એક સપ્તાહની અંદર જૂની નોટો RBIમાં જમા કરાવવા જણાવ્યું છે અને રિઝર્વ બૅન્કને ૭ અઠવાડિયાંમાં એની ચકાસણી કરીને એટલી જ રકમનું કાયદેસરનું ચલણ આપવાનો આદેશ આપ્યો છે.