તૃણમૂલ કૉન્ગ્રેસના અધ્યક્ષપદેથી મમતા બૅનરજીની હકાલપટ્ટી કરી બળવાખોર જૂથે

23 June, 2026 09:28 AM IST  |  West Bengal | Gujarati Mid-day Correspondent

આ નાટ્યાત્મક વળાંક એવા સમયે આવ્યો જ્યારે પશ્ચિમ બંગાળની નવી BJP સરકારે વિધાનસભામાં પોતાનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું

મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળના રાજકારણમાં સોમવારે મોટો રાજકીય હડકંપ આવ્યો હતો જ્યાં તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC)ના બળવાખોર જૂથે મમતા બૅનરજીને પક્ષના અધ્યક્ષપદેથી ‘હટાવી’ સમાંતર નેતૃત્વ માળખું ઊભું કર્યાનો દાવો કર્યો હતો. વિધાનસભાના વિરોધ પક્ષના નેતા ઋતબ્રત બૅનરજીની આગેવાની હેઠળના આ જૂથે પક્ષના મોટા ભાગના ધારાસભ્યો અને પદાધિકારીઓનું સમર્થન હોવાનો દાવો કર્યો હતો. 

આ નાટ્યાત્મક વળાંક એવા સમયે આવ્યો જ્યારે પશ્ચિમ બંગાળની નવી BJP સરકારે વિધાનસભામાં પોતાનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. ત્યાર બાદ તરત જ બળવાખોર ધારાસભ્યોએ ન્યુ ટાઉન વિસ્તારની એક ફાઇવ-સ્ટાર હોટેલમાં વિશેષ સત્ર યોજ્યું હતું જેમાં વર્તમાન અને ભૂતપૂર્વ ધારાસભ્યો સહિત અંદાજે ૫૦૦ જેટલા નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં મમતા બૅનરજી અને અભિષેક બૅનરજીની તસવીરો ગાયબ હતી. સત્રમાં ધારાસભ્ય અરુપ રૉયને પક્ષના નવા ચૅરપર્સન તરીકે ચૂંટવામાં આવ્યા અને ૩૦ સભ્યોની રાષ્ટ્રીય કાર્યકારિણીની જાહેરાત કરાઈ હતી. ઋતબ્રત બૅનર્જીએ જણાવ્યું કે પક્ષના બંધારણ મુજબ ફેબ્રુઆરી ૨૦૨૨ પછી કાર્યકારિણી બદલાઈ ન હોવાથી આ પગલું લેવાયું છે અને આ અંગે ટૂંક સમયમાં ચૂંટણી પંચને સત્તાવાર જાણ કરાશે.
બીજી તરફ, મમતા બૅનરજીએ નેતૃત્વ સામેના બળવા પર કડક શિસ્તભંગનાં પગલાં શરૂ કર્યાં છે. પક્ષની શિસ્ત સમિતિએ ફિરહાદ હકીમ, અરુપ રૉય, અરુપ બિસ્વાસ, જાવેદ ખાન અને રાથિન ઘોષ સહિતના અગ્રણી નેતાઓને પક્ષવિરોધી પ્રવૃત્તિઓ બદલ કારણદર્શક નોટિસ ફટકારી છે.

national news india trinamool congress mamata banerjee west bengal indian politics political news